કમ્પાલા, લંડનઃ હનીમૂન સફારી પર નીકળેલાં બ્રિટિશ ટીમ્બર મર્ચન્ટ ડેવિડ બાર્લો (50) અને તેમની સાઉથ આફ્રિકન પત્ની સેલિઆ ગેયેર (51) અને તેમના યુગાન્ડન ટુર ગાઈડ એરિક અલ્યાઈના વાહન પર કરાયેલા હુમલામાં દંપતી અને ગાઈડના મોતને ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ઉગ્રવાદી જૂથ એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ને જવાબદાર ગણાવાયું છે. દંપતી અને ગાઈડ સાઉથવેસ્ટ યુગાન્ડાના ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન પર મંગળવાર 17 ઓક્ટોબરે હુમલો કરાયો હતો. સળગી ગયેલી સફારી જીપ પાસેથી ત્રણેના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના લગ્ન શનિવારે 14 ઓક્ટોબરે સાઉથ આફ્રિકામાં જ થયા હતા.
બર્કશાયરમાં બાર્લો અને ગેયેરના ગામ હેમ્પસ્ટીડ નોરેઝના સ્થાનિક લોકોએ નવપરીણિત દંપતીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે એક વર્ષ અગાઉ જ આ વિસ્તારમાં ઘર ખરીદ્યું હતું. કોમ્યુનિટીમાં ભારે લોકપ્રિય ડેવિડ બાર્લો લોકલ પેરિશ કાઉન્સિલ અને સ્થાનિક ક્રિકેટ ક્લબના અધ્યક્ષ હતા. તેઓ 1867થી કાર્યરત પેઢી બાર્લોઝ વૂડયાર્ડના ડાયરેક્ટર તરીકે પણ કામ કરતા હતા.સેલિઆ ગેયેર વ્યવસાયે આર્કિટેક્ટ હતાં અને તેમણે હોટેલ કંપની બેલમોન્ડમાં સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું હતું.
યુગાન્ડા હાઈ કમિશન તમામ આવશ્યક મદદ કરશે
સાઉથ આફ્રિકન પત્ની સેલિઆ ગેયેર સાથે સફારી હનીમૂન પર નીકળેલાં બ્રિટિશર ડેવિડ બાર્લોની ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ઉગ્રવાદી જૂથ દ્વારા કરાયેલી હત્યા સંદર્ભે કોઈ પણ પ્રકારની આવશ્યક મદદ કરવા યુગાન્ડા હાઈ કમિશને ખાતરી ઉચ્ચારી છે. હાઈ કમિશને જણાવ્યું હતું કે યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેની, સરકાર અને યુગાન્ડાની જનતા સ્નેહીજનોને ગુમાવનારા પરિવારોને હૃદયપૂર્વક દિલસોજી પાઠવે છે. પ્રેસિડેન્ટ મુસેવેનીએ નિર્દોષ નાગરિકો પર ત્રાસવાદીઆના હુમલાને કાયરતાપૂર્ણ કાર્ય ગણાવ્યું હતું.
બ્રિટિશ ફોરેન ઓફિસની એડવાઈઝરી
આ ઘટનાના પગલે બ્રિટિશ ફોરેન ઓફિસે યુગાન્ડા માટે અપડેટેડ એડવાઈઝરી જારી કરીને ખાસ આવશ્યકતા સિવાય ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કની મુલાકાત નહિ લેવા બ્રિટિશ નાગરિકોને સલાહ આપી છે. ફોરેન ઓફિસે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક સત્તાવાળાઓના ગાઢ સંપર્કમાં છે. ફોરેન ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ બ્રિટિશ નાગરિકના પરિવારને કોન્સ્યુલર મદદ આપી રહ્યા છે. દરમિયાન, યુગાન્ડાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગોના પૂર્વ વિસ્તારમાં આશરો લઈ રહેલા અને ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવતા ADFના શકમંદ સભ્યોનો પીછો કરી રહ્યા છે.