લંડનઃ તાજેતરમાં સ્થાનિક સત્તામંડળોની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરનાર કન્ઝર્વેટિવ પાર્ટી અને વડાપ્રધાન રિશી સુનાક માટે રાહતના સમાચાર આવ્યા છે. બ્રિટનનું અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી ગયું છે અને પ્રથમ ત્રિમાસિકમાં અર્થતંત્રની ગાડીએ વેગ પકડ્યો છે. તો બીજીતરફ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદર 5.25 ટકા પર યથાવત રાખ્યા છે પરંતુ ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાના સંકેત પણ આપી દીધાં છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં કોઇ ઘટાડો ન કરતાં વ્યાજદર છેલ્લા 16 વર્ષની ટોચ પર યથાવત રહ્યો છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર 2024ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી દરમાં 0.6 ટકાનો વધારો થયો હતો. હોસ્પિટાલિટી, આર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ સહિતના સર્વિસ સેક્ટરની આગેવાનીમાં અર્થતંત્રમાં વેગ આવ્યો છે. મેન્યુફેક્ચરિગ સેક્ટરમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જેની સામે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં મંદી જોવા મળી હતી.
આર્થિક મોરચે સારા પરિણામો બાદ ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, જીડીપીમાં વધારો અર્થતંત્ર તંદુરસ્ત બની રહ્યું હોવાનો પુરાવો છે. કોરોના મહામારી બાદ પહેલીવાર અર્થતંત્ર સુધારાની દિશામાં અગ્રેસર બન્યું છે. આ વર્ષમાં આપણું અર્થતંત્ર પ્રગતિ કરશે અને યુરોપના જી7 દેશોમાં આગામી 6 વર્ષમાં શ્રેષ્ઠ રહેશે. દેશમાં ફુગાવાના દર કરતાં પગાર ઝડપથી વધી રહ્યાં છે, એનર્જીના બિલમાં ઘટાડો થઇ રહ્યો છે અને સરકારે નોકરીયાતોને ટેક્સમાં 900 પાઉન્ડની રાહત આપી છે.
યુકે ઇકોનોમી એટ એ ગ્લાન્સ
0.6 ટકા જીડીપીમાં વધારો
0.7 ટકા સર્વિસ સેક્ટરમાં વૃદ્ધિ
0.8 ટકા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ
0.9 ટકા કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ઘટાડો
રિમોર્ગેજ કરાવનારા પર માસિક સરેરાશ 295 પાઉન્ડનો બોજો વધશે
વ્યાજદર યથાવત રહેતાં દેશમાં મોર્ગેજ મોંઘાદાટ બન્યાં છે. જેમને રિમોર્ગેજ કરાવવાની જરૂર છે તેમને વધુ કિંમત ચૂકવી પડશે. એમ માનવામાં આવે છે કે1.6 મિલિયન મોર્ગેજધારકો આ વર્ષે તેમના ફિક્સ્ડ રેટ મોર્ગેજને રોલ ઓફ કરશે. હાલમાં બે વર્ષ માટેનો ફિક્સ્ડ મોર્ગેજનો સરેરાશ મોર્ગેજ દર 5.93 ટકા અને પાંચ વર્ષ માટેનો સરેરાશ મોર્ગેજ દર 5.5 ટકા છે.
તાજેતરના સપ્તાહોમાં મોર્ગેજ દરમાં વધારો જોવા મળી રહ્યો છે. વ્યાજદર યથાવત રહેતાં રિમોર્ગેજ કરાવનારાને વધુ નાણા ચૂકવવા પડશે. પાંચ વર્ષના ફિક્સ્ડ મોર્ગેજને રિમોર્ગેજ કરાવનારે 5.5 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. જો કોઇએ બે લાખ પાઉન્ડનું 25 વર્ષ માટે મોર્ગેજ કરાવ્યું હોય તો તેને માસિક 933 પાઉન્ડને બદલે 1228 પાઉન્ડ ચૂકવવા પડશે જે 295 પાઉન્ડનો વધારો દર્શાવે છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે આગામી મહિનાઓમાં ફુગાવાનો દર વધુ નીચો આવશે. ફુગાવાના દર મામલે આપણને સારા સમાચાર મળી રહ્યાં છે. અમારું માનવું છે કે આગામી થોડા મહિનામાં ફુગાવાનો દર અમારા બે ટકાના લક્ષ્યાંકની આસપાસ આવી જશે. વ્યાજદરમાં ઘટાડો કરવા માટે હજુ અમને વધુ પુરાવાની જરૂર છે. સ્થિતિ સાચી દિશામાં આગળ વધી રહી છે.
યુકેમાં બેરોજગારીનો દર છેલ્લા એક વર્ષની ટોચે 4.3 ટકા પર પહોંચ્યો
યુકેમાં બેરોજગારીનો દર છેલ્લા એક વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર નોકરીઓ ઘટવાના કારણે જાન્યુઆરી – માર્ચમાં બેરોજગારીનો દર વધીને 4.3 ટકા પર પહોંચી ગયો હતો. યુકેમાં ફેબ્રુઆરીથી એપ્રિલના ગાળામાં નોકરીઓની સંખ્યા 26,000 ઘટીને 8,98,000 પર આવી ગઇ હતી.