લંડનઃ યુકેના પશ્ચિમી દરિયા કિનારા પર વેલ્સમાં આવેલા માયડ્રોઇલીન ગામમાં 59 વર્ષીય ગ્રેહામ બેરિટ્ટ એક ગૌશાળાનું સંચાલન કરે છે. હોલી ટ્રીનીટી ચર્ચ પાસે આવેલી આ ગૌશાળા વિશેષ છે કારણ કે અહીં ન કેવળ કસાઇવાડે મોકલાતી ગાયોને આશ્રય અપાય છે પરંતુ લોકોને ગૌમાંસ ન ખાવા અંગે પણ આહવાન કરે છે.
ગ્રેહામ બેરિટ્ટ સવારના 7 વાગે ઉઠીને ગૌશાળાની ગાયોની સેવામાં લાગી જાય છે. તેમને સ્વચ્છ કરે છે અને ચારો ખવડાવે છે. મુલાકાતીઓ બપોરના 1 પછી ગૌશાળાની મુલાકાત લઇ શકે છે. મુલાકાતીઓ અહીં સેંકડો કિલોમીટર દૂરથી આવીને ગૌશાળાની મુલાકાત લે છે અને ગાયો વચ્ચે પોતાનો સમય પસાર કરે છે.
લંડનમાં બાળપણ વીતાવનાર બેરિટ્ટ કિશોરાવસ્થાથી જ ગાયોને પુષ્કળ પ્રેમ કરતા હતા. તેમણે શાકાહારી બનવાનો નિર્ણય 16 વર્ષની વયે જ કરી લીધો હતો. તેમના બાદ તેમની માતા અને ભાઇઓએ પણ માંસાહારનો ત્યાગ કર્યો હતો. પ્રાણીઓ પ્રત્યે હંમેશા અનુકંપા ધરાવતા બેરિટ્ટ આધ્યાત્મિકતા તરફ વળ્યા. 19 વર્ષી વયે તેઓ ઇસ્કોન સાથે જોડાયાં અને હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો હતો. બેરિટ્ટને લંડન નજીકના વોટફોર્ડમાં ઇસ્કોનની ગૌશાળામાં કામ સોંપવામાં આવ્યું હતું. 6 વર્ષની કામગીરી દરમિયાન તેમણે આજીવન ગાયો માટે વીતાવવાનો નિર્ણય લીધો હતો.
25 વર્ષની વયે લગ્ન કર્યા બાદ તેઓ વેલ્સમાં સ્થળાંતર કરી ગયા હતા. અહીં તેમણે એક નાની ગૌશાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમની ગૌશાળામાં ગાયોના નામ લક્ષ્મી, બલદેવ, અભિમન્યુ, તારા મા, જગન્નાથ વગેરે રાખવામાં આવ્યાં છે. બેરિટ્ટ https://www.cowcompanions.co.uk/ નામની વેબસાઇટ પણ ચલાવે છે. ગૌશાળામાં રખાયેલી તમામ ગાય અને આખલાની તમામ વિગતો તેમાં જોવા મળે છે.
બેરિટ્ટની ગૌશાળામાં અત્યારે 12 ગાય વસવાટ કરે છે. બેરિટ્ટ ગાયોની કાળજીને કારણે ક્યારેય વેકેશન પર જતા નથી. તેઓ જાતે ગાયોને દોહે છે, ગાયોની માવજત કરે છે અને ત્યારબાદ ગૌશાળાના મુલાકાતીઓ સાથે મુલાકાત કરે છે. હવે તો તેઓ ગાયોના નિષ્ણાત બની ગયા છે. કૃષ્ણભક્ત એવા બેરિટ્ટ બ્રિટનના લોકોને ગાયોને પ્રેમ કરતાં શીખવી રહ્યાં છે.