લંડનઃ કોમનવેલ્થ દેશોના વડાઓની ૨૫મી ‘ચોગમ’ બેઠકમાં ભાગ લેવા ૧૭થી ૨૦ એપ્રિલ દરમિયાન બ્રિટનની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે વચ્ચે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણામાં ભારત- બ્રિટનના સંબંધ પર વ્યાપક ચર્ચા કરાઈ હતી. વડા પ્રધાન મોદીએ યુકેના અર્થતંત્રમાં ૧ બિલિયન પાઉન્ડથી વધુના ભારતીય રોકાણનું વચન આપ્યું છે. પરિણામે ૫,૭૫૦થી વધુ બ્રિટિશ નોકરીઓનું સર્જન અથવા બચાવમાં મદદ મળશે.
બન્ને વડા પ્રધાનોની ચર્ચામાં બ્રેક્ઝિટ મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. વડા પ્રધાન મોદી અને થેરેસા મેનાં નેતૃત્વમાં બંને દેશનાં પ્રતિનિધિ મંડળોએ પણ દ્વિપક્ષીય મંત્રણાઓમાં ભાગ લીધો હતો અને બંને દેશ વચ્ચે વિવિધ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. બંને નેતાએ સંશોધન, ટેક્નોલોજી, વેપાર અને મૂડીરોકાણમાં સંબંધો મજબૂત બનાવવાનાં પગલાંની જાહેરાત કરી હતી.
દરમિયાન, કોમનવેલ્થ દેશોની બેઠકમાં ભાગ લેતી વેળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત કોમનવેલ્થ ટેક્નિકલ કોર્પોરેશન ફંડમાં બમણું યોગદાન આપશે એટલે કે વર્તમાન યોગદાનને વધારીને બમણું કરી દેવાશે.
વડા પ્રધાન મોદીએ લંડનમાં અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે મહારાણી એલિઝાબેથ દ્વિતીયની મુલાકાત પણ લીધી હતી. આ પછી નરેન્દ્ર મોદી જર્મની પણ પહોંચ્યા હતા. બર્લિનમાં તેઓએ ચાન્સેલર એન્જેલા માર્કેલ સાથે બેઠક યોજી હતી.
ઈન્ડિયા-યુકે ટ્રેડ પાર્ટનરશિપ
વડા પ્રધાન મોદીએ યુકેના અર્થતંત્રમાં ૧ બિલિયન પાઉન્ડથી વધુના ભારતીય રોકાણનું વચન આપ્યું છે, જેના પરિણામે ૫,૭૫૦થી વધુ બ્રિટિશ નોકરીઓનું સર્જન થશે અથવા તો તે બચાવમાં મદદ મળશે. બન્ને વડા પ્રધાનોની ચર્ચામાં બ્રેક્ઝિટ મુખ્ય વિષય રહ્યો હતો. ભારત અને બ્રિટન તેમના વચ્ચે આ વર્ષની શરૂઆતમાં કરાયેલી સંયુક્ત વેપાર સમીક્ષાના પગલે નવી ઈન્ડિયા-યુકે ટ્રેડ પાર્ટનરશિપને આકાર આપવા સંમત થયા હતા.
બ્રિટન ૪૦ વર્ષમાં પ્રથમ વખત સ્વતંત્ર વેપારનીતિના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે નવી ટ્રેડ પાર્ટનરશિપ બંને દેશોમાં બિઝનેસીસ માટે વેપારની સવલતો વધારવા આગળ વધશે. લાઈફ સાયન્સીસ, આઈટી તથા ફૂડ અને ડ્રિન્ક્સના ત્રણ ચાવીરુપ સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આ ભાગીદારી વેપારના અવરોધો ઘટાડવા તેમજ આ વિભાગોમાં વેપાર સરળતાથી વિકસે અને વેપાર સંબંધો વધુ ગાઢ બને તે માટે કામ કરશે.
યુકે તેના નવી દિલ્હીસ્થિત હાઈ કમિશનમાં સાયબર સિક્યુરિટી નિષ્ણાતની ભરતી કરવા માગે છે. જેમની ભૂમિકા બ્રિટિશ નિપુણતાના સહકાર સાધવા સાથે ભારતની જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને આવી ચોક્કસ જરૂરત પૂર્ણ કરી શકે તેવી નિષ્ણાત યુકે કંપનીઓ સાથે જોડવાની રહેશે. બંને દેશો વચ્ચે વેપાર અને સેવાનું પ્રમાણ ૨૦૧૭માં ૧૮ બિલિયન પાઉન્ડે પહોંચ્યું છે, જે ૨૦૧૬ની સરખામણીએ ૧૫ ટકાનો વધારો દર્શાવે છે. ભારતમાં યુકેની નિકાસમાં પણ ૧૪.૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી ડો. લિઆમ ફોક્સે જણાવ્યું હતું કે, ‘વેપાર સામેના અવરોધો દૂર કરવા મહત્ત્વનું છે, જેમાં યુકે વિશ્વબજારોમાં વૃદ્ધિની આગાહીને લાભ મેળવી શકે છે. ભારત સાથે નવી વેપાર ભાગીદારીનો મને આનંદ છે. ભારત સાથે વેપાર તકોની વિપુલ શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય આર્થિક વિભાગ તરીકે અમે યુકેની નિકાસો વધારવા ટ્રેડ મિશન્સ જેવા સાધનોનો ઉપયોગ કરતા રહીશું. એટલું જ નહિ, તમામ કદના બિઝનેસીસ સંભવિત ખરીદારો અને ઈન્વેસ્ટર્સ સાથે સંબંધોનું નિર્માણ કરી શકે.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ભારત ‘Ease of Doing Business’ના રેન્કિંગમાં વધુ અગ્રેસર થવામાં મદદ મળે તે માટે ભારતને ટેક્નિકલ સહાયનું પેકેજ જાહેર કરાયું હતું, જેનો એકસરખો લાભ યુકેની કંપનીઓ અને ભારતીય અર્થતંત્રને મળશે.
આ ઉપરાંત, બંને દેશ તેમના કૃષિઉદ્યોગો વચ્ચે સંબંધો મજબૂત બનાવવા પણ સંમત થયા છે. બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ મુલાકાતો અને ટ્રેડ મિશન્સના પગલે યુકે અને ભારતના વેપારી સંબંધોને ભારે ઉત્તેજન સાંપડ્યું છે. આ વર્ષના આરંભે જ બેરોનેસ ફેરહેડે બે દેશોના ઉદ્યોગો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા ટેકનોલોજી બિઝનેસીસના વિશાળ જૂથ સાથે મુંબઈ અને બેંગ્લૂરુની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જ વિવિધ સેક્ટર્સના ૧૦૦થી વધુ બિઝનેસીસ દ્વારા મુલાકાતો યોજાઈ હતી.
બ્રેક્ઝિટ અને યુકે-ઈન્ડિયા સંબંધો
વડા પ્રધાન મેએ યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી યુકેના બહાર નીકળવાની દિશામાં થયેલી પ્રગતિ વિશે વડા પ્રધાન મોદીને માહિતગાર કર્યા હતા. વડા પ્રધાન મેએ કહ્યું હતું કે આગામી માર્ચ મહિનામાં તેના અમલના સમયગાળાથી ૨૦૨૦ના અંત સુધી માર્કેટ સુવિધા વર્તમાન શરતોએ યથાવત રહેવાની હોવાથી ભારતીય કંપનીઓ અને ઈન્વેસ્ટર્સને વિશ્વાસ સાંપડશે. થેરેસા મેએ પુનરુચ્ચાર કર્યો હતો કે યુકે મુક્ત વૈશ્વિક વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ મુદ્દે પ્રતિબદ્ધ છે અને યુકે ગ્લોબલ ફાયનાન્સનું અગ્ર કેન્દ્ર બની રહેશે.
વડા પ્રધાન મોદીએ સ્પષ્ટતા કરી હતી કે બ્રેક્ઝિટ પછી પણ ભારત માટે યુકેના મહત્ત્વમાં ઘટાડો થશે નહિ. વિશ્વના બજારોમાં પહોંચ મેળવવામાં સિટી ઓફ લંડનનું ભારત માટે વિશેષ મહત્ત્વ છે અને રહેશે. મોદીએ કહ્યું હતું કે બ્રેક્ઝિટ વેપારી સંબંધો વધુ મજબૂત બનાવવાની તક ઓફર કરે છે. બંને વડા પ્રધાનોએ કહ્યું હતું કે ગયા વર્ષે યુકે અને ભારત વચ્ચેના વેપારમાં મજબૂત વધારો થયો છે. તેઓએ ૧ બિલિયન પાઉન્ડના વાણિજ્ય સોદાઓને આવકાર્યા હતા અને વેપારી અવરોધો દૂર કરવા, બંને દેશોમાં વેપાર કરવાને સરળ બનાવવા તેમજ ભાવિ દ્વિપક્ષી વેપારી સંબંધો મજબૂત બનાવવા યુકે-ઈન્ડિયા જોઈન્ટ ટ્રેડ રિવ્યૂની ભલામણો પણ આગળ વધવા સંમત થયા હતા.
દ્વિપક્ષી અને વૈશ્વિક માહોલની ચર્ચા
ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મેની ૨૦૧૬માં ભારત મુલાકાત અને ચાવીરુપ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંખ્યાબંધ ડિફેન્સ કેપિબિલિટી પાર્ટનરશિપ્સના કરાર પછી દ્વિપક્ષીય સંરક્ષણ અને સુરક્ષા સહકાર સંબંધિત પ્રગતિની પણ બંને નેતાએ વાતો કરી હતી. કાનૂની બાબતો વિશે બંને દેશ વચ્ચે સહકારની ચર્ચા કરવા ઉપરાંત તેઓ ત્રાસવાદ અને ઓનલાઈન કટ્ટરવાદનો સામનો કરવા સાથે મળીને કામ કરવા પણ સંમત થયા હતા. અન્ય ચર્ચાઓમાં FTA, ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓની મુક્ત અવરજવર (વિઝા મુદ્દાઓ), સાયન્સ અને ટેકનોલોજી અને ત્રાસવાદવિરોધ સહિતનો સમાવેશ થયો હતો. ગેરકાયદે ઈમિગ્રન્ટ સંબંધે સમજૂતીપત્ર પર સહીઓ કરાઈ નથી.
બંને નેતાઓએ સેલિસબરી અને સીરિયામાં રાસાયણિક શસ્ત્રોના હુમલાઓની ચર્ચા કરી હતી અને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પક્ષ દ્વારા રાસાયણિક શસ્ત્રોનાં ઉપયોગ સામે ચિંતા વ્યક્ત કરી વિરોધ જાહેર કર્યો હતો. થેરેસા મેએ સેલિસબરીમાં હુમલા અને સીરિયાના લોકો સામે સીરિયન શાસન દ્વારા અવારનવાર રાસાયણિક શસ્ત્રોના ઉપયોગને રક્ષણ આપતા રશિયાના અસ્થિરતા સર્જનારા વલણ સામે યુકેના વલણનો ભારપૂર્વક પુનરુચ્ચાર કર્યો હતો. બંનેએ ઈન્ડો-પાસિફિક વિસ્તાર મુક્ત અને ખુલ્લો રહે તેની ચોકસાઈ માટે સાથે મળીને કામ કરવાની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મોરેશિયસ, ઓસ્ટ્રેલિયાના વડાઓ સાથે બેઠક
વડા પ્રધાન મોદીએ લંડનમાં કોમનવેલ્થ દેશોના વડા સાથેની મુલાકાત દરમિયાન મોરેશિયસના વડા પ્રધાન પ્રવિન્દકુમાર જુગનાત અને સેશેલ્સના પ્રમુખ ડેની ફોર સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ ઉપરાંત, વડા પ્રધાન મોદી કિરિમાતીના વડા પ્રધાન તાતેની મામાઉ તેમજ એન્ટિગુઆ એન્ડ બર્બુડાના વડા પ્રધાન ગેસ્ટની બ્રાઉનને પણ મળ્યા હતા. આ દરમિયાન, વડા પ્રધાને ઓસ્ટ્રેલિયા, સાયપ્રસ, જમૈકા અને દક્ષિણ આફ્રિકાના વડાઓના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ સાથે પણ બેઠકો યોજી હતી.
ભારત-બ્રિટન વચ્ચે ૧૦ સમજૂતી કરાર
(૧) સાયબર સંબંધો મજબૂત બનાવવા કરાર
(૨) ગંગા શુદ્ધિકરણ માટે બ્રિટનની રિસર્ચ કાઉન્સિલ સાથે એમઓયુ
(૩) સ્કીલ ડેવલપમેન્ટ, વોકેશનલ ટ્રેનિંગ માટે એમઓયુ
(૪) પરમાણુ ઉર્જાના શાંતિપુર્ણ ઉપયોગ માટે કરાર
(૫) નીતિ આયોગ અને બ્રિટનના વ્યાપાર વિભાગ વચ્ચે સમજૂતિ
(૬) પશુપાલન ક્ષેત્રમાં સહકાર માટે એમઓયુ
(૭) આંતરરાષ્ટ્રીય અપરાધીઓની માહિતીની આપલે માટે એમઓયુ
(૮) માનવતા અને સમાજવિજ્ઞાનમાં સંશોધન માટે એમઓયુ
(૯) ભારતીય કંપનીઓની મુશ્કેલીઓ દૂર કરવા બ્રિટન ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ લાવશે
(૧૦) આયુર્વેદ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે કરાર