લંડન : બ્રિટને વિશ્વની ટોચની પાંચ ઇકોનોમીમાંથી સ્થાન ગુમાવ્યું છે. હવે તે વિશ્વની ટોચની સાત ઇકોનોમીમાં છઠ્ઠા સ્થાને અને ભારત સાતમા સ્થાને રહેશે. આમ ભારત કરતાં તે ફક્ત એક જ સ્થાન આગળ છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનાં વર્ષ ૨૦૧૭ માટેના અહેવાલમાં આ નિર્દેશ કરાયો છે. ચાન્સેલર હેમન્ડે નવા રેન્કિંગમાં બ્રિટનની ઇકોનોમી મજબૂત હોવાનું સ્પષ્ટ થયાનો દાવો પણ કર્યો હતો.
આઈએમએફની ધારણા મુજબ વિશ્વની ટોચનાં અર્થતંત્રોમાં અમેરિકા ૧૯.૪ ટ્રિલિયન ડોલર સાથે પ્રથમ અને ચીન ૧૧.૯ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે તથા જાપાન ૪.૯ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે છે. બ્રિટને જૂન ૨૦૧૬માં યુરોપિયન સંઘથી છૂટા પડવાનો નિર્ણય લીધા પછી તેનો આર્થિક વિકાસદર તીવ્ર રીતે ઘટયો હતો. તેનાં ચલણ પાઉન્ડમાં નાટકીય ઘટાડો થયો હતો અને ગ્રાહકોની ખરીદશક્તિ ઘટી હતી તેમજ ચીજવસ્તુઓના ભાવ વધ્યા હતા.
ટોચનાં સાત અર્થતંત્ર
(૧) અમેરિકા ૧૯.૪ ટ્રિલિયન ડોલર
(૨) ચીન ૧૧.૯ ટ્રિલિયન ડોલર
(૩) જાપાન ૪.૯ ટ્રિલિયન ડોલર
(૪) જર્મની ૩.૭ ટ્રિલિયન ડોલર
(૫) ફ્રાન્સ ૨.૫૭૫ ટ્રિલિયન ડોલર
(૬) યુકે ૨.૫૬૫ ટ્રિલિયન
(૭) ભારત ૨.૪ ટ્રિલિયન ડોલર