લંડનઃ બ્રિટનની કુલ વસ્તીના લગભગ ૩૦ ટકા લોકો ઘરે પણ નળના પાણીના બદલે બોટલ્ડ વોટરનો ઉપયોગ કરતા હોવાનું OnePollના સર્વેમાં જાણવા મળ્યું છે. બોટલ્ડ વોટરના વેચાણમાં ૨૦૧૦-૨૦૧૫માં ૨૫ ટકાનો વધારો થયો હતો. દરેક વ્યક્તિ વર્ષે ૧૭૦ જેટલી પાણીની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. ૪ વર્ષના બાળકથી ૧૮ વર્ષના દર પાંચ યુવાનોમાંથી એક કરતાં વધુ એટલે કે ૨૨ ટકા મોટાભાગે બોટલ્ડ વોટર પીવે છે. જોકે, યુકેના પુખ્ત વયના અડધા કરતાં વધુ એટલે કે ૫૪ ટકા લોકોનું કહેવું છે કે પર્યાવરણના પ્રદૂષણને ઘટાડવા માટે તેઓ ટેપ વોટર વધારે પસંદ કરે છે.
મરીન કન્ઝર્વેશન સોસાયટીના સંશોધન મુજબ બોટલ્ડ વોટર પીનારાનો આંક યુકેના કેટલાક પ્રાંતમાં ખૂબ ઉંચો છે. નોર્ધર્ન આયર્લેન્ડમાં લગભગ ૩૭ ટકા જ્યારે યોર્કશાયર અને હમ્બરસાઈડમાં ૧૨.૩ ટકા બાળકો મુખ્યત્વે બોટલ્ડ વોટર પીવે છે. યુકેના અન્ય વિસ્તારો કરતાં નોર્થ વેસ્ટના ૬૨ ટકા બાળકો ટેપ વોટર પીવે છે.
સિનિયર પોલ્યુશન પોલીસી ઓફિસર ડો. સૂ કિન્સેએ જણાવ્યું હતું કે દરિયામાં અને કાંઠે ફેંકી દેવાતી સીંગલ યુઝ પ્લાસ્ટિક વોટર બોટલ વન્યજીવો માટે જોખમી છે. એક લિટરની એક ડિસ્પોઝેબલ પેટ બોટલના ઉત્પાદનમાં ૧૬૨ ગ્રામ ઓઈલ અને સાત લિટર પાણી વપરાય છે.