લંડનઃ બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન યુનિયનથી અળગાં થવાનો નિર્ણય જાહેર કર્યા પછી વિદેશોમાં રજાઓ માણવા ગયેલાં બ્રિટિશ પર્યટકોની માઠી પરિસ્થિતિ થઈ છે. પાઉન્ડની કિંમત સતત ઘટી રહી હોવાથી બેન્કો અને એટીએમ મશીનોએ ડૂબતાં પાઉન્ડને એક્સચેન્જ કરવાનું નકારવાથી બ્રિટિસ પ્રવાસીઓને નાણા હોવા છતાં ખિસ્સા ખાલી હોવાનો અનુભવ થયો હતો. વિનિમય દર નક્કી નહિ થતાં આ હાલત થઈ હતી. યુએસએ, ગ્રીસ, બલ્ગેરિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં બ્રિટિશ પર્યટકો ‘પેનીલેસ’ થઈ ગયાં હતાં.
બ્રેકઝિટ પરિણામ જાહેર થતાં જ વિશ્વમાં ‘પાઉન્ડ પેનિક’ શરૂ થયો હતો. બેન્કો અને હોટલોએ સ્ટર્લિંગ પાઉન્ડને સ્થાનિક ચલણમાં બદલી આપવાનો ઈનકાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની કોમનવેલ્થ બેન્કે સોમવાર સુધી એક્સચેન્જને સસ્પેન્ડ કરતા પર્યટકો મુશ્કેલીમાં મૂકાયાં હતાં. ગ્રીસના કોસ ટાપુ પર રજા માણતાં પર્યટકોને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટર્લિંગ માટે સત્તાવાર વિનિમય દર નહિ અપાયો હોવાનું જણાવાયું હતું.
રેફરન્ડમના પરિણામના પગલે બ્રિટિશ પાઉન્ડની કિંમત ૨૦ ટકા સુધી તૂટી હતી અને ડોલરની તુલનાએ ૩૧ વર્ષના તળિયે પહોંચી હતી. બીજી તરફ, બ્રેક્ટિઝ વોટના કારણે FTSE 100 બજારમાંથી ૧૦૦ બિલિયન પાઉન્ડ કરતા વધુ મૂડીનું જોરદાર ધોવાણ થયું હતું. રેટિંગ સંસ્થા મૂડીઝ દ્વારા બ્રિટનના ક્રેટિડ રેટિંગને ‘સ્થિર’થી ઘટાડી ‘નેગેટિવ’ કરી દેવાયું હતું.