ટોક્યો, લંડનઃ આ વર્ષે બ્રિટને રમતના મેદાન પર ભલે નિરાશાજનક દેખાવ કર્યો હોય કે ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપને જાળવી ન રાખ્યો હોય પરંતુ, વિશ્વના સર્વપ્રથમ ‘સ્પોગોમી વર્લ્ડ કપ 2023’ કચરાનિકાલ ટૂર્નામેન્ટમાં જરૂર સુવર્ણ ચંદ્રક જીત્યો છે તે નાની વાત નથી. એલેકઝાન્ડર વિન્શિપ, સારાહ પેરી અને જોનાથન વિન્શિપની બનેલી ‘ધ નોર્થ વિલ રાઈઝ અગેઈન’ ટીમે 20 દેશની ટીમોને પરાજિત કરી વર્લ્ડ કપ જીતવા સાથે ‘સમુરાઈ લિટર પિકર્સ’નું ટાઈટલ પણ હાંસલ કર્યું છે. બ્રિટિશ ટીમે 57 કિલો પ્લાસ્ટિક બોટલ્સ અને સિગારેટના ઠૂંઠાનો કચરો એકત્ર કર્યો હતો.
આ સ્પર્ધા મૂળ જાપાનથી ઉતરી આવી છે જેને કચરા માટેના જાપાનીઝ શબ્દ ‘ગોમી’ સાથે સાંકળી ‘સ્પોગોમી’ નામ અપાયું છે. આ સ્પર્ધામાં ત્રણ સભ્યોની ટીમે જાપાનની રાજધાની ટોક્યોના ભરચક શિબુયા ડિસ્ટ્રિક્ટના 5 ચોરસ કિમીના એરિયામાંથી એક કલાકમાં મહત્તમ કચરો એકત્ર કરવાનો રહે છે તેમજ મર્યાદિત સમયમાં કચરાને અલગ પાડી તેનું વજન કરવાનું રહે છે.
કચરાના પ્રકાર અને પ્રમાણના આધારે પોઈન્ટ્સ અપાય છે. બાળી શકાય અને બાળી ન શકાય તેવા 100 ગ્રામ કચરા માટે 10 પોઈન્ટ્, કેન્સ અને બોટલ્સ (12 પોઈન્ટ્), પેટ પ્લાસ્ટિક બોટલ્સ (25 પોઈન્ટ્) તેમજ સિગારેટના ઠૂંઠા માટે સૌથી વધુ (પ્રતિ 100 ગ્રામ માટે 100 પોઈન્ટ્સ) પોઈન્ટ્સ મળે છે. સવાર અને બપોર પછીના સેશન્સ માટે ટીમને કચરો શોધવા 45 મિનિટ તેમજ તેને અલગ પાડવા માટે બીજી 20 મિનિટનો સમય અપાય છે.
એટલું જ નહીં, લિટર બિન્સમાંથી કચરો લેવા, દોડવા કે અન્ય ટીમનો પીછો કરવા પર પ્રતિબંધ હોય છે તેમજ દરેક ટીમની કામગીરી પર નજર રાખવા રેફરી પણ હોય છે.
એલેકઝાન્ડર વિન્શિપ, સારાહ પેરી અને જોનાથન વિન્શિપની બ્રિટિશ ટીમે લગભગ 3000 પોઈન્ટ હાંસલ કર્યા હતા તેમજ બીજા નંબરની જાપાનીઝ ટીમ કરતાં 28 કિલો વધુ કચરો એકત્ર કર્યો હતો. સારાહ પેરી ડોક્ટર છે, જેણે બોયફ્રેન્ડ એલેકઝાન્ડર વિન્શિપ સાથે લંડનના હેક્ની ડાઉન્સમાં 25 ટીમ વચ્ચે યોજાયેલી ક્વોલિફાયરમાં ભાગ લીધો હતો. વિશ્વભરમાંથી 1746 ટીમોએ ક્વોલિફાઈંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાંથી જાપાનની ટીમ સૌથી વધુ હતી.