લંડનઃ બ્રિટનમાં રેલવેના પુનઃરાષ્ટ્રીયકરણને સંસદની મંજૂરી મળી ગઇ છે. હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા ટ્રેન સેવાઓના રાષ્ટ્રીયકરણ અંગેના ખરડાને મંજૂરી આપી દેવાતાં હવે બ્રિટનમાં રેલવે સેવાઓ સરકારી માલિકી હેઠળ કામ કરશે. જોકે સરકારી સૂત્રોએ હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા પેસેન્જર રેલવે સર્વિસ પબ્લિક ઓનરશિપ બિલને જે ઝડપથી મંજૂરી આપી તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હવે આ ખરડાને કિંગ ચાર્લ્સની મંજૂરી માટે મોકલી અપાશે.
આ ખરડાને હાઉસ ઓફ લોર્ડ્સની મંજૂરી મળી જવાનો અર્થ એ છે કે જુલાઇમાં સત્તા પર આવ્યા પછી સર કેર સ્ટાર્મરની સરકારે પહેલો મોટો જાહેર સેવાનો સુધારો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સર કેર સ્ટાર્મરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમે વચન આપ્યું હતું કે અમે ગ્રેટ બ્રિટિશ રેલવેની રચના કરીશું અને જૂઓ અમે તે કરી રહ્યાં છીએ.
આ ખરડાને મંજૂરી ટ્રાન્સપોર્ટ સેક્રેટરી લૂઇસ હેઇની પણ મોટી સફળતા માનવામાં આવે છે. તેઓ ન કેવળ રેલવે પરંતુ બસ સેવાને પણ સરકારના નિયંત્રણ હેઠળ લાવવાના હિમાયતી રહ્યાં છે.
હવે બ્રિટનનું રેલવે નેટવર્ક સરકારી માલિકીનું બની જશે. તે માટે સંસદની મંજૂરી સાથે ગ્રેટર બ્રિટિશ રેલવેની રચના કરાશે. પ્રાઇવેટ સેક્ટરને અપાયેલા તમામ કોન્ટ્રાક્ટનો અંત આવી જશે. આગામી સંસદની ચૂંટણી સુધીમાં રેલવેનું સંપુર્ણ રાષ્ટ્રીયકરણ કરી દેવાશે.
ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ પોતાને પેસેન્જર ઇન ચીફ ગણાવતા સ્પષ્ટતા કરી હતી કે હું ઇચ્છું છું કે રેલવે પ્રવાસીઓની સુવિધાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે.