લંડનઃ ઈયુમાં રહેવા કે ન રહેવા વિશે ૨૩ જૂનના રેફરન્ડમના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડેઈલી ટેલિગ્રાફ માટે કરાયેલા વિશેષ ORB પોલમાં બહુમતી બ્રિટિશ પ્રજાએ ઈયુ સાથે જ રહેવાનો મત દર્શાવ્યો છે. આમ છતાં, ઈયુ ઈમિગ્રેશનના વિક્રમી આંકડાના લીધે બ્રેક્ઝિટના સમર્થનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. નવા ORB પોલમાં રીમેઈન કેમ્પને ૫૧ ટકા મત સાથે માત્ર પાંચ ટકાની સરસાઈ મળી છે. જ્યારે, લીવ કેમ્પેઈનને ૪૬ ટકા મત મળ્યા છે, જે અગાઉના સર્વેમાં અનુક્રમે ૫૫ ટકા અને ૪૨ ટકા મત હતા. અગાઉ, રીમેઈન કેમ્પની સરસાઈ ૧૩ ટકા હતી. આના કારણે પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે.
બ્રેક્ઝિટ છાવણીએ ઈયુ ઈમિગ્રેશન મુદ્દે ભારે જોર લગાવ્યું છે. ઈયુ દેશોમાંથી બ્રિટન આવનારા લોકોની સંખ્યા વધીને ૧૮૪,૦૦૦ થઈ છે, જે બ્રિટનની પોતાની સરહદો પરનો કાબુ ઘટ્યો હોવાનું દર્શાવે છે. અન્ય સર્વેમાં લેબર પાર્ટીના મતદારોમાં ગુંચવાડાની હાલત જણાય છે કારણકે બ્રેક્ઝિટ અંગે જેરેમી કોર્બીનની પોઝિશન સ્પષ્ટ નથી. ૩૦ ટકા લેબર મતદારો પાર્ટીની પોઝિશન જાણતા નથી અને માત્ર ૪૩ ટકા મતદારો મોટા ભાગના લેબર સાંસદો ઈયુમાં રહેવાની તરફેણમાં હોવાનું માને છે.
મોટા ભાગના સર્વેમાં રીમેઈન કેમ્પની તરફેણ જોવા મળી છે. તમામ મતદારોની ગણતરી કરીએ તો ૫૮ ટકા મતદારોએ ઈયુ તરફી છાવણીને સમર્થન જાહેર કરવાથી રીમેઈન કેમ્પેઈનને ૨૦ પોઈન્ટની લીડ મળી છે. પોલના તારણો એમ પણ કહે છે કે અગાઉ મોટી સંખ્યામાં બ્રેક્ઝિટને ટેકો આપ્યા પછી ખાસ કરીને ટોરી મતદારો અને ૬૫થી વધુ વયના મતદારો ઈયુ તરફી છાવણી બાજુ ઢળી રહ્યા છે.
આમ છતાં, ઈમિગ્રેશન મુદ્દે લીવ કેમ્પેઈને રીમેઈન છાવણી પર સરસાઈ જાળવી રાખી છે. ૫૦ ટકા મતદારો માને છે કે યુકેની ઈમિગ્રેશન સિસ્ટમ સુધારવા માટે બ્રેક્ઝિટ કેમ્પેઈન શ્રેષ્ઠ છે, જ્યારે માત્ર ૨૯ ટકા ઈયુતરફી કેમ્પેઈન માટે આમ વિચારે છે.
ઈયુમાં રહેવા અને નહિ રહેવા વિશે મુખ્ય દલીલો આ મુજબ છેઃ
ઈમિગ્રેશન
લીવઃ બ્રિટન ઈયુ નહિ છોડે ત્યાં સુધી ઈમિગ્રેશન નિયંત્રણમાં લાવી શકશે નહિ કારણકે મુક્તપણે અવરજવરની આઝાદી હોવાથી ઈયુ નાગરિકોને બ્રિટનમાં રહેવાનો આપમેળે અધિકાર પ્રાપ્ત થાય છે.
રીમેઈનઃ ઈયુ છોડવાથી માઈગ્રેશન સમસ્યા હલ નહિ થાય, પરંતુ તે બ્રિટનના આંગણે જ આવી જશે. યુરોપ ખંડના દેશોના સરહદી અંકુશો ફ્રાન્સના કેલેથી ખસી યુકેના ડોવરમાં આવી જશે.
ક્રાઈમ
લીવઃ ધ યુરોપિયન એરેસ્ટ વોરન્ટના પરિણામે બ્રિટિશ નાગરિકોના પ્રત્યાર્પણ કરવાની અને નાના ગુનાઓ માટે પણ વિદેશી કોર્ટ્સમાં ખટલાની છૂટ મળે છે. બ્રેક્ઝિટથી આ અટકી જશે.
રીમેઈનઃ ધ યુરોપિયન એરેસ્ટ વોરન્ટના પરિણામે બ્રિટનમાં ગુનાઓ આચરી વિદેશ નાસી જતા બળાત્કારીઓ, હત્યારાઓ અને અન્ય ગંભીર ક્રિમિનલ્સને જ પાછા મોકલી શકાશે. બ્રેક્ઝિટથી ન્યાય મળતો અટકી જશે.
વેપાર
લીવઃ ઈયુ સાથે સંકળાયેલા રહેવાથી બ્રિટન ઉભરતાં બજારો તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી પરિણામે, ભારત અથવા ચીન સાથે મોટા વેપારી સોદા થતાં નથી. ઈયુ છોડવાથી યુકે તેના આંતરરાષ્ટ્રીય સંપર્કો વિસ્તારી શકશે.
રીમેઈનઃ બ્રિટનની ૪૪ ટકા નિકાસ યુરોપના અન્ય દેશોમાં થાય છે. બ્રિટનનો વેપાર સૌથી વધુ થાય છે તેવા દેશો સામે અવરોધો મૂકવાથી નુકસાન જશે.
કાયદો
લીવઃ બ્રિટનના સંખ્યાબંધ કાયદાઓ બ્રસેલ્સના પસાર કરાયેલા આદેશો અને યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસ (ECJ) દ્વારા માન્ય ચુકાદાઓ દ્વારા વિદેશમાં તૈયાર થયા છે. યુકે કોર્ટ્સની સર્વોપરિતા પુનઃ સ્થાપિત થવી જોઈએ.
રીમેઈનઃ યુરોપિયન કમિશન દ્વારા નિર્ણિત કાયદાઓ વિશે બ્રેક્ઝિટ કેમ્પેઈનની અતિશયોક્તિ છે. ઈયુમાંથી બહાર ગયા વિના જ અંદર રહીને ઈયુને સંબંધિત કાયદાઓને ઘડવાનું વધુ સારું ગણાશે.
નોકરીઓ
લીવઃ નોકરીઓ સામેના જોખમ અંગે ભારે અતિશયોક્તિ કરાય છે. નીચા કોર્પોરેશન ટેક્સ અને અન્ય સુવિધાઓ મારફત રોકાણોને પ્રોત્સાહન-ઉત્તેજન આપી બ્રિટન નિશ્ચિતપણે ઈયુની બહાર રહેવા સ્કેન્ડેનેવિયન દેશોની માફક સમૃદ્ધ બની શકે છે.
રીમેઈનઃ આશરે ત્રણ મિલિયન નોકરીઓ ઈયુ સાથે સંકળાયેલી છે. જો દેશના મતદારો બ્રેક્ઝિટની તરફેણ કરશે તો આ નોકરીઓ અનિશ્ચિતતામાં ઝોકાઈ જશે કારણકે દેશ યુરોપની બહાર રહેશે તો બિઝનેસીસ દ્વારા રોકાણની શક્યતા ઘટશે.
સમૃદ્ધિ
લીવઃ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ સમૃદ્ધ થવા માટે બ્રિટનને ઈયુની જરૂર નથી. કોમનવેલ્થ સાથે નવેસર સંપર્કો બાંધીને યુકે ઈયુમાં રહીને પ્રભાવ ધરાવે છે તેવો જ પ્રભાવ જાળવી શકશે.
રીમેઈનઃ નિક ક્લેગ કહે છે તેમ બ્રિટન ઈયુ છેડશે તો ‘મધ્ય એટલાન્ટિકમાં ઘસડાયા કરશે.’ વૈશ્વિકીકરણના આ વિશ્વમાં યુકેના હિતોનું શ્રેષ્ઠ રક્ષણ ઈયુ બ્લોકનો હિસ્સો બની રહેવાતી જ થશે.
ફાઈનાન્સ
લીવઃ ઈયુની બહાર રહીને લંડન અગ્રણી નાણાકીય કેન્દ્ર બની રહેશે અને કરના નીચા દરોના કારણે બેન્કો બ્રિટનમાં જ હેડક્વાર્ટર્સ રાખવાનું પસંદ કરશે.
રીમેઈનઃ જો બ્રિટન બહાર નીકળવા માટે મતદાન કરશે તો બેન્કો યુકેમાંથી ભાગી જશે અને સિટી ઓફ લંડનનું પતન થશે કારણકે ઈયુમાં રહેવાના વેપારી ફાયદાના લીધે જ બેન્કોના નફાની વૃદ્ધિમાં મદદ મળે છે.
સાર્વભૌમત્વ
લીવઃ બ્રિટિશ પાર્લામેન્ટ હવે સર્વોપરી રહી નથી. ઈયુ ‘વધુ ગાઢ યુનિયન’ બનાવવા મક્કમ છે અને યુરો કટોકટી પછી વધુ આર્થિક એકીકરણ સંભવ છે ત્યારે સંબંધો ગાઢ બને તે પહેલા જ બહાર નીકળી જવું હિતાવહ છે.
રીમેઈનઃ વૈશ્વિકીકરણના આ વિશ્વમાં આર્થિક રીતે સમૃદ્ધ થવા ઈચ્છતા દેશોએ એકબીજા સાથે ગાઢપણે કામ કરવું જ રહ્યું. એકલવાયા રહેવાની ઈચ્છા યુકેને પાછું પાડશે. આ ઉપરાંત, રેફરન્ડમ પછી પણ વડા પ્રધાન ‘એવર ક્લોઝર યુનિયન’ અંગે બહાર જવાનો વિકલ્પ ધરાવશે.
સંરક્ષણ
લીવઃ વડા પ્રધાન દ્વારા અન્ય રાહતોની માગણી સામે એન્જેલા મર્કેલ બ્રિટન ઈયુ આર્મીમાં ફાળો આપે તેવી માગણી મૂકે તેવા અહેવાલ છે. આનાથી યુકેના સ્વતંત્ર લશ્કરી દળોનું ધોવાણ થશે, જેનો વિરોધ થવો જોઈએ.
રીમેઈનઃ યુરોપિયન દેશો સંયુક્તપણે Isil, ત્રાસવાદ અને નવેસરથી ઉભા થતા રશિયાની ધમકીનો સામનો કરી રહ્યા છે. સાથે મળીને કામ કરવાથી યુકેને આ પડકારોનો સામનો કરવામાં મદદ મળશે.