લંડનઃ બ્રિટિશરોને યુરોપીય સિંગલ માર્કેટ કરતા ઈમિગ્રેશન મુદ્દે વધુ ચિંતા છે. એક સર્વેમાં ૫૬ ટકા બ્રિટિશ નાગરિકોએ જણાવ્યું હતું કે સરહદે નિયંત્રણ રાખી ઈમિગ્રેશનની સમસ્યા હલ કરવી વધુ મહત્ત્વની છે. આશરે ૬૦ ટકા મતદારોએ વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટના મુદ્દે જે રીતે આગળ વધી રહ્યાં છે તેને ટેકો આપ્યો છે, જ્યારે ૨૫ ટકા લોકોએ સામાન્ય ચૂંટણી વહેલી કરવાનો મત દર્શાવ્યો હતો.
બ્રિટન માટે બ્રેક્ઝિટ પછીના સંજોગોમાં અન્ય દેશો સાથે વેપારી સંબંધોના લાભ કરતા દેશની સરહદો પર અંકુશ જાળવી રાખવાનું જરૂરી હોવાનું ૫૬ ટકા લોકોએ જણાવ્યું છે, જ્યારે ૪૪ ટકાએ સિંગલ માર્કેટમાં રહેવાને મહત્ત્વ આપ્યું છે. આ સર્વેના તારણોએ બ્રેક્ઝિટ પછી મુક્ત અવરજવરને સ્વીકારીને પણ બ્રિટને સિંગલ માર્કેટમાં રહેવું જોઈએ તેમ માનતા રીમેઈન સમર્થકોને આંચકો આપ્યો છે. ITVના ધ એજન્ડા વિથ ટોમ બ્રેડલી શો માટે ધ સર્વેશન પોલમાં સત્તા પરના ૧૦૦ દિવસ પછી વડા પ્રધાન મેએ યુરોપિયન યુનિયનમાંથી યુકેના અલગ થવાના મુદ્દાને જે રીતે હાથ ધર્યો છે તેને ૫૮ ટકાએ ટેકો આપ્યો છે, જ્યારે ૨૫ ટકાએ અસંમતિ દર્શાવી છે. ૨૦૧૫ની ચૂંટણીમાં લેબર પાર્ટીને મત આપનારા લોકોમાંથી પણ ૪૬ ટકાએ આ મુદ્દે થેરેસાનું સમર્થન કર્યું છે.
જો બીજો ઈયુ રેફરન્ડમ યોજાય તો પાઉન્ડના મૂલ્યની વધઘટના મુદ્દાને ધ્યાનમાં લીધા ‘લીવ’ને સમર્થન આપનારા ૪૭ ટકાની સરખામણીએ ૪૬ ટકાએ ‘રીમેઈન’ને મત આપવાનું કહ્યું હતું, જ્યારે સાત ટકા અનિર્ણાયક રહ્યા હતા. ગત ૨૩ જૂને બ્રેક્ઝિટ માટે મત આપનારા લોકોમાંથી ૪૮ ટકાએ સર્વેમાં કહ્યું હતું કે તેમના માટે ઈમિગ્રેશન મુખ્ય મુદ્દો છે, જ્યારે ૨૫ ટકાએ કાયદાના ઘડતરમાં બ્રિટિશ કન્ટોલને અને સાત ટકાએ નાણાની બચતને મહત્ત્વ આપ્યું હતું. છ ટકા મતદારે ઈયુને ભ્રષ્ટ ગણાવ્યું હતું તો ૨૭ ટકા લોકોએ દેશમાં સામાન્ય ચૂંટણી વહેલી થવી જોઈએ તેમ જણાવ્યું હતું.
દરમિયાન, ચાન્સેલર ફિલિપ હેમન્ડે જણાવ્યું હતું કે અતિ કુશળ અને ભારે વેતન ધરાવતા ઈયુ વર્કરોને પોસ્ટ-બ્રેક્ઝિટ ઈમિગ્રેશન અંકુશો લાગુ પડાય તેવી શક્યતા નથી. મતદારોને ચિંતા વિદેશી કામદારો એન્ટ્રી-લેવલની નોકરીઓ ખૂંચવી લેશે તેની છે, ઊંચી કુશળતા અને ઊંચા વેતનના લોકો યુકેમાં આવે તેની નથી. અગાઉ, વડા પ્રધાન મેએ પણ સિટી ફર્મ્સને હૈયાધારણ આપી હતી કે તેઓ વિદેશમાંથી સ્ટાફને નોકરીએ રાખી શકશે.