લંડનઃ બ્રિટનમાં બેરોજગારી ઘટવા સાથે કામ કરતા લોકોની સંખ્યા ૩૨.૨ મિલિયનના નવા વિક્રમે પહોંચી છે. ગત ત્રિમાસિક ગાળા કરતાં રોજગારીમાં ૧૦૨,૦૦૦નો વધારો જોવાં મળ્યો છે અને સરકારને હજુ રોજગારીમાં વૃદ્ધિ થવાની આશા છે. જોકે, સત્તાવાર ડેટા અનુસાર વેતનનું વાસ્તવિક મૂલ્ય સતત આઠમા મહિને પણ ઘટ્યું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના માર્કેટ ડેટા અનુસાર કામમાં વધારો છતાં ફૂગાવા સાથેની દોડમાં વેતન પાછળ રહ્યું છે.
યુકેમાં ૧૯૭૧માં રેકોર્ડ્સ રાખવાની શરુઆત થયાં પછી એમ્પ્લોયમેન્ટ રેટ ૭૫.૩ ટકાની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. બેરોજગારી ૩,૦૦૦ના ઘટાડા સાથે ૧.૪૪ મિલિયન થઈ હતી, જે એક વર્ષ અગાઉની સરખામણીએ ૧૬૦,૦૦૦ ઓછી છે. નવેમ્બર સુધીનાં વર્ષમાં સરેરાશ કમાણીમાં ૨.૫ ટકાનો વધારો થયો છે છતાં, ફૂગાવાના દર કરતા વેતન વધવાનો દર ઓછો છે. વિદ્યાર્થીઓ, લાંબા સમયથી બીમારીની રજા, વહેલા નિવૃત્ત અથવા નોકરીની આશા છોડી દીધી હોય તેવાં સહિત આર્થિક રીતે નિષ્ક્રિય લોકોની સંખ્યા ૭૯,૦૦૦ ઘટી ૮.૭ મિલિયન થઈ છે. જે ૨૦૦૦-૨૦૦૧ના ગાળા પછી સૌથી ઓછી છે. ખાલી નોકરીઓની સંખ્યા ૧૭,૦૦૦ના વધારા સાથે વિક્રમી ૮૧૦,૦૦૦ થઈ છે.
વર્ક અને પેન્શન્સ સેક્રેટરી એસ્થર મેક્વીએ જણાવ્યું હતું કે રોજગારીની દૃષ્ટિએ ૨૦૧૭નું વર્ષ વિક્રમજનક રહ્યું છે. કામ કરતા લોકોની સંખ્યા સૌથી વધુ રહી છે અને ગત ૪૦ વર્ષમાં બેરોજગારી દર આટલો નીચો રહ્યો નથી. ફુલ ટાઈમ નોકરીઓની સંખ્યા વધવાથી રોજગારીને ઉત્તેજન મળ્યું છે. સ્વરોજગારી ધરાવતાં લોકોની સંખ્યામાં ૮૨,૦૦૦નો ઘટાડો થયો છે.