લંડનઃ બ્રિટિશ નાગરિકોએ ૪૩ વર્ષ યુરોપિયન યુનિયન સાથે રહ્યા પછી ૨૩ જૂનના રેફરન્ડમમાં ઈયુમાંથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યા પછી સમગ્ર વિશ્વમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ૫૧.૮૯ ટકા મતદારોએ બ્રેક્ઝિટ માટે મત આપવા સાથે રિમેઇન કેમ્પને ૪૮.૧૧ ટકા મત મળ્યા છે. યુરોપિયન યુનિયનમાં બ્રિટનનું ભાવિ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયેલા કેમરને ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસની બહાર વડા પ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરતા કહ્યું હતું કે દેશને નવી નેતાગીરીની જરૂર છે. દેશને નવી દિશા કંડારવાની છે ત્યારે તેના કેપ્ટન બની રહેવું તેમના માટે યોગ્ય નહિ ગણાય. તેઓ બ્રિટિશ પ્રજાની ઈચ્છાનું સન્માન કરે છે. દેશના ભાવિ વડા પ્રધાન અને ટોરી પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં બોરિસ જ્હોન્સન અગ્રેસર છે ત્યારે બ્રેક્ઝિટના વિજયના પગલે લેબર પાર્ટીમાં જેરેમી કોર્બીનની નેતાગીરી સામે બળવાના મંડાણ થયા છે. લેબર પાર્ટીના સાંસદો દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવમાં કોર્બીનનો ૧૭૨ વિરુદ્ધ ૪૦ મતથી પરાજય થયો હતો. કોર્બીને રેફરન્ડમમાં કરેલા નબળા પ્રદર્શનના વિરોધમાં પાર્ટીના ૫૦થી વધુ ફ્રન્ટબેન્ચર સાંસદોએ શેડો કેબિનેટ સહિત તેમના હોદ્દાઓ છોડી દીધા હતા.
બીજી તરફ, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને જાહેર કર્યું હતું કે તેઓ સ્કોટલેન્ડ માટે આઝાદીના બીજો રેફરન્ડમ લેવાનો વિશેષાધિકાર અનામત રાખે છે. કોઈ સ્કોટલેન્ડને તેની ઈચ્છા વિરુદ્ધ ઈયુમાંથી બહાર લાવી શકશે નહિ.
ઈયુમાં રહેવું કે નહીં તેના રેફરન્ડમ માટે કુલ ૪૬,૪૯૯,૫૩૭ મતદારોમાંથી ૭૨.૧૬ ટકા મતદાન થયું હતું. જેમાંથી બ્રેક્ઝિટની તરફેણમાં ૧૭,૪૧૦,૭૪૨ મતદારો તથા રિમેઈનની તરફેણમાં ૧૬,૧૪૧,૨૪૧ મતદારો રહ્યાં હતાં. બ્રેક્ઝિટના નિર્ણયથી વિશ્વભરમાં પાઉન્ડની કિંમત ૩૧ વર્ષમાં સૌપ્રથમ વખત તળિયે પહોંચી હતી.
નોંધપાત્ર બાબત એ છે કે, લેબર પાર્ટીના ગઢ સમાન વિસ્તારોમાં પણ લીવ કેમ્પે વિજયનો ડંકો વગાડ્યો હતો. જોકે, સ્કોટલેન્ડમાં રિમેઈન કેમ્પને ૬૨ ટકા અને લીવ કેમ્પને ૩૮ ટકા મત મળ્યા હતા. આના પરિણામે સ્કોટલેન્ડમાં આઝાદીનો બીજો રેફરન્ડમ યોજાય તેવી પણ માગણી વધી ગઈ છે. વિસ્તારોની દ્રષ્ટિએ જોઈએ તો ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૫૩ ટકા જ્યારે વિરુદ્ધમાં ૪૭ ટકા, સ્કોટલેન્ડમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૩૮ અને વિરુદ્ધમાં ૬૨ ટકા તેમજ નોર્ધન આયર્લેન્ડમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૪૪ અને વિરુદ્ધમાં ૫૬ ટકાએ પોતાનો મત દર્શાવ્યો હતો. આ પરિણામોને જોતાં UKIPના નેતા નાઈજેલ ફરાજે ‘વિક્ટરી ફોર રિઅલ પીપલ’ જણાવી ૨૩મી જૂને દેશના ઈન્ડિપેન્ડન્સ ડે તરીકે જાહેર કરી રજાની પણ માગણી કરી હતી.
બ્રેક્ઝિટના પરિણામથી પાઉન્ડની કિંમત યુએસ ડોલર્સ સામે ૩૧ વર્ષમાં એટલે કે ૧૧ ટકાથી વધુ ઘટાડા સાથે સૌથી નીચે તળિયે પહોંચી ૧.૩૫ ડોલરથી નીચે ગઈ હતી. વિશ્વના નાણાકીય બજારોમાં સ્ટર્લિંગ પાઉન્ડ અસ્થિર બની ગયો હતો જ્યારે જાપાનમાં નિકી ઇન્ડેક્ષમાં ૧૦૦૦ પોઈન્ટનો મોટો ઘટાડો થતાં ૨૦ મિનિટ માટે ટ્રેડિંગ બંધ કરી દેવાયું હતું. નોંધપાત્ર બાબત એ હતી કે મતદાન પહેલાં જ જાણે બ્રેક્ઝિટના વિજયની ગંધ આવી હોય તેમ લોકોએ યુરો અને ડોલર મેળવવા માટે એક્ષચેન્જીસ પર કતારો કલાવી હતી. યુકેની બેંકોના શેરોમાં સૌથી ખરાબ અસર પડી હતી અને RBSના શેર ૩૪ ટકા, લોઈડ્સના ૨૮ ટકા અને બાર્કલેઝના શેરની કિંમતમાં ૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ડેવિડ કેમરનની રાજીનામાની જાહેરાત
ઐતિહાસિક ઈયુ રેફરન્ડમમાં બ્રિટિશ પ્રજાએ ઈયુ છોડવાનો સ્પષ્ટ ચુકાદો આપતા રાજકીય ભૂકંપ સર્જાયો છે અને ડેવિડ કેમરનની રાજકીય કારકીર્દિનો ભોગ લેવાયો છે. યુરોપિયન યુનિયનમાં બ્રિટનનું ભાવિ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયેલા કેમરને ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસની બહાર વડા પ્રધાન પદેથી રાજીનામાની જાહેરાત કરતા કહ્યું હતું કે દેશને નવી નેતાગીરીની જરૂર છે. ભરાયેલા અવાજે કેમરને કહ્યું હતું કે આપણા દેશને નવી દિશા કંડારવાની છે ત્યારે તેના કેપ્ટન બની રહેવું તેમના માટે યોગ્ય નહિ ગણાય. તેઓ બ્રિટિશ પ્રજાની ઈચ્છાનું સન્માન કરે છે.
રેફરન્ડમનો ચુકાદો કોઈ પણ આવે, પરંતુ રાજીનામું નહિ આપું તેમ કહેનારા કેમરને કહ્યું હતું કે તેઓ રખેવાળ નેતા તરીકે હાલ હોદ્દા પર રહેશે, પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશન સુધીમાં નવા નેતાની પસંદગી થઈ જવાની આશા રાખે છે. તેમની આ જાહેરાત સાથે ટોરી પાર્ટીમાં કેમરનનું સ્થાન લેવા નેતાગીરીની સ્પર્ધા શરૂ થશે, જેમાં લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી થેરેસા મે અગ્ર સ્પર્ધકો છે. જોકે, કેમરન નવી સામાન્ય ચૂંટણીની હિમાયત કરી શકે છે, જેનાથી બ્રેક્ઝિટ વાટાઘાટો માટે કઈ ટીવ નેતૃત્વ સંભાળે તેનો નિર્ણય પણ મતદારો કરી શકે. કેમરને એમ પણ જણાવ્યું હતું કે તેઓ બ્રેક્ઝિટની પ્રક્રિયા આરંભવા લિસ્બન સંધિના આર્ટિકલ-૫૦નો ઉપયોગ નહિ કરે અને તેનો નિર્ણય અનુગામી પર છોડશે.
એમ પણ કહેવાય છે કે ટોરી પાર્ટીના ૮૦થી વધુ બ્રેક્ઝિટ સમર્થકોએ કોઈ પણ ચુકાદાની સ્થિતિમાં ડેવિડ કેમરનને હોદ્દો નહિ છોડવા માટે પત્ર લખ્યો હતો. બોરિસ જ્હોન્સન, માઈકલ ગોવ જેવા ચુસ્ત બ્રેક્ઝિટ સમર્થકો ઉપરાંત, કેબિનેટ મિનિસ્ટર ક્રિસ ગ્રેલિંગ અને જ્હોન વ્હીટિંગ્ડેલે પણ આ પત્ર પર સહી કરી હતી. જોકે, રેફરન્ડમ પહેલા વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરીપદેથી રાજીનામું આપનારા ઈયાન ડન્કન સ્મિથ તેમા સામેલ થયા ન હતા.
યુનાઈટેડ કિંગ્ડમ કે ડિસયુનાઈટેડ કિંગ્ડમ?
• લંડનના ૩૩માંથી ૨૮ વિસ્તારોએ રીમેઈન કેમ્પની તરફેણ કરી છે
• સ્કોટલેન્ડના તમામ ૩૨ વિસ્તારોએ રીમેઈન કેમ્પની તરફેણમાં ૬૨ ટકા મત આપ્યા છે.
• લેબર પાર્ટીના ગઢ મનાતા વેલ્સના ૨૨માંથી ૧૭ વિસ્તારોએ બ્રેક્ઝિટની તરફેણ કરી મોટો આંચકો આપ્યો છે. બ્રેક્ઝિટ માટે સમગ્રપણે વિજય ૫૨.૫ ટકાનો રહ્યો છે.
• નોર્ધર્ન આયર્લેન્ડના પાંચ લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું અને રીમેઈન કેમ્પને ૫૬ ટકા મત આપ્યા છે.
• બર્મિંગહામમાં લીવ કેમ્પે ૫૦.૫ ટકા મત મેળવી આશ્ચર્યજનક વિજય હાંસલ કર્યો છે.
• લીવ કેમ્પે લેબર પાર્ટીના ગઢ મનાતા સુંડરલેન્ડ, બર્મિંગહામ, શેફિલ્ડ, સ્વાનસી, ડાર્લિંગ્ટન, રોધરહામ, કોવેન્ટ્રી અને સ્ટોકટોન સહિતના વિસ્તારોમાં પણ વિજય મેળવ્યો છે.
• રીમેઈન કેમ્પે લિવરપૂલ, લીડ્ઝ, ગ્લાસગો અને એડિનબરા જેવા મોટા શહેરોમાં વિજય મેળવ્યો છે, પરંતુ મતદાનનું પ્રમાણ ઓછું રહેવાથી લીવ કેમ્પને ફાયદો થયો નથી.