લંડનઃ બ્રિટનમાં ૬૬૦,૯૦૦ જેટલાં ઘરની કિંમત ઓછામાં ઓછાં એક મિલિયન પાઉન્ડની આંકવામાં આવી છે. આવા પાંચમાંથી ચાર મકાનો અથવા ૮૨ ટકા તો માત્ર લંડન અથવા સાઉથ ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડમાં, જ્યારે ૧.૨૮ ટકા સ્કોટલેન્ડમાં અને ૦.૨૫ ટકા વેલ્સમાં આવેલા છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં સૌથી વધુ મૂલ્યવાન મકાનો ધરાવતી ૧૦ સ્ટ્રીટ્સ પણ લંડનમાં જ છે. મકાનોની કિંમતમાં અભૂતપૂર્વ વધારો થતાં જાન્યુઆરી પછી પ્રોપર્ટી મિલિયોનર્સની સંખ્યામાં ૪૦,૮૦૦થી વધુનો ઉમેરો થયો છે.
Zooplaના સંશોધન અનુસાર લંડનની કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન બ્રિટનની સૌથી મોંઘી સ્ટ્રીટ તરીકે બિરુદ જાળવ્યું છે. રાજધાનીના W8 પોસ્ટકોડ સાથેના આ વિસ્તારમાં મહેલો જેવી ઈમારતોની સરેરાશ કિંમત ૩૮.૨૬ મિલિયન પાઉન્ડ છે. અહીં રશિયન ધનાઢ્ય રોમાન અબ્રામોવિચ અને સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલના નિવાસસ્થાનો છે. બીજા ક્રમની મોંઘી સ્ટ્રીટ કેન્સિંગ્ટન અને ચેલ્સી વિસ્તારની ધ બોલ્ટન્સ છે, જ્યાં મકાનની સરેરાશ કિંમત ૩૩.૩૧ મિલિયન પાઉન્ડ છે. આ પછીના ક્રમોએ ગ્રોવનર ક્રીસન્ટ (૨૧.૬૩ મિલિયન), કોર્ટની એવન્યુ (૧૯ મિલિયન), માનરેસા રોડ (૧૩.૨૮ મિલિયન), કોમ્પ્ટન એવન્યુ (૧૩.૨૧ મિલિયન), ફ્રોગનાલ વે (૧૨.૭૯ મિલિયન), ઈલ્ચેસ્ટર પ્લેસ (૧૨.૭૭ મિલિયન), કોટ્સમોર ગાર્ડન્સ (૧૦.૮૧ મિલિયન), ચેસ્ટર સ્ક્વેર (૧૦.૬૩ મિલિયન)નો સમાવેશ થાય છે.
સમગ્ર બ્રિટનમાં ૧૨,૪૧૮ જેટલી સ્ટ્રીટ્સ એવી છે, જ્યાં મકાનની સરેરાશ પ્રાઈસ એક મિલિયન પાઉન્ડથી વધુ છે. પ્રોપર્ટી મિલિયોનેર્સના ૬૦ ટકા તો લંડનમાં વસે છે, જ્યારે સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં ૨૨ ટકા, ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડમાં ૮.૧૮ ટકા, સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડમાં ૩.૬ ટકા, નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં ૧.૪૬ ટકા, સ્કોટલેન્ડમાં ૧.૨૮ ટકા, વેસ્ટ મિડલેન્ડ્સમાં ૧.૧૮ ટકા, નાર્થ ઈસ્ટ ઈંગ્લેન્ડમાં ૦.૫૬ ટકા, યોર્કશાયર એન્ડ હમ્બરમાં ૦.૪૮ ટકા અને વેલ્સમાં માત્ર ૦.૨૫ ટકા પ્રોપર્ટી મિલિયોનેર્સ વસે છે.