લંડનઃ 3 વર્ષ બાદ લંડનના વ્હાઇટચેપલ સ્ટેશન ખાતે બંગાળી ભાષામાં સ્ટેશનનું નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સ્ટેશન ખાતે અંગ્રેજીની સાથે હવે બંગાળીમાં પણ નામ લખાયું છે પરંતુ તેના કારણે કેટલાક લોકોના પેટમાં ચૂંક પણ ઉપડી છે. બ્રિટિશ સાંસદ રુપર્ટ લોવે જણાવ્યું હતું કે, આ લંડન છે અને અહીં ફક્ત અંગ્રેજી જ ચાલી શકે છે.
લોવના સૂરમાં સૂર પૂરાવવા ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક પણ કૂદી પડ્યાં હતાં અને લોવની માગને યથાર્થ ગણાવી હતી. માર્ચ 2022માં વ્હાઇટચેપલ સ્ટેશન ખાતે બંગાળી ભાષામાં પણ સ્ટેશનના નામના બોર્ડ લગાવાયાં હતાં. ઇસ્ટ લંડનમાં બંગાળી ભાષીઓના યોગદાનને બિરદાવવા આમ કરાયું હતું. આ વિસ્તારમાં બાંગ્લાદેશી અને બંગાળી ભાષીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
ભારતના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ આ પ્રયાસને બિરદાવતાં જણાવ્યું હતું કે, લંડનની ટ્યુબ રેલે બંગાળી ભાષાને સ્વીકારી તેનું ગૌરવ છે. 1000 વર્ષ જૂની બંગાળી ભાષાનું વૈશ્વિક સ્તરે મહત્વ વધી રહ્યું છે.