ડાયનોસોરની અંતિમ પેઢીના પગના નિશાન બ્રિટનમાંથી મળ્યા છે. આ નિશાન ઈંગ્લેન્ડના કેન્ટ વિસ્તારમાં ફોલ્કસ્ટોનમાં દેખાયા છે. તેમાં લગભગ છ પ્રજાતિઓના ડાયનોસોરના પગના નિશાન છે. પુરાતત્વવિદોના મતે, આ નિશાન લગભગ ૧૧ કરોડ વર્ષ જૂના છે. તેમનો દાવો છે કે બ્રિટનની આસપાસ ફરનારા આ અંતિમ ડાયનોસોર હશે. આ અભ્યાસ હેસ્ટિંગ્સ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી અને યુનિવર્સિટી ઓફ પોર્ટ્સમાઉથના સંશોધકોએ ભેગા મળીને કર્યો છે. ફોલ્કસ્ટોન વિસ્તારમાં ભારે પવન અને સમુદ્રની તોફાની લહેરો પથ્થરોને સતત ટકરાતી હોય છે તેના લીધે હવે આ પથ્થરોમાં ડાયનોસોરના પગના નિશાન દેખાવા લાગ્યા છે. જીવાશ્મ હવે પથ્થરોની બહાર નજરે પડી રહ્યા છે. આ એ ડાયનોસોરના પગના નિશાન છે, જે આ વિસ્તારમાં અંતિમ વખત ફર્યા હતા અને તેના પછી તેની પ્રજાતિ જ ખતમ થઈ ગઈ હતી. ડાયનોસોરની છ પ્રજાતિઓ અહીં લાંબા સમય સુધી રહી હતી. તે વ્હાઈટ ક્લિફ ઓફ ડોવર અને તેની આસપાસના વિસ્તારમાં ફરતી હતી.
ડાયનોસોરના અવશેષ મળી આવવાને લીધે આ સ્થળ હવે મોટું પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે. હવે અહીં આવનારા લોકોએ બોટથી ભાડું ચૂકવીને અહીં પહોંચવું પડશે.
ડાયનોસોરના પગના નિશાન બન્યા ત્યાં પહેલા માટી નરમ હતી, પરંતુ પછી સમયના વહેવા સાથે તે સખ્ત થઈને પથ્થર બની ગઈ હતી પણ તેના નિશાન ન ગયા. હવે તે ખૂબ જ મજબૂત છે.
અહીં જોવા મળતા જુદાં જુદાં ડાયનોસોરના પગના નિશાનનો અર્થ એ છે કે સદીઓ પૂર્વે અહીં તેની જુદી જુદી પ્રજાતિઓનો વસવાટ હતો. આમ ૧૧ કરોડ વર્ષ પહેલાં સધર્ન ઈંગ્લેન્ડ ડાયનોસોરની વિવિધ પ્રજાતિઓનું ગઢ હતું.