બ્રિટિશ ભારતીયો દ્વારા દિવાળી કે ઈદની જેમ જ ઉત્સાહપૂર્વક ક્રિસમસની પણ ઉજવણી

રુપાંજના દત્તા Monday 02nd January 2017 09:42 EST
 
 

લંડનઃ આ દેશનું અવિભાજ્ય અંગ બની રહેલી બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી જે રીતે દિવાળી, વૈશાખી અથવા ઈદની ઉજવણી કરે છે તે જ ઉત્સાહ અને ભાવના સાથે ક્રિસમસની પણ ઉજવણી કરે છે. મોટાં થતાં બાળકો શાળામાં સંસ્કૃતિ અને ઉત્સવોનો આપમેળે જ હિસ્સો બને છે, જેનાથી આગળ જતાં તેમની ઓળખ ઘડાય છે. ક્રિસમસ ટ્રીથી માંડી વતનમાં રહેતાં પેરન્ટ્સને ગ્રીટિંગ કાર્ડ્સ મોકલવાં સાથે તમામ વયના એશિયનો પોતાનો જ ઉત્સવ હોય તે રીતે ક્રિસમસ ઉજવે છે. ૨૪ મિલિયન ખ્રિસ્તી રહે છે તેવા ભારતમાં પણ ક્રિસમસ ભવ્ય રીતે ઉજવાય છે. બ્રિટનમાં પણ ઘણા લઘુમતી સમુદાયો અને ખાસ કરીને ભારતીયો પણ ક્રિસમસની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરે છે.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં દેબશ્રી બ્રીન ઘોષે તેમના પરિવારમાં ક્રિસમસની ઉજવણી વિશે જણાવ્યું હતું કે,‘અમે પણ ટ્રી, પુષ્પાંજલિ, પ્રેઝન્ટ્સ, સ્ટોકિંગ્સ, કેરોલ્સ, ધ ટર્કી, સ્પ્રાઉટ્સ,દરેક વસ્તુઓ તૈયાર કરીએ છીએ. અમારા ત્રણમાંથી બે (પતિ અને પુત્રી) કેથોલિક છે પરંતુ, અમારા માટે ધાર્મિકતા કરતા પણ મોસમના સાંસ્કૃતિક ઉજવણીના ઉત્સાહની ભૂમિકા વધુ ભાગ ભજવે છે.’

ભરત વાસવાણીએ કહ્યું હતું કે,‘હું આને જેસુ પૂજા કહું છું. અમે દિવાળીની માફક જ ક્રિસમસ ઉજવીએ છીએ. અમે ફૂલહાર ઉપરાંત, ક્રિસમસ ટ્રીને રોશનીથી ઝાકમઝોળ કરીએ છીએ. મારી પત્ની ક્રિશ્ચિયન છે. જોકે, હું માનું છું કે ઉજવણી કરવા માટે ક્રિસમસ અદ્ભૂત અને સુંદર પ્રસંગ છે. અમે સારા સમયના આગમનને ઉત્સાહ સાથે ઉજવીએ અને માણીએ છીએ.’

વ્યવસાયે લોયર અને ભારતમાં અનેક સ્થળોએ રહેલાં સુચિરા રાયે કહ્યું હતું કે,‘હું કોઈ પણ ક્રિશ્ચિયનની માફક ક્રિસમસ ઉજવું છું. મિડનાઈટ માસ, નાઉહામ્સ બ્રાઉની, સુંદર ડેકોરેશન્સ અને ક્રિસમસ લંચનો આનંદ માણું છું. ગત પાંચ વર્ષમાં મેં સ્ટુટગાર્ટ, બેંગલોર, કોલકાતા અને લંડનમાં ક્રિસમસ ઉજવી છે અને કોઈ પણ સ્થળે હોઉં, મેં ભવ્યતા સાથે જ ઉજવણી કરી છે.’

બ્રિટિશ તેલુગુ કોમ્યુનિટીમાં અગ્રણી ગણાતા પ્રભાકર કાઝાએ કહ્યું હતું કે,‘ મારો પુત્ર (આદિત્ય) નાનો હતો ત્યારે અમે ક્રિસમસ ટ્રી તૈયાર કરતા હતા. હવે તે મોટો થયો છે અને અમારે હવે ભાવિ પેઢીની રાહ જોવાની છે. અમારા ઘરમાં દશેરા (Gollu)માં અમે જિસસ ક્રાઈસ્ટ અને મેરીને રાખીએ છીએ. અમે દર વર્ષે ક્રિસમસની પૂર્વસંધ્યાએ મધરાતની પ્રાર્થના માટે સેન્ટ આલ્બાન્સ કેથેડ્રલ જઈએ છીએ.

શીતલ ગોરે કહ્યું હતું કે,‘અમે દર વર્ષે ટ્રી તૈયાર કરીએ, ઘરને રોશનીથી ઝગમગાવીએ, અમારા મિત્રો અને કેટલાક પરિવારો સાથે ભેગાં મળીએ અને ઘણી બધી પ્રેઝન્ટ્સ પણ ખરીદીએ છીએ.’ લિવરપૂલના બ્રિટિશ ભારતીય ડોક્ટર અને હાલ ન્યૂ ઝીલેન્ડ રહેતાં ડાયેના સુજા મદનરાજે કહ્યું હતું કે,‘મને ક્રિસમસ ઘણી ગમે છે અને સારી રીતે ઉજવું છું. જોકે, હું ક્રિશ્ચિયન હોવાથી આમ કરવું સ્વાભાવિક મનાય છે.’

પાર્ટનર્સ સાથે પોતાની સિટી લો ફર્મ ચલાવતાં સોલિસિટર દીપા સુગાથનના લગ્ન મેથ્યુ ફિલિપ સાથે થયાં છે. તેઓ કહે છે,‘મારો પુત્ર રાયન આખું વર્ષ ક્રિસમસની રાહ જુએ છે. અમે એડવેન્ટ કેલેન્ડર (રાયન સારા કે તોફાનીની યાદીમાં હોવાનું સમર્થન કરતા સાન્ટાના ૩૦ નવેમ્બરે મોકલાયેલા પત્ર)થી શરૂ કરીએ છીએ. નોર્થપોલથી ક્રિસમસ ઈવ આવે ત્યાં સુધી દરરોજ નાની-નાની મિજબાની ચાલતી રહે છે. આજકાલ તો સાન્ટા ચિમનીમાં થઈને આવતા નથી તેથી ટ્રીની બાજુમાં જ ચાવી અને કૂકીઝ રાખીએ છીએ. ફૂલહાર, ટ્રી, રોશની તથા મારી બહેન અને મિત્રો સાથે ફેમિલી લંચ, વાઈન અને મધરાત્રિની પ્રાર્થના- અમે બધું જ માણીએ છીએ.’ જોકે, પ્રતીક દત્તાણી માટે ક્રિસમસ એટલે Doctor Whoનો નવો એપિસોડ જતો કરવાનો સમય અને તિતલી દત્તા માટે આમીર ખાનની નવી રીલિઝ થનારી ફિલ્મ છે.

ક્રિસમસની સાથે ચેરિટી અને વંચિતો માટે કરુણાની ભાવના પણ સંકળાયેલી છે પરંતુ, કમનસીબે તાજેતરના વર્ષોમાં તેનું સ્થાન ભારે કોમર્શિયાલાઈઝને પડાવી લીધું છે. આમ છતાં, રોશનીથી ઝાકમઝોળ ટ્રીઝ અને શેરીઓ, જર્મન માર્કેટ્સ, કેરોલ્સ, માર્શમેલોઝ અને નગરોમાં ચિત્રમય ગુફાઓ સાથે સાન્ટા ક્લોસની હાજરી થકી ક્રિસમસ ખરેખર બધા માટે માણવા જેવી ઉજવણી બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter