લંડનઃ બ્રિટિશ આઈટી અને સોફ્ટવેર ફર્મ RSK બિઝનેસ સોલ્યુશન્સનું તેની ગુરગાંવસ્થિત ભારતીય ભાગીદાર પેઢી BSL ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે મર્જર કરી દેવાયું છે. યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી નવી પેઢી RSK બિઝનેસ સોલ્યુશન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ વિશ્વના વિવિધ વિસ્તારોમાં સંયુક્તપણે કન્સલ્ટન્સી સેવા આપશે. આ મર્જરથી બન્ને એકમો નવા વિસ્તારો અને બજારોમાં સેવાઓ વિસ્તારશે, તેમ નવી હોલ્ડિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડેની બર્ડે જણાવ્યું હતું.
નવી હોલ્ડિંગ કંપનીના ઓપરેશન્સ ડિરેક્ટર પ્રવીણ જોશીએ જણાવ્યું હતું કે આ મર્જરથી સમગ્ર વિશ્વના ગ્રાહકોને અમારા ટેક્નિકલ સ્ટાફ દ્વારા અપાતી ગુણવત્તાયુક્ત સેવામાં બ્રાન્ડ વેલ્યુનો વધારો થશે.
BSLi અને RSK BSL ૨૦૦૯થી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હેઠળ સફળતાથી કામગીરી બજાવતી હતી. RSK BSL દ્વારા મોટા ભાગના કોન્ટ્રાક્ટનું સંચાલન, ક્લાયન્ટસને સીધી જ ઓન-સાઈટ કન્સલ્ટન્સી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સપોર્ટ અને જોખમ મૂલ્યાંકન સેવાઓ અપાતી હતી, જ્યારે BSLi દ્વારા ટેક્નિકલ રીસોર્સીસ, બેક ઓફિસ સપોર્ટ તેમજ રીસર્ચ અને સંશોધન કેન્દ્રની સેવા અપાતી હતી.