લંડનઃ યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની ચર્ચા કરવા ગુરુવાર, ૧૬ ફેબ્રુઆરીએ ન્યૂ કોર્ટહાઉસ હોટેલ, શોરડીચ ખાતે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રિટનમાં બ્રેક્ઝિટ સંબંધે અને ખાસ કરીને બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર્સ પર જોખમો અંગે ચિંતાના ઘેરાં વાદળો ઝળૂંબી રહ્યાં છે ત્યારે આ કાર્યક્રમનું આયોજન સમયસર હતું. યુકેમાં ભારતીય બેન્કોની કામગીરીને વધતી અનિશ્ચિતતા મધ્યે પણ જરા પણ અસર થઈ નથી અને બ્રિટન હંમેશની માફક વૈશ્વિક ‘ફાઈનાન્સિયલ હબ’ બની રહેશે તેવો વિશ્વાસ સ્થાપિત કરવા માટે આ ચર્ચા થવી આવશ્યક હતી. સર્વશ્રી અલ્પેશ પટેલ, જી.પી. હિન્દુજા, સંજય ચઢ્ઢા, સાઈકત સેન શર્મા, જોગિન્દર સંગર અને સી.બી. પટેલ સહિતના વક્તાઓએ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.
યુકે સરકારના ડીલમેકર, હેજ ફંડ અને પ્રાઈવેટ ઈક્વિટીના સીઈઓ, ફિન્ટેક ઈન્વેસ્ટર, FT ના પૂર્વ કોલમિસ્ટ અને બ્લૂમબર્ગ ટીવીના અલ્પેશ પટેલે કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે કામગીરી બજાવી હતી. તેમણે રસાળ ભાષામાં ભારતીય બેન્કોનું મહત્ત્વ સમજાવવા સાથે ચર્ચાકારોનો પરિચય આપ્યો હતો. અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે,‘આ સમય વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણી સમક્ષ ‘મસાલા બોન્ડ’ અને ‘કોકો બોન્ડ’ છે, યુકેમાં પંજાબ નેશનલ બેન્કની ઓળખ ‘ચેલેન્જર બેન્ક’ તરીકે અપાઈ રહી છે... પહેલોની વાત કરીએ તો બેન્કિંગ ક્ષેત્રમાં ભારતીય બેન્કો અવ્વલ છે. જ્યારે ક્રેડિટ કટોકટી સર્જાઈ ત્યારે પશ્ચિમી બેન્કો જેટલી તકલીફ કે મુશ્કેલી ભારતીય બેન્કોએ સહન કરવી પડી નહિ. વાસ્તવમાં, આ સમગ્ર ગાળામાં ભારતીય બેન્કોને તેમના ડહાપણ અને સંચાલન માટે વધાવી લેવાઈ હતી.’
તેમણે ઉમેર્યું હતું કે,‘ભારતમાં બેન્કિંગ સાથે સંકળાયેલી સંસ્થાઓ ગુણવત્તામાં કોઈનાથી ઉતરતી નથી, શ્રેષ્ઠ છે. ગત ૧૭ વર્ષમાં બેન્કોની અવકાશી ગતિ- પ્રક્ષેપપથ નિહાળો... જે રીતે ભારતીય બેન્કર્સે ડિમોનેટાઈટેઝેશન સ્થિતિને હલ કરી છે, તેમણે કેવી રીતે ૨૦ બિલિયનની જંગી ચલણી નોટ્સ સંબંધિત કામગીરી બજાવી છે તે કલ્પનાતીત છે. યુકેમાં આપણે તેનાથી વિરુદ્ધ જ કર્યું છે, આપણે પાંચ પાઉન્ડની નોટ દાખલ કરી અને તેને બીફનું આવરણ લગાવી દીધું. ભારતીય બેન્કો માટે આ સમય રોમાંચક હોવાનું કહેવા માટે મારી પાસે કારણ પણ છે. ભારતીય બેન્કોએ ગયા વર્ષે કોર્પોરેશન ટેક્સમાં ૬૫૦ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા, જે ગૂગલ, એમેઝોન અને સ્ટારબક્સ દ્વારા ચૂકવાયેલા ટેક્સથી પણ વધુ છે.’ પટેલે ઉમેર્યું હતું કે,‘ભારતમાં બેન્કર્સ આપણે સરકાર સાથે જે કામ પાર પાડીએ છીએ તેનું સૌથી સાચુ ઉદાહરણ છે. સોફ્ટ બેન્ક (Soft Bank) દ્વારા ૧૦૦ બિલિયન ડોલરની ફર્મ સ્થાપવાની જાહેરાત કરાઈ છે- આટલા જંગી નાણા તો સિલિકોન વેલી દ્વારા સમગ્ર વેન્ચર કેપિટાલિઝમમાં એકત્ર કરાયા હતા અને મહત્ત્વની વાત તો એ પણ છે કે એક ભારતીય આ ફર્મનું વડપણ સંભાળશે.’
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘૧૯૯૨માં અમે એટલે કે લોર્ડ ડોલર પોપટ, સુભાષ ઠકરાર અને હું, બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર સર એડ્ડી જ્યોર્જને તેમની ઓફિસમાં મળવા ગયા હતા. આ સમય BCCI (બેન્ક ઓફ ક્રેડિટ એન્ડ કોમર્સ ઈન્ટરનેશનલ) કાચી પડી તે પછીનો હતો. ઓછામાં ઓછાં બે એશિયનની માલિકી અને વહીવટ હેઠળની બ્રિટિશ બેન્કો-ઈક્વિટોરિયલ ટ્રસ્ટ બેન્ક અને માઉન્ટ ક્રેડિટ બેન્ક પર વિના કારણે દબાણ કરાતું હતું અને સર એડ્ડી જ્યોર્જે લિના સંકોચે આ બેન્કોના સંચાલકોને પણ બેઠકમાં આમંત્રણ આપ્યું હતું.’
‘અમે આ બેન્કોના ડિપોઝિટર્સ, ક્રેડિટર્સ અને સ્ટાફ, જેઓ મુખ્યત્વે એશિયન જ હતા, તેમની મુશ્કેલીઓ સંબંધે વિસ્તૃત ડોઝિયેર તૈયાર કર્યું હતું. સર એડ્ડીએ અમારી રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને ખોટી મુશ્કેલીઓ દૂર કરવા સંબંધે યોગ્ય પગલાં લેવાયાં હતાં. અમે જે ડોઝિયેર તૈયાર કર્યું હતું તેમાં ભારતીય બેન્કોએ (તે સમયે બધી જ રાષ્ટીયકૃત હતી) તેમના યુકે ગ્રાહકોને કેવી રીતે બે બિલિયન પાઉન્ડ ધીર્યાં હતાં તે ખાસ જણાવાયું હતું. આજે ઘણી બધી ખાનગી બેન્કો પણ છે અને ભારતીય બેન્કો દ્વારા કરાયેલું ધીરાણ ૧૦ બિલિયન પાઉન્ડથી પણ વધુ હોઈ શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (DfiD) દ્વારા ભારત સહિતના દેશોને ૨૬૫ મિલિયન પાઉન્ડ સહાયરુપે અપાયા છે. હવે ભારતને સહાયની જરુર નથી. વર્તમાન ભારતીય હાઈ કમિશનર વાય કે સિન્હાએ સાચુ જ કહ્યું છે કે અમારે વેપાર માટે વધુ સમાન તક ધરાવતી પરિસ્થિતિ જોઈએ છે.’
સીબીએ આખરમાં જણાવ્યું હતું કે,‘દરેકને એ વાત જણાવવી જ જોઈએ કે રાષ્ટીયકૃત ભારતીય બેન્કો અનેક બિલિયન પાઉન્ડ દ્વારા બ્રિટિશ અર્થતંત્રને મદદ કરી રહી છે. ભારતીય માલિકીની કંપનીઓ મુખ્યત્વે યુકેમાં ૧૦૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી આપી રહી છે.’
પોતાના સંબોધનના સમાપનમાં તેમણે બિઝનેસ ટાયકૂન જીપી હિન્દુજાની પણ પ્રશંસા કરી હતી. તેમણે ભાવભીની સરભરા બદલ હોટેલિયર અને એન્ટ્રેપ્રીન્યોર જોગીન્દર સંગરનો આભાર વ્યક્ત કરવા સાથે ડાયસ્પોરા પ્રત્યે તેમની પરગજુતાને ‘કશું શીખી શકાય’ તેવી ગણાવી હતી.
ઉદ્યોગપતિ જીપી હિન્દુજાએ ઓડિયન્સને જણાવ્યું હતું કે,‘આજે આપણે ભલે તે ડોનાલ્ડ ટ્રમની ચૂંટણી હોય કે બ્રેક્ઝિટ,અનિશ્ચિતતાઓનાં વિશ્વમાં જીવી રહ્યા છીએ.... પરંતુ એક વાત હું નિશ્ચિતતા સાથે કહી શકું તેમ છું કે ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ભારત શ્રેષ્ઠ સ્થળ છે અને યુકેમાં કાર્યરત ભારતીય બેન્કો પાસે યુકેમાં નંબર વન બનવાની તમામ ક્ષમતા છે. ભારતીય બેન્કો પાસે સ્રોતો મર્યાદિત હશે પરંતુ , તેમની પાસે અમાપ કૌશલ્ય છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ભારતીય બેન્કોને સંગઠિત થવા તેમજ તેઓ ભારત અને યુકે વચ્ચેના વેપારી સંબંધો કેવી રીતે સુધારી-વધારી શકે તે જોવાં પ્રોત્સાહિત કરવી જોઈએ.’
તેમણે યુકેની ભારતીય બેન્કોને નાના અને મધ્યમ કક્ષાના એન્ટરપ્રાઈસીસ (SMEs)ને સપોર્ટ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થન સાથે ‘યુકેસ્થિત આપણી ભારતીય બેન્કો સૌથી મોટી બની જશે.’
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રિજિયોનલ વડા અને યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સના અધ્યક્ષ સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે,‘ભારતીય ડાયસ્પોરા સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે પરંતુ, યુકે ડાયસ્પોરાએ સૌથી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. કોર્નર શોપ્સનો વહીવટ કરતા કરતા તેઓ દેશના સૌથી મોટા અને સૌથી જટિલ બિઝનેસીસનું સમર્થ સંચાલન કરતા થયા છે, કર્મચારીમાંથી સૌથી મોટા એમ્પ્લોયર્સ બન્યા છે. ડાયસ્પોરાના પરિવર્તનની સાથોસાથ યુકેમાં ભારતીય બેન્કો પણ બદલાતી રહી છે. ભારતીય ડાયસ્પોરાની બદલાતી જરૂરિયાતોને સુસંગત રહેવા અને ઘણી વખત તો હાઈ સ્ટ્રીટ બેન્ક્સ દ્વારા ખાલી કરાયેલા સ્થાનને ભરવા નવી પ્રોડક્ટ્સ અને સેવાઓ વિકસાવવા ભારતીય બેન્કો આગળ આવી છે. ભારતીય બેન્કો સારા ડિપોઝિટ્સ રેટ્સ, ભારત માટે શ્રેષ્ઠ રેમિટન્સ રેટ્સ ઓફર કરે છે એટલું જ નહિ, હવે શ્રેષ્ઠ બાય ટુ લેટ અને કોમર્શિયલ મોર્ગેજ પ્રોડક્ટ્સ પણ ઓફર કરે છે. તાજેતરના ભૂતકાળ સુધી ભારતીય બેન્કો યુકેમાં મોટા શમિયાણાઓમાં સોદાઓ કરવાની નામના ધરાવતી હતી અને આ સફળતાને આગળ ધપાવવા અમે કાર્યરત રહીશું.’
ચઢ્ઢાએ યુકેમાં તેમની બેવડી હાજરી અંગે વાત કરતા SBI અને બેન્ક ઓફ બરોડા આગામી છ મહિનામાં રેગ્યુલેટરી જરૂરિયાતો પરિપૂર્ણ કરવા સાથે સબસિડીયરીમાં પરિવર્તિત થવા જઈ રહી હોવાને સમર્થન આપ્યું હતું. આ પછી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડા તેમના હોલસેલ બિઝનેસ માટે બ્રાન્ચ તરીકે કામગીરી કરશે, જ્યારે રીટેઈલ ઓપરેશન્સ માટે સબસિડીયરીની કામગીરી સંભાળશે. ‘અમે કદાચ યુકે સૌથી મોટું નામ નહિ ધરાવતા હોઈએ છતાં અમારા ક્લાયન્ટ્સને સૌથી સ્પર્ધાત્મક પ્રોડક્ટ્સ અને સેવાઓની ઓફર કરીએ છીએ અને અમે આગળ વધતા જઈશું તેમ ભારતીય બેન્કો યુકે ઈકોનોમીમાં ફાળો આપવાની વિશાળ ભૂમિકા ભજવશે અને અમે આ માટે સાત દિવસના બેન્કિંગ જેવી સેવા ઓફર કરવા પણ સજ્જ છીએ.’
લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતેના ઈકોનોમિક કાઊન્સેલર સાઈકાત સેન શર્માએ ચર્ચાના સમાપનમાં જણાવ્યું હતું કે,‘આપણા બે દેશ વચ્ચેના સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારી ઘણી જ સારી છે. યુકેના વડા પ્રધાન થેરેસા મેની તાજેતરની ભારત મુલાકાત સાથે આ સંબંધોમાં વૃદ્ધિ થઈ છે. આપણે યુકેમાં સૌથી મોટા ઈન્વેસ્ટર્સમાંના એક છીએ, ૧૦૦,૦૦૦થી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે અને યુકે પણ ભારતમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોમાં ત્રીજો ક્રમ ધરાવે છે. ભારત બ્રેક્ઝિટને મોટી તક તરીકે નિહાળે છે અને અમને વિશ્વાસ છે કે લંડન વૈશ્વિક ફાઈનાન્સિયલ કેન્દ્ર તરીકે તેનું સ્થાન જાળવી રાખશે.
‘અત્યારે ભારતીય ડાયસ્પોરા યુકેના જીડીપીમાં ૬ ટકાનો ફાળો આપી રહેલ છે. ફાઈનાન્સિયલ સેક્ટર્સમાં સુધારા, મસાલા બોન્ડ્સ ગતિ પકડી રહ્યાં છે. ભારતીય બેન્કો તેમની ભૂમિકા સુપેરે નિભાવી રહી છે અને પાઉન્ડના અવમૂલ્યનની મદદ મળી રહી છે ત્યારે, અહીંના ઉદ્યોગોએ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા સાથે નજર સામેની નવી તકો શોધવાનું કામ પણ કરવું જોઈશે.’
હોટેલિયર અને માસક્રોફ્ટ લિમિટેડના ચેરમેન જોગીન્દર સંગરે ડાયસ્પોરાના વખાણ કરતા ટુંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે,‘ભારતીયો ભારે પરિશ્રમી હોય છે, તેઓ ગંભીરતા અને પ્રામાણિકતા સાથે કામ કરે છે. પરંતુ, મારા પિતા કહેતા તેમ આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે નાણા તમારા પર અંકુશ જમાવે તેમ થવું ન જોઈએ, તમારે નાણા પર કન્ટ્રોલ રાખવો જોઈએ.’
શ્રી જોગિન્દર સંગર અને તેમના પત્નીએ તેમના પુત્ર ગીરીશ અને પુત્રી રીમા સાથે મળીને માત્ર વિશાળ બિઝનેસ સામ્રાજ્યને જ વિકસાવ્યું નથી પરંતુ ખાસ કરીને યુકે તેમજ ભારતમાં પણ કેટલીક સંસ્થાઓ અને નોંધપાત્ર પ્રોજેક્ટ્સને અમૂલ્ય સેવા આપનારા સફળ બ્રિટિશ ભારતીય એન્ટ્રેપ્રીન્યોર્સમાં વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે.
સંગર પરિવારના સાથ અને ઉદારતાનો લાભ ભારતીય વિદ્યા ભવન, બાલાજી ટેમ્પલ અને ઘણી સંસ્થાઓને પ્રાપ્ત થયો છે.