લંડનઃ બ્રિટિશ નાગરિકો બ્રેક્ઝિટ પછી પણ વિઝામુક્ત પ્રવાસ કરી શકશે. આ માટેની દરખાસ્તને ઈયુ નેતાઓએ બહાલી આપી છે. યુકે અને ઈયુ વચ્ચે માર્ચ ૨૯ સુધીમાં કોઈ સમજૂતી થાય કે ન થાય (નો-ડીલ બ્રેક્ઝિટ) તો પણ વિઝામુક્ત પ્રવાસ કરી શકાશે. આ પ્રવાસ ત્રણ મહિનાની મુદત સુધીનો રહેશે અને ઈયુમાં કામ કરવાના અધિકારનો તેમાં સમાવેશ થતો નથી. બ્રિટને પણ બ્રેક્ઝિટ પછી યુકે આવનારા પર્યટકો માટે આ પ્રકારની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આવી વ્યવસ્થાથી આર્જેન્ટિના અને જાપાન સહિત ઘણા દેશોને ફાયદો થયો જ છે.
યુકે ઈયુ છોડે તેના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાર્લામેન્ટમાં બ્રેક્ઝિટ સમજૂતી અંગે ભારે અચોક્કસતા સર્જાવાથી રજાઓ ગાળવા માટે યુરોપમાં કઈ રીતે જવું અને બુકિંગ કરાવવામાં દ્વિધા અનુભવતા લોકો માટે આ સમાચાર ભારે રાહતરુપ છે. બીજી તરફ, આ પગલા છતાં બ્રસેલ્સના વિઝામુક્ત નિયમના મુસદ્દામાં જિબ્રાલ્ટરનો ઉલ્લેખ ‘બ્રિટિશ કોલોની’ તરીકે કરાતા બ્રિટને તેનો વિરોધ કર્યો હતો. સ્પેન જિબ્રાલ્ટરનો પોતાનો વિસ્તાર ગણાવે છે.
યુરોપિયન પાર્લામેન્ટ કમિટીના ટેકા સાથેના પ્રસ્તાવને ઈયુ નેતાઓએ પસાર કર્યો હતો. ઈયુ વિઝાની છૂટછાટ ત્રણ મહિનાના ટુંકા પ્રવાસ માટે જ હશે અને હાલ આર્જેન્ટિના, યુક્રેન અને જાપાન સહિત વિશ્વના ૬૦ દેશ આ સુવિધાનો લાભ મેળવી રહ્યા છે. આ સુવિધા મુખ્યત્વે બિઝનેસ અને ટુરિઝમ સંબંધિત જ છે અને તેમાં ઈયુમાં કામ કરવાના અધિકારને આવરી લેવાયો નથી.
ઈયુના નિયમો અનુસાર વિઝામાં છૂટછાટ પરસ્પર છૂટની શરતો પર આધારિત હોય છે. યુનાઈટેડ કિંગ્ડમની સરકારે પણ જણાવ્યું છે કે ઈયુના નાગરિકો ટુંકી મુદત માટે યુકે આવતા હોય તો તેમની પાસે વિઝાની જરૂરિયાત રાખવાનો તેનો ઈરાદો નથી. જો ભવિષ્યમાં યુકે ઈયુના એક દેશના નાગરિકો માટે પણ વિઝાની જરૂરિયાત રાખે તો ઈયુના દેશો તરફથી આ છૂટછાટ બંધ થઈ જશે. જો વડા પ્રધાન થેરેસા મે ઈયુ સાથેની પોતાની બ્રેક્ઝિટ સમજૂતી બ્રિટિશ પાર્લામેન્ટમાં પસાર કરાવી શકે અથવા નો-ડીલ બ્રેક્ઝિટના સંજોગોમાં પણ આ બહાલી લાગુ પડશે.