લંડનઃ બ્રિટનની નાગરિકતા માટે લેવાતી હાસ્યાસ્પદ સિટિઝનશિપ ટેસ્ટ સામેનો વિરોધ ઉગ્ર બનતાં તેમા તાત્કાલિક સુધારા કરવા હોમ ઓફિસ પર પ્રચંડ દબાણ સર્જાયું છે. આ ટેસ્ટમાં પૂછાતા સવાલોને કારણે ઇમિગ્રન્ટ્સ પર સતત દેશનિકાલનો ભય તોળાયેલો રહે છે.
નાગરિકતા મેળવીને બ્રિટનમાં કાયમ માટે સ્થાયી થવા ઇચ્છતા વિદેશી નાગરિકોને બ્રિટનના ઇતિહાસ અને સંસ્કૃતિ અંગેના વિચિત્ર સવાલો પૂછવામાં આવે છે. એક મહત્વના સંસદીય રિપોર્ટમાં સમિતિએ જણાવ્યું છે કે, ટેસ્ટમાં પૂછાતા સવાલો નાગરિકતાના હેતુને સુસંગત નથી. પબમાં કોઇના પર બિયર ઢોળાયા પછી કેવી રીતે પ્રત્યાઘાત આપવો અથવા તો બ્રિટનના પ્રથમ કરી હાઉસના સ્થાપક તેમની પત્ની સાથે ક્યાં ફરાર થઇ ગયા હતા જેવા વાહિયાત સવાલોની સાથે બ્રિટિશ સામ્રાજય વિશ્વની સુખાકારી માટે જ હતું તેવું સ્વીકારવાની ફરજ પાડવામાં આવે છે. નાઝી જર્મની સામે બ્રિટન એકલા હાથ લડ્યું હતું તેવો ખોટો ઇતિહાસ પરીક્ષાર્થી યાદ રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
સંસદીય રિપોર્ટમાં જણાવાયું છે કે આ પરીક્ષામાં નિષ્ફળ જનારને દેશનિકાલ કરાય છે, તે રોજગાર ગુમાવી બેસે છે અને તેને પરિવારથી અલગ થવાની તેને ફરજ પ઼ડે છે. હાઉસ ઓફ લોર્ડ્સ જસ્ટિસ એન્ડ હોમ અફેર્સ કમિટીના અધ્યક્ષ બેરોનેસ હેમવીએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા જરીપૂરાણી થઇ ચૂકી છે અને તેમાં બ્રિટિશ મૂલ્યોનું અધઃપતન થતું જણાય છે. બ્રિટિશ નાગરિકતા માટેના સવાલો આટલા હાસ્યાસ્પદ હોવા જોઇએ નહીં. આ પ્રકારના સવાલોના કારણે બ્રિટિશ નાગરિકતા અંગેની આ પરીક્ષાને દેશ કે વિદેશમાં કોઇ સન્માનની નજરથી જોતુ નથી.
બીજી તરફ, સંસદીય સમિતિના રિપોર્ટ પર પ્રત્યાઘાત આપતાં હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બ્રિટનની નાગરિકતા મેળવવા ઇચ્છતી વ્યક્તિ બ્રિટિશ સમાજના લોકતાંત્રિક સિદ્ધાંતો સમજી શકે છે તે સુનિશ્ચિત કરવા ધ લાઇફ ઇન ધ યુકે ટેસ્ટ અત્યંત મહત્વની છે. પરીક્ષાર્થી બ્રિટનની સંસ્કૃતિ અને પરંપરાઓને સારી રીતે સમજી શક્તો હોવો જોઇએ.