લંડનઃ દેશમાં દાવાનળની જેમ પ્રસરી રહેલા વિન્ટર બગ સામે જાહેર જનતાને ચેતવણી જારી કરવામાં આવી છે. વિન્ટર બગના કારણે એક હોસ્પિટલમાં તમામ વોર્ડ બંધ કરી દેવાની ફરજ પડી છે. એનએચએસએ જણાવ્યું છે કે નોરોવાઇરસના દર્દીઓ મોટી સંખ્યામાં નોંધાઇ રહ્યાં છે જેના કારણે એનએચએસની સેવાઓ પર દબાણ સર્જાઇ રહ્યું છે.
નોરોવાઇરસના પ્રસારના કારણે દર્દીઓ વધતાં લંડનમાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ ખાતે 3 વોર્ડ બંધ કરી દેવાયાં છે. મોટી સંખ્યામાં વોમિટીંગ બગના દર્દી સામે આવી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં આ હોસ્પિટલમાં નોરોવાઇરસથી પીડાતા દર્દીઓના 570 કેસ નોંધાયા હતા.
આંકડા અનુસાર ઇંગ્લેન્ડમાં પ્રતિ દિવસ નોરોવાઇરસના 961 કેસ નોંધાઇ રહ્યાં છે. આ એક અત્યંત ચેપી વાઇરસ હોવાના કારણે એકપણ દર્દી હોસ્પિટલમાં સારવાર માટે આવે કે અન્ય દર્દીઓમાં પણ તે ફેલાઇ જાય છે. આ વાઇરસના કારણે દર્દીઓને ઝાડા ઉલટીની તકલીફ થતી હોય છે.