લંડનઃ યુકે અને ભારત વચ્ચેના સંરક્ષણ સહકારમાં એક મહત્વનું સીમાચિહ્ન હાંસલ કરતા ભારતીય નેવીના લે.કમાન્ડર એન.દિનેશ આનંદ સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડના ડાર્ટમાઉથ સ્થિત બ્રિટાનિયા રોયલ નેવલ કોલેજ ખાતે તાલીમ આપનારા પ્રથમ ભારતીય નેવી ઓફિસર બન્યાં છે.
લે.કમાન્ડર આનંદે ગયા સપ્તાહમાં યુકેના પ્રતિષ્ઠિત ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ખાતે ડિવિઝનલ ટ્રેનિંગ ઓફિસર તરીકેની કામગીરી સંભાળી લીધી હતી. તેઓ અહીં રોયલ નેવલ ઓફિસર કેડેટ્સને મહત્વની સ્કીલ્સ માટે તાલીમ આપશે. યુકેના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, યુકે અને ભારત સહયોગી તરીકે સાથે કામ કરવાની લાંબી પરંપરા ધરાવે છે. પહેલીવાર એક ભારતીય અધિકારી ડાર્ટમાઉથમાં બીઆરએનસી ખાતે જોડાયા છે.
બ્રિટાનિયા રોયલ નેવલ કોલેજના કેપ્ટન એન્ડ્રુ બ્રેએ જણાવ્યું હતું કે, અમારા સૌપ્રથમ ભારતીય નેવી ડિવિઝનલ ટ્રેનિંગ ઓફિસર તરીકે લે. કમાન્ડર દિનેશને બીઆરએનસી ખાતે આવકારતાં ઘણો રોમાંચિત છું. ભારત અને યુકે સાથે મળીને કામ કરીને ઇતિહાસ રચે છે, સંબંધોનું નિર્માણ કરે છે અને એકસાથે મજબૂત બને છે.