લંડનઃ ભારતના આવકવેરા વિભાગ દ્વારા યુકેની અવિવા વીમા કંપની પર બનાવટી ઇનવોઇસ દ્વારા ભારતમાં 26 મિલિયન ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો છે. આવકવેરા વિભાગે આરોપ મૂક્યો છે કે બ્રિટિશ વીમા કંપનીએ સેલ્સ એજન્ટો માટેની કમિશન મર્યાદાની અવગણના કરીને બનાવટી ઇનવોઇસ અને ગુપ્ત રોકડ ચૂકવણીઓ દ્વારા સ્થાનિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અવિવાના આ કૌભાંડને જીએસટી ઇન્ટેલિજન્સ દ્વારા ઉઘાડું પડાયું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 3 ઓગસ્ટના રોજ અવિવાને નોટિસ પાઠવવામાં આવી હતી. વીમા કંપનીના ભારતીય એકમ દ્વારા 2017થી 2023ની વચ્ચે માર્કેટિંગ અને ટ્રેનિંગ સેવાઓ માટે 26 મિલિયન ડોલર ચૂકવાયા હતા. જોકે આ વેન્ડરોએ વાસ્તવિક રીતે કોઇ કામ કર્યું જ નહોતું. તેમણે અવિવાના એજન્ટોને ફંડ ટ્રાન્સફર કરવા માટેના વચેટિયા તરીકે કામ કર્યું હતું. આ રીતે કંપની દ્વારા એજન્ટ કમિશનની મર્યાદાઓને અવગણવામાં આવી હતી.
જીએસટી ઇન્ટેલિજન્સના ડિરેક્ટોરેટ જનરલે જણાવ્યું હતું કે, આ કાવતરાના મૂળ ઘણા ઊંડા છે. અવિવા અને તેના અધિકારીઓએ ઇન્શ્યુરન્સ ડિસ્ટ્રીબ્યુટર્સને ફંડ આપવા માટે બનાવટી ઇનવોઇસનો ઉપયોગ કરાયો હતો. અવિવાએ બનાવટી ઇનવોઇસ પર 26 મિલિયન ડોલર માટેની ટેક્સ ક્રેડિટનો ખોટો દાવો કર્યો હતો.
હજુ સુધી અવિવા દ્વારા આ આરોપોનો કોઇ જવાબ અપાયો નથી.