લંડનઃ ભારત અને યુકે વચ્ચે બ્રિટિશ એરવેઝ દ્વારા વિમાની સેવા શરૂ કરાયાના 100 વર્ષ થયાં છે ત્યારે બ્રિટિશ એરવેઝે તેની ફ્લાઇટમાં સ્પેશિયલ ઇન્ડિયન મેનૂનો પ્રારંભ કર્યો છે. જેમાં ફલદારી કોફ્તા અને જેકફ્રુટ બિરિયાનીનો પણ સમાવેશ થાય છે. 100 વર્ષની ઉજવણી કરતાં બ્રિટિશ એરવેઝ દ્વારા તેના ઇન્ટરનેશનલ રૂટ પર ભારતીય સંસ્કૃતિને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. નવેમ્બરના અંત સુધી યુકે, યુએસએ અને કેનેડાની મુસાફરી કરી રહેલા પ્રવાસીઓને આ સ્પેશિયલ મેનૂનો લાભ અપાશે. જેમાં કોકોનટ રાઇસ અને લેમ્બ કરીનો પણ સમાવેશ થાય છે.
બ્રિટિશ એરવેઝ હાલ પ્રતિ સપ્તાહ લંડનથી ભારત વચ્ચે 56 ફ્લાઇટ સંચાલિત કરે છે જેમાં મુંબઇની રોજની 3 ફ્લાઇટ, દિલ્હીની રોજની બે ફ્લાઇટ અને ચેન્નાઇ, બેંગાલુરૂ અને હૈદરાબાદની એક-એક ફ્લાઇટનો સમાવેશ થાય છે.
બ્રિટિશ એરવેઝે ઇનફ્લાઇટ મનોરંજન માટે વધારાની 100 ભારતીય ફિલ્મો પણ સામેલ કરી છે. પ્રવાસીઓ ધ બર્નિંગ ટ્રેન અને દિલ ચાહતા હૈ જેવી ટાઇમલેસ ક્લાસિક ફિલ્મોની મઝા માણી શકશે. તે ઉપરાંત એરવેઝ દ્વારા સ્પેશિયલ મસાલા ચ્હા પણ પીરસવામાં આવશે.