બ્રિટિશરોને એનર્જી બિલ્સમાં રાહત, £ 15 બિલિયનનું પેકેજ, એનર્જી કંપનીઝ પર વિન્ડફોલ ટેક્સ

Wednesday 01st June 2022 07:17 EDT
 
 

લંડનઃ યુકેમાં જીવનનિર્વાહ કટોકટીમાં ભીંસાઈ રહેલા લોકોને મદદ કરવા ચાન્સેલર રિશિ સુનાકે 26 મે, ગુરુવારે 15 બિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું છે. યુકે સરકારે બ્રિટિશરોને અસહ્ય મોંઘવારીમાં રાહત આપવા માટે ઓઈલ અને ગેસ કંપનીઓ પર 25 ટકાનો વિન્ડફોલ ટેક્સ લાધ્યો છે. દરેક બ્રિટિશ પરિવારને તેમના એનર્જી અને ઈલેક્ટ્રિસિટી બિલ્સમાં 400 પાઉન્ડનું રિબેટ અપાશે. આ રાહતનો ખર્ચ વધારાના સરકારી ઋણ અને એનર્જી કંપનીઓ 5 બિલિયન પાઉન્ડના વિન્ડફોલ ટેક્સમાંથી સરભર કરાશે. ઉલ્લેખનીય છે કે ઓઈલ, ગેસ અને વીજળીના ભાવમાં અસહ્ય વધારાથી પરિવારોના બિલ્સમાં 10 ટકાનો ભારે વધારો થયો છે.

સોશિયલ વેલ્ફેર બેનિફ્ટ્સ ધરાવતા 8 મિલિયન પરિવારોને વધારાના 650 પાઉન્ડની એક વખતની પ્રત્યક્ષ ચૂકવણી કરાશે તેમજ વિન્ટર ફ્યૂલ પેમેન્ટની લાયકાત ધરાવનારાને વધારાના 300 પાઉન્ડ ચૂકવાશે. જે લોકો અક્ષમ હોય તેમને વધારાના 150 પાઉન્ડનો લાભ અપાશે. બેનિફ્ટ્સ પર નિર્વાહ કરતા લોકોને સપ્ટેમ્બરમાં ઈન્ફ્લેશન દરના આધારે ચૂકવણીમાં વધારો મળશે. ટુંકમાં કહીએ તો આ બધા પગલાંથી સૌથી ગરીબ પરિવારોને વધારાની સહાય તરીકે 1000 પાઉન્ડ મળી શકશે.

15 બિલિયન પાઉન્ડનું રાહત પેકેજ

ચાન્સેલર સુનાકે જણાવ્યું હતું કે ગુરુવારે જાહેર કરાયેલા કુલ હાઉસહોલ્ડ રાહત પેકેજ 15 બિલિયન પાઉન્ડનું છે જે દેશના 8 મિલિયન નબળા પરિવારો માટે વરદાનરૂપ સાબિત થશે. વધારા રાહત પેકેજ સાથે મોંઘવારી સામે લડવા માટે દેશના પરિવારોનું કોસ્ટ ઓફ લિવિંગ ઘટાડવા જાહેર કરાયેલ રાહત પેકેજ 37 બિલિયન પાઉન્ડનું થઈ ગયું છે.

બ્રિટનની સૌથી ઓછી આવક ધરાવતા 8 મિલિયન પરિવારોને એક સમયના 650 પાઉન્ડ એટલેકે 819 ડોલરની સહાય આપવામાં આવશે, જેની પ્રથમ ચુકવણી જુલાઈમાં લોકોના બેંક ખાતામાં પ્રત્યક્ષ આપવામાં આવશે અને બીજો તબક્કો બીજા મહિનામાં આવશે. આ ઉપરાંત, દેશના 8 મિલિયન પેન્શનર્સ હાઉસહોલ્ડને વધારાના 300 પાઉન્ડની શિયાળાની ફ્યુઅલ પેમેન્ટ માટે સહાય આપવાની જાહેરાત પણ ચાન્સેલરે કરી હતી.

મહત્ત્વની બાબત એ છે કે ચાન્સેલરે ફેબ્રુઆરીમાં એનર્જી બિલ્સમાં 200 પાઉન્ડના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી જે પાંચ વર્ષમાં હપ્તાવાર પરત કરવાના હતા પરંતુ, હવે ડિસ્કાઉન્ટ બમણું કરી દેવાયું છે અને અગાઉના ડિસ્કાઉન્ટને પરત કરવાની જરૂર રહેશે નહિ.

25 ટકાનો હંગામી વિન્ડફોલ ટેક્સ

બોરિસ જ્હોન્સન સરકારનો આ યુ-ટર્ન છે. સરકારે આ મુદ્દે ફેરવી તોળ્યું છે. અગાઉ જ્હોન્સન અને સુનાકે આ પ્રકારનો વન-ટાઈમ ટેક્સનો ખ્યાલ આકર્ષક હોવાં છતાં, ગ્રાહ્ય ન હોવાનું જણાવ્યું હતું. રોકાણોને નુકશાન થશે તેવા આધાર સાથે સુનાકે અગાઉ આ પ્રકારના ટેક્સનો પ્રસ્તાવ માંડી વાળ્યો હતો. જોકે, જીવનનિર્વાહની કટોકટીનો સામનો કરવા જોઈતાં નાણા માટે સરકારને વિન્ડફોલ ટેક્સ લાદવાની માંગ સ્વીકારવી પડી છે. હાલ એનર્જી કંપનીઓ તેમના નફા પર 40 ટકાનો ટેક્સ ચૂકવે છે અને 25 ટકાના વધારા સાથે ડિસેમ્બર 2025 સુધી કુલ ટેક્સની ચૂકવણી 65 ટકા કરવાની રહેશે. સુનાકે જણાવ્યું છે કે પોતાનો નફાનું બ્રિટિશ ઓઈલ અને ગેસ શોધખોળમાં પુનઃ રોકાણ કરનારી કંપનીઓને નવી ટેક્સ રાહતોમાં 90 ટકા નાણા પરત મળી જશે.

સુનાકે કહ્યું હતું કે ઓઈલ અને ગેસ કંપનીઓ કોઈ નવી ટેક્નિક, જોખમ કે નવા સંશોધન કે ક્ષમતાના આધારે વધુ નફો કમાતી નથી. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ અને ગેસના ભાવ વધવાથી કંપનીઓને અસાધારણ નફો થઈ રહ્યો છે તેના પરિણામે, તેમની પાસેથી આ કપરા સમયમાં લડવા માટે આપણે વધુ ટેક્સ વસૂલવાનો ખ્યાલ વ્યાજબી છે. જોકે, આ ટેક્સ કામચલાઉ હોવાની આગોતરી જાહેરાત સુનાકે કરી છે. દેશના લોકોના જીવનનિર્વાહના વધતા ખર્ચ સામે સરકારે સહાય કરવાની જરૂર પડી છે અને આ વધારાની જાવક માટેની આવક આ હંગામી ટેક્સ દ્વારા મેળવવાનો અમારો હેતુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter