લંડનઃ 1971માં પાકિસ્તાની આર્મીને ઘૂટણીએ પાડનારા ભારતીય આર્મીના ફીલ્ડ માર્શલ સેમ 'બહાદુર' માણેકશા કહેતા કે, ‘જો કોઈ માણસ કહે કે તે ક્યારેય મૃત્યુથી ડરતો નથી. તો તે કાં તો ખોટું બોલે છે અથવા તે ગોરખા છે.' ભારતીય આર્મીના વિવિધ પદ પર સેવાઓ આપનાર ફીલ્ડ માર્શલ સેમ માણેકશાની આ વાત ગોરખા સૈનિકોની બહાદુરી અને હિંમતને માનના સ્વરૂપમાં જોવામાં આવે છે. તેમના મતે, ગોરખા સૈનિકો યુદ્ધના મેદાનમાં અદમ્ય સાહસનો પરિચય આપતા આવ્યા છે. ફીલ્ડ માર્શલની વાત પર તાજેતરમાં બ્રિટનમાં મહોર લાગતી જોવા મળી હતી.બ્રિટિશ આર્મીમાં 37 અઠવાડિયાની સઘન ટ્રેનિંગ બાદ 337 ગોરખા જવાનોની પાસ આઉટ પરેડ યોજાઈ હતી. ગોરખા સૈનિકો 1815થી બ્રિટિશ આર્મીમાં બ્રિટન માટે લડયા છે. હાલમાં બ્રિટિશ આર્મીમાં 4,000થી વધુ ગોરખા સૈનિકો સામેલ છે. વિશ્વની અનેક આર્મીમાં ગોરખા સૈનિકો: બ્રિટિશ આર્મી સિવાય નેપાળી આર્મીમાં 96,000 અને ભારતીય આર્મીમાં લગભગ 32,000માં ગોરખા સૈનિકો કાર્યરત છે. સિંગાપોરમાં ગોરખા ટુકડી અને બ્રુનેઈમાં ગોરખા રિઝર્વ યુનિટ તથા યુએન પીસકીપીંગ ફોર્સમાં પણ ગોરખા સૈનિકો સેવા આપી રહ્યાં છે. આ સિવાય રશિયા પણ ટિકટોકના માધ્યમથી યુક્રેન સામે લડવા માટે ગોરખા સૈનિકોને આડકતરા આમંત્રણ આપી રહ્યું છે.