લંડનઃ બ્રિટનની મલ્ટિનેશનલ કંપની રોલ્સ રોયસે ભારતમાં ભારતીય એર ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતાં હોક વિમાનોના એન્જિનનો કોન્ટ્રાક્ટ મેળવવાનો સંરક્ષણ સોદો પાર પાડવા એક કરોડ પાઉન્ડ એટલે કે રૂપિયા ૮૨ કરોડની લાંચ આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ૧૩ બિલિયન પાઉન્ડની માર્કેટ વેલ્યૂ ધરાવતી રોલ્સ રોયસ પેસેન્જર જેટ માટે ટર્બાઈન એન્જિન અને સૈન્ય વિમાનોના વેચાણ ઉપરાંત, લક્ઝુરિયસ કાર્સનું ઉત્પાદન પણ કરે છે.
બ્રિટનના ગાર્ડિયન તથા બીબીસીએ સઘન તપાસ કરી અનેક લીક દસ્તાવેજો તેમજ વચેટિયાના નિવેદનોને આધારે દાવો કર્યો હતો કે રોલ્સ રોયસે ગેરકાયદેસર રીતે નાણાં લૂંટાવી વર્ષો સુધી નફો રળ્યો હતો. રોલ્સ રોયસે આ નાણા શસ્ત્ર સોદાગર સુધીર ચોધરીને ચુકવ્યા હતાં. ભારત સરકાર દ્વારા બ્લેક લીસ્ટ સુધીર ચોધરી હાલ લંડન રહે છે અને અગાઉ પણ તેમની સામે ભારતના રશિયન મિગ સંરક્ષણ સોદામાં કટકીનો આક્ષેપ મુકાયો હતો. સીરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા લાંચના આક્ષેપો અંગે સુધીર ચૌધરી અને તેના પુત્ર ભાનુની ધરપકડ અને પૂછપરછ કર્યા પછી ચાર્જ લગાવ્યા વિના છોડી દેવાયા હતા.
દરમિયાન, રિપોર્ટમાં સુધીર ચોધરીના વકીલને ટાંકીને કહેવાયું છે કે તેમના અસીલે ભારતના એકેય અધિકારીને સંરક્ષણ સોદા માટે લાંચ આપી નથી કે દલાલની ભૂમિકા ભજવી નથી. હવે વચેટિયાઓની મદદથી લાંચ અપાયાના આક્ષેપ અંગે તપાસ શરૂ કરાઈ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું.
રિપોર્ટ મુજબ કંપનીએ ભારત, બ્રાઝિલ, ચીન, ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, અંગોલા, ઈરાક, કઝાખસ્તાન, અઝરબેજાન, નાઈજિરિયા અને સાઉદી અરબિયા સહિતના દેશોમાં એજન્ટોની સેવા લીધી છે.