લંડનઃ બ્રિટિશ એરવેઝ દ્વારા ટુંકા અંતરના ઈકોનોમી ક્લાસના પ્રવાસીઓ માટે મફત ફૂડ અને ડ્રિન્કની સેવા આપવાનું બંધ કરાયું છે. આ નિર્ણય સાથે એક યુગનો અંત આવ્યો છે. જોકે, બિઝનેસ (ક્લબ) અને ફર્સ્ટ ક્લાસના પેસેન્જર્સને મફત ફૂડ અને ડ્રિન્ક પીરસવાની સેવા ચાલુ રખાશે.
પ્રવાસીઓને સ્નેક્સ અને શરાબ માટે ચાર્જ કરવાની યોજના ઘણા સમયથી વિચારણા હેઠળ હતી. કેટલીક સેવા માટે તો કોમ્પ્લીમેન્ટરી ભોજન તો છેક ૨૦૦૯થી બંધ કરી દેવાયું છે. પ્રવાસીઓને માર્ક્સ એન્ડ સ્પેન્સરના નાસ્તા અને સેન્ડવિચિઝ ઓફર કરાશે, જેમાં ચાહ અને કોફીના ૨.૩૦ પાઉન્ડ, ૩૩૦ મિલિ.ના બીયર કેનના ૪ પાઉન્ડ, જીન એન્ડ ટોનિક ૬ પાઉન્ડ, દરેક ક્રિસ્પ્સ બેગ અને ચોકલેટ્સ બારદીઠ ૧ પાઉન્ડ, મોઝરેલા અને ટોમેટો ફોકાશિયાના ૪.૯૫ પાઉન્ડ વસૂલ કરાશે.
બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ સ્વીકારાશે પરતુ, રોકડ નાણા નહિ લેવાય. આ ઉપરાંત, કરન્સીના એક પ્રકાર તરીકે એવિયોસ ફ્રીકવન્ટ ફ્લાયર પોઈન્ટ્સ પણ સ્વીકારશે, જેમાં પ્રત્યેક પોઈન્ટનું મૂલ્ય ૦.૮ પેન્સ ગણાશે.