લંડનઃ બ્રિટિશ આર્મીના ઇતિહાસમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં સોનેરી પ્રકરણ ઉમેરાશે. સુસાન રિજ્ ડિરેક્ટર જનરલ આર્મી લિગલ સર્વિસનું સુકાન સંભાળશે તે સાથે જ બ્રિટનની સૌથી ઊંચી રેન્ક મેળવનારા મહિલા ઓફિસર બની જશે. તેમના હાથ તળે ૧૩૦ વકીલની ફોજ આર્મી માટે કામ કરશે. બ્રિટિશ આર્મીમાં લાંબા સમયથી આ મુદ્દે વિચારણા ચાલતી હતી કે ઉચ્ચ હોદ્દાઓની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવે કે નહીં. છેવટે નિર્ણય લેવાયો છે, જે અનુસાર સોલિસિટર સુસાન રિજ્ એક ઓફિસર કોરના વડાં તરીકે કાર્યભાર સંભાળશે.
છ વર્ષ વકીલાતની પ્રેક્ટિસ કર્યા પછી તેઓ સૈન્યમાં સામેલ થયાં અને છેલ્લાં ૨૩ વર્ષથી સૈન્યમાં વિવિધ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે એટર્ની તરીકે કામગીરી શરૂ કર્યાના ચાર જ વર્ષમાં તેઓ જે ફર્મમાં કામ કરી રહ્યાં હતાં તેના સંચાલકોએ તેમને પાર્ટનરશિપની ઓફર કરી હતી, પરંતુ સુસાનને આ ઓફર મંજૂર નહોતી.
તે વખતે તેમણે સેન્ડહર્સ્ટમાં પ્રોફેશનલી ક્વોલિફાઈડ ઓફિસરનો કોર્સ જોઈન કર્યો હતો. આ કોર્સ સંપૂર્ણ રીતે રેગ્લુયર કમિશનિંગ કોર્સ જેવો હોય છે. તેમાં સંપૂર્ણ ફોકસ ઓફિસરશિપ, કમાન્ડ અને લીડરશિપ પર હોય છે. તેના સિલેબસમાં ફિલ્ડ ટ્રેનિંગ, ફિઝિકલ ટ્રેનિંગ, વેપન્સ ટ્રેનિંગ અને ડ્રિલ પણ સામેલ છે. જ્યારે ફિલ્ડમાં ન હોય ત્યારે આર્મીના વકીલ, ડોક્ટર, ડેન્ટિસ્ટ, નર્સ વગેરે ક્લાસરૂમમાં રહે છે. સુસાને ક્યારેય વિચાર્યું નહોતું કે તેઓ આટલો લાંબો સમય સૈન્ય સાથે જોડાયેલાં રહેશે.
તેમણે ચાર વર્ષ માટે જ આર્મીમાં કામ કરવાનું વિચાર્યું હતું. તેઓ જે સમયે સૈન્યમાં જોડાયાં ત્યારે બટાલિયનમાં તેઓ એકમાત્ર મહિલા હતાં પરંતુ જેમ જેમ કામ કરતાં ગયાં તેમ તેમ ઓતપ્રોત થતાં ગયાં. સંયોગવશાત્ સૈન્યમાં ફરજ બજાવતા લેફ્. કર્નલ સાથે જ તેમણે લગ્ન કર્યા. પતિને બાલ્કન અથવા અફઘાનિસ્તાનમાં લડાઈ માટે જવાની તક મળતી ત્યારે સુસાનને પણ સાથે જવાની તક મળતી હતી.
હવે સુસાનના શિરે જે જવાબદારી આવવાની છે તેમાં કમાન્ડરને શિસ્ત, રોજગાર, કાયદા અને વહીવટી કાયદા સંબંધિત સલાહ-માર્ગદર્શન આપવાની હશે. આ ઉપરાંત બેરેક હોય કે સૈનિકોનું ટ્રેનિંગ સેશન કે પછી અન્ય કોઇ દેશમાં આર્મી ઓપરેશન થઇ રહ્યું હોય તો સૈનિકોને કાનૂની સલાહ પણ આપવી પડશે. આ માટે તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાઓને ધ્યાનમાં રાખવા પડશે. બ્રિટિશ સૈન્યના ચીફ ઓફ જનરલ સ્ટાફ સુસાનને શરૂઆતથી જ ઓળખે છે.
વ્યક્તિત્વ પર એક નજર
• ઉંમરઃ ૫૨ વર્ષ • શિક્ષણઃ સ્ટેટ સ્કૂલથી સ્કૂલિંગ, વેલ્સની બેંગર યુનિવર્સિટીમાંથી લો કન્વર્ઝનમાં પ્રિ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા, કોલેજ ઓફ લોમાં બાકીનો ઉચ્ચ અભ્યાસ • પરિવારઃ પતિ અને પુત્ર