બ્રિટિશ મતદારોએ બદલાવ માટે સ્પષ્ટ જનાદેશ આપ્યો છેઃ લોર્ડ ડોલર પોપટ

લેબર પાર્ટીને 211 બેઠકની બહુમતી કેવી રીતે મળી અને કન્ઝર્વેટિવ પાર્ટી માટે હવેની દિશા કેવી તે જોવું રહ્યુઃ લોર્ડ પોપટ

લોર્ડ ડોલર પોપટ Tuesday 09th July 2024 13:49 EDT
 
 

     

4 જુલાઇ 2024ના રોજ સંસદની ચૂંટણી માટે મતદાન યોજાયું અને કન્ઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસન બાદ લેબર પાર્ટી 211 બેઠકની બહુમતી સાથે વિજેતા બનીને આગળ આવી. સર કેર સ્ટાર્મર વડાપ્રધાન બન્યાં અને થોડાં જ કલાકોમાં તેમણે કેબિનેટની જાહેરાત પણ કરી દીધી. સત્તામાં આવવા માટે તેમણે મહિનાઓ સુધી તૈયારી કરી હતી.

આ ચૂંટણી લેબર પાર્ટીના બદલાવના નારા સાથે સમાપ્ત થઇ. દેશ બોરિસ જ્હોન્સનના વડાપ્રધાન તરીકેના કાર્યકાળની અંધાધૂંધી અને કન્ઝર્વેટિવ પાર્ટીથી આકુળ વ્યાકુળ થઇ ચૂક્યો હતો. નેતૃત્વનો અભાવ અને 8 વર્ષના ગાળામાં પાંચ વડાપ્રધાન જોયાં બાદ મતદારોએ કન્ઝર્વેટિવની વિરુદ્ધ સાગમટે મતદાન કર્યું જેના પગલે લેબર પાર્ટી 411 અને લિબરલ ડેમોક્રેટ 72 બેઠક જીતી ગયાં. અત્રે એ વાતની નોંધ લેવી પડે કે આ લેબરની તરફેણમાં જનમત નહોતો. 2019માં કન્ઝર્વેટિવને 43.6 ટકા મત મળ્યાં હતાં જેની સામે 2024માં લેબર પાર્ટીને ફક્ત 34 ટકા મત હાંસલ થયાં છે.

આ ચૂંટણીમાં મહત્વની ભુમિકા ભજવનારા પરિબળોમાં નાઇજલ ફરાજ પણ સામેલ છે જેમણે રિફોર્મ યુકેનું નેતૃત્વ કર્યું. રિફોર્મ યુકેને 14 ટકા મત સાથે ક્લેકટન સહિત પાંચ બેઠક મળી જે કન્ઝર્વેટિવ પાર્ટીથી 45 ટકાનો સ્વીંગ દર્શાવે છે. રિફોર્મ યુકેએ કન્ઝર્વેટિવથી પરેશાન પરંપરાગત મતદારોને અન્ય પાર્ટીને મત આપવાની તક ઉપલબ્ધ કરાવી હતી.

દુર્ભાગ્યે 50 કરતાં વધુ બેઠક એવી હતી જ્યાં કન્ઝર્વેટિવ જીતી શક્યાં હોત. ચૂંટણી પછીની સમીક્ષામાં આપણે આ મતદારોને પાછા કેવી રીતે જીતી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એક પૂર્વ બિઝનેસમેન તરીકે હું મદદ તો કરી શક્તો નથી પરરંતુ રાજનીતિ અને બિઝનેસ વચ્ચે તફાવત જરૂર કરી શકું છું. છેલ્લા કેટલાક વર્ષોથી યુકેમાં શાસન ચલાવવામાં આવ્યું તે રીતે કંપનીનું સંચાલન કરવામાં આવે તો શેરહોલ્ડરો બદલાવની માગ કરવાના જ છે. રિશી સુનાકે કેટલાક મુદ્દાઓના ઉકેલ માટે કેટલાંક પગલાં જરૂર લીધાં પરંતુ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં વધુ સફળ થઇ શક્યા નહીં. તેઓ મતદારોને એવો પણ વિશ્વાસ ન અપાવી શક્યાં કે સમસ્યાઓ ફક્ત તેમની સરકારના કારણે નથી.

હવે સ્ટાર્મરની સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પ્રમાણે કામ શરૂ કરી દીધું છે. ભરચક જેલો, જુનિયર ડોક્ટરોની હડતાળ, વૈશ્વિક સંઘર્ષો સહિતના ઘણા મુદ્દાઓ પર મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. કન્ઝર્વેટિવ પાર્ટીને પણ આગામી સપ્તાહોમાં નવા નેતા મળી શકે છે જેથી સર કેર અને તેમના નિર્ણયોને પડકારી શકાય.  સુએલા બ્રેવરમેન, રોબર્ટ જેનરિક, જેમ્સ ક્લેવરલી, ટોમ તુગેન્ધાત, પ્રીતિ પટેલ અને વિક્ટોરિયા એટકિન્સ જેવા સંખ્યાબંધ આ રેસમાં છે. કોઇ નેતાને લાંબાગાળા માટે પસંદ કરવામાં આવે તેવી દલીલ સાથે હું સહમત છું કારણ કે આ સમય પાર્ટીએ પ્રતિબિંબ પાડવાનો છે. આપણે છેલ્લા 14 વર્ષ અને તાજેતરની ચૂંટણીમાં પણ કેટલાક સાચા નિર્ણય લીધાં છે અને અને ઘણી બાબતો ખોટી પૂરવાર થઇ છે. આપણે તેમાંથી પદાર્થપાઠ લેવો પડશે.

કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણીના સંદર્ભમાં સૌથી સફળ પાર્ટી છે. છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ ચૂંટણી કન્ઝર્વેટિવ પાર્ટીએ જીતી છે. આ વ્યવહારિતા, પરિવર્તન માટે મુક્ત અભિગમ અને સમસ્યાઓનો સામનો કરવાની તૈયારીના પગલે થયું છે. આપણે આ મામલાઓમાં હારીએ છીએ ત્યારે ચૂંટણી પણ હારી જઇએ છીએ. તેથી આપણે આપણા નેતૃત્વની ચૂંટણી માટે વ્યવહારુ અભિગમ અપનાવીએ, પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને 2029માં વિજય સુનિશ્ચિત કરવા આપણામાં બદલાવ માટે તૈયાર રહીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter