લંડનઃ હોલિવૂડ બ્લોકબસ્ટર ફિલ્મ ‘આયર્નમેન’માં હીરોને એક સ્પેશ્યલ ડ્રેસ પહેરીને ઉડતો દર્શાવવામાં આવ્યો છે. તો આ અગાઉ જેમ્સ બોન્ડ 007ને પણ ખાસ પ્રકારના સાધનમાં બેસીને એક જહાજથી બીજા જહાજમાં કૂદતો બતાવવામાં આવ્યો છે. આ બધું જોઈને લોકોએ આશ્ચર્ય અનુભવવાની સાથે સાથે ખાસ્સું મનોરંજન પણ મેળવ્યું હતું. અત્યાર સુધી ફિલ્મીપરદે જોવા મળેલાં મનોરંજનને બ્રિટિશ એન્જિનિયર રિચાર્ડ બ્રાઉનિંગે વાસ્તવમાં સાકાર કર્યું છે. આથી તેમને ‘રિયલ લાઈફ આયર્નમેન’નું ઉપનામ મળ્યું છે. બ્રાઉનિંગે ફ્યુચરિસ્ટિક જેટ સુટ વિકસાવ્યો છે. તેમા પાંચ ગેસ ટર્બાઈન્સ છે અને તે વ્યક્તિને 20 ફૂટની ઊંચાઈએ પ્રતિ કલાક 85 માઇલની ઝડપે ઉડાડી શકે છે.
હવે આ જેટ સુટનો લશ્કરી ઉપયોગ પણ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. અમેરિકા અને યુકેએ તેના કમાન્ડો માટે રિચાર્ડ બ્રાઉનિંગ સાથે ડીલ કરવાની તૈયારી દાખવી છે. તેના લીધે હવે જેટ સુટ પહેરેલાં કમાન્ડો વોરઝોનમાં ઉતરતા જોવા મળે તો નવાઇ નહીં. બ્રાઉનિંગે જણાવ્યું હતું કે માર્વેલની ફિલ્મ જેવું અમે કરી બતાવ્યું તેનો અમને આનંદ છે, પણ હવે આ જેટ સુટ આંતરરાષ્ટ્રીય કારોબારનો વિષય બની ગયા છે. તેનો ઉપયોગ મરીન મોબિલિટી અને રેપિડ ફોર્સીસમાં થઈ શકે છે. બ્રાઉનિંગે જણાવ્યું હતું કે આ જેટ સુટ 144 કિગ્રાનો થ્રસ્ટ સર્જે છે. તેમા પાંચ ડાઉનવર્ડ ફેસિંગ ટર્બાઈન એન્જિન પણ છે. તે હોટ એક્ઝોસ્ટ ગેસ છોડે છે. ગેસ સળગવા સાથે નોઝલના ધક્કાના લીધે પાયલોટ હવામાં તરવા લાગે છે અને આગળ વધે છે. બન્ને એન્જિન હાથમાં જ ફિટ કરવામાં આવ્યા હોવાથી તેની દિશા બદલવાની સાથે હવામાં ઉડતા-ઉડતાં વળાંક લઈ શકાય છે. એટલું જ નહીં, જેમ્સ બોન્ડની ફિલ્મ ‘થંડરબોલ્ટ’માં બતાવાયું હતું તેમ વર્ટિકલ લેન્ડિંગ પણ કરી શકે છે.
આ જેટ સુટ ટેક્નોલોજીથી સૌથી મોટો ફાયદો એ થશે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં કે દવા કે જીવનજરૂરી વસ્તુ ઝડપભેર પહોંચાડીને માનવજીવન બચાવવાનું શક્ય બનશે, કુદરતી આફત વેળા રાહત-બચાવ કાર્યમાં તેનો ઉપયોગ થઇ શકશે તો પિત્ઝા સહિતની વિવિધ ફૂડ આઇટેમ્સની ડિલિવરીમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે. આમ ‘આયર્નમેન’ની ફિલ્મી પરિકલ્પનાને બ્રિટિશ એન્જિનિયરે વાસ્તવિક રૂપ આપ્યું છે.