લંડનઃ ફ્રેન્ચ હોટેલિયર ફ્રાન્કોઈસ ગ્રેફિટાઉક્સે તેના પરિવારને રોયલ વંશથી અલગ કરી દેવાયાનો આક્ષેપ કરતા બકિંગહામ પેલેસ સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે. જોકે, ઈંગ્લિશ કાયદા હેઠળ શાહી પરિવાર સામે દીવાની કે ક્રિમિનલ કોર્ટ્સમાં કામ ચલાવી શકાતું નથી. તેણે બ્રિટિશ રાજગાદીનો સાચો ઉત્તરાધિકારી હોવાનો દાવો કરતા કહ્યું છે કે તેની દાદી મેરી લિઓની-ગ્રેફિટાઉક્સ અને તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ (કિંગ એચવર્ડ આઠમા) વચ્ચે નાજાયજ સંબંધોના પરિણામે તેના પિતા પીઅરે-એડુઆર્ડનો જન્મ થયો હતો. હાલ પોર્ટુગલમાં રહેતા ફ્રાન્કોઈસે બકિંગહામ પેલેસને મદદ માટે ત્રણ વખત પત્રો લખ્યા છે તેમજ ૨૦૦૪ નઅને ૨૦૧૩માં મહારાણી પાસે ડીએનએ સેમ્પલની માગણી પણ કરી હતી.
ફ્રાન્કોઈસે આક્ષેપ લગાવ્યો છે કે બ્રિટિશ પરિવાર અને બ્રિટિશ સરકારના દબાણના કારણે કિંગ એટવર્ડ આઠમાએ તેમનો ત્યાગ કર્યો હોવાથી તેના પિતા પીઅરે-એડુઆર્ડ કદી ગાદી પર આવી શક્યા ન હતા. આના પરિણામે, તેમના પરિવારે જમીનો, ટાઈટલ્સ અને સંપત્તિ ગુમાવવી પડી હતી. હવે તેના દાદી મેરી લિઓની-ગ્રેફિટાઉક્સને ઈતિહાસમાં સ્થાન આપવા ૭૩ વર્ષીય ફ્રાન્કોઈસે માગણી કરી છે. શાહી પરિવાર સામે કામ ન ચાલી શકવા મુદ્દે ફ્રાન્કોઈસ માને છે કે મોનાર્કના વહીવટી વડા મથક બકિંગહામ પેલેસ સામે સિવિલ એક્શન લઈ શકાય છે.
કથિત દાદા, કિંગ એડવર્ડ સાથે નોંધપાત્ર સામ્યતા ધરાવતા નિવૃત્ત હોટેલિયરે જણાવ્યું હતું કે તેને કોઈ વળતરમાં રસ નથી પરંતુ, શાહી પરિવારની વંશાવળીમાં તેના પરિવારનો ઉલ્લેખ થાય તે રીતે ઈતિહાસ નવેસરથી લખાય તેવી તેની માગણી છે કારણકે તેના પોતાના પણ કોઈ સંતાનો નથી. તેણે કહ્યું હતું કે એડવર્ડે ગાદીત્યાગ કર્યો હોવાથી ગાદી પર મારા પિતા કે મારો પ્રત્યક્ષ દાવો હોઈ શકે નહિ પરંતુ, ગ્રેફિટાઉક્સ કુલીન વંશ તો ગણાઈ જ શકે. આખરી ગ્રેફિટાઉક્સ વંશજ તરીકે હું અમારો વારસો સાચવવા તમામ પગલાં લઈશ અને સૌથી મોટા શાહી સેક્સ કૌભાંડનો ઘટસ્ફોટ કરીશ.
તેણે કહ્યું છે કે જો પેલેસ સહકાર આપવાનો ઈનકાર કરી મારી માગણી નહિ સ્વીકારે તો માનવ અધિકાર કાયદા અન્વયે પણ તપાસ માટે કાનૂની કાર્યવાહીની મને ફરજ પડશે. ફ્રાન્કોઈસે ૧૯૯૪માં તેના સૈનિક પિતા પીઅરે-એડુઆર્ડનું મોત થયા પછી આગવું સંશોધન આરંભ્યું હતું. પિતાએ તેના દાદાની સ્પષ્ટ ઓળખ આપી ન હતી પરંતુ, એટલું જણાવ્યું હતું કે તેઓ એટલા પ્રસિદ્ધ હતા કે તેની દાદીનું લગ્ન તેમની સાથે થવાં દેવાયું ન હતું. ગાદી ત્યાગ કર્યા પછી ડ્યૂક ઓફ વિન્ડસરનો ખિતાબ ધરાવનાર એડવર્ડ સાથે ચહેરેમહોરે સામ્યતા હોવાની તેની ગર્લફ્રેન્ડ દ્વારા કરાયેલી ટીપ્પણ પછી ફ્રાન્કોઈસે પરિવારના ઈતિહાસમાં સંશોધન શરૂ કર્યું હતું. પીઅરે-એડુઆર્ડનો જન્મ ૧૯૧૬માં થયો હતો પરંતુ, બર્થ સર્ટિફિકેટમાં તેના પિતાનું નામ લખાવાયું ન હતુ. ફ્રાન્કોઈસની આ બધી શોધખોળ ૨૦૧૬માં ફ્રેન્ચ ભાષામાં તેના સંસ્મરણો ‘The Man Who Should Have Been King’માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.