બ્રેક્ઝિટ પછી બજેટમાં ભારે કરવેરા અને ખર્ચકાપની ઓસ્બોર્નની ચેતવણી

Monday 20th June 2016 10:56 EDT
 
 

લંડનઃ ઈયુ રેફરન્ડમનું પરિણામ બ્રેક્ઝિટની તરફેણમાં આવશે તો બ્રિટિશ પ્રજાએ ભારે કરવેરા અને ખર્ચકાપ સાથેના કડક બજેટ માટે તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને આપી છે. લેબર પાર્ટીના શેડો ચાન્સેલર એલિસ્ટર ડાર્લિંગ પણ આ મુદ્દે ઓસ્બોર્ન સાથે સહમત થયા હતા. જો બ્રિટન ઈયુની બહાર જશે તો કોઈ પણ સરકારે ઈમર્જન્સી બજેટ આપવું પડે અને તેમાં વિશેષ પગલાં તરીકે અંદાજે ૩૦ બિલિયન પાઉન્ડના ખર્ચકાપ અને ભારે કરવેરા લાદવાની ફરજ પડશે તેમ ઓસ્બોર્ન અને ડાર્લિંગે જણાવ્યું છે. આનાથી રીમેઈન છાવણી પ્રોજેક્ટ ફીઅર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનો આક્ષેપ થયો છે. અગાઉ, વડા પ્રધાન કેમરને લાખો પેન્શનરોને હેલ્થકેર અને પેન્શનમાં મુશ્કેલી સર્જાશે તેવી ચેતવણી આપી હતી.

વર્તમાન અને પૂર્વ ચાન્સેલરે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટના કારણે જાહેર સેવા માટેના ભંડોળમાં બ્લેક હોલ જેવી મોટી ખાધ સર્જાશે તેને પૂરવા ઈમર્જન્સી બજેટ આપવું પડશે. ડાર્લિંગે કહ્યું હતું કે ૨૦૦૮ની નાણાકીય કટોકટીના સમય કરતા પણ ઈયુમાંથી બ્રિટનના બહાર નીકળવાની ભારે અસર સહન કરવાની આવશે.

ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝ દ્વારા અંદાજ મૂકાયો હતો કે ઓછાં વેપાર, ઘટેલા રોકાણ અને કરવેરાની આવકમાં ઘટની અસરો યુકેને ભોગવવી પડશે. ટેક્સમાં ૧૫ બિલિયન પાઉન્ડનો વધારો કરવો પડશે, જેમાં ઈન્કમ ટેક્સનો બેઝિક રેટ બે પેન્સ વધારી ૨૨ ટકા, ઊંચા દરમાં ત્રણ પેન્સ વધારી ૪૩ ટકા અને ઈન્હેરિટન્સ ટેક્સમાં પાંચ પેન્સના વધારા સાથે ૪૫ પેન્સ કરવાનો સમાવેશ થશે. આલ્કોહોલ અને પેટ્રોલ ડ્યુટીઝમાં પાંચ ટકાનો વધારો કરાશે. આ ઉપરાંત, ૧૫ બિલિયન પાઉન્ડના નવા ખર્ચકાપ લાદવાની ફરજ પડશે, જેમાં NHS, એજ્યુકેશન અને ડિફેન્સ પાછળનો ખર્ચ બે ટકા સુધી ઘટાડવાની વાત આવે છે. આનો અર્થ એ થાય કે હેલ્થ સર્વિસમાં વાર્ષિક ૨.૫ બિલિયન પાઉન્ડ, ડિફેન્સમાં વાર્ષિક ૧.૨ બિલિયન પાઉન્ડ અને એજ્યુકેશન ક્ષેત્રમાં વાર્ષિક ૧.૫ બિલિયન પાઉન્ડનો ખર્ચકાપ મૂકવો પડશે. પેન્શન પાછળના ખર્ચમાં વાર્ષિક ૨ બિલિયન પાઉન્ડનો કાપ આવી શકે છે. હોમ ઓફિસ અને પોલિસિંગ, ટ્રાન્સપોર્ટ અને લોકલ ગવર્મેન્ટ સહિતના ક્ષેત્રોમાં પાંચ ટકાનો ખર્ચકાપ આવી શકે છે, જેનાથી ૫.૮ બિલિયન પાઉન્ડની બચત શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter