લંડનઃ યુકેસ્થિત પોલિશ રાજદૂત અર્કાડી રેઝેગોસ્કીએ યુકેમાં વસતાં ૮૦૦,૦૦૦ પોલિશ નાગરિકોને બ્રેક્ઝિટ પછી વતનમાં પાછાં ફરવા અપીલ કરતા પત્રો પાઠવ્યા છે. તેમણે ૩૧ ઓક્ટોબરે બ્રિટનના બહાર નીકળવા વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે યુકેમાં પોલિશ નાગરિકોના માત્ર ૨૭ ટકાએ જ વસાહતી દરજ્જા માટે અરજી કરી છે.
એમ્બેસેડર રેઝેગોસ્કીએ પત્રમાં લખ્યું છે કે, ‘ હું તમને માતૃભૂમિમાં પરત ફરવાનું ગંભીરપણે વિચારવા પ્રોત્સાહિત કરી રહ્યો છું. આપણા દેશનું ઝડપથી વધતું અર્થતંત્ર નાગરિકો માટે વિકાસ અને સારા જીવનધોરણની વધુ તકોનું સર્જન કરી રહ્યું છે. પાંચ-દસ વર્ષના અગાઉના કરતા વર્તમાન પોલેન્ડ અલગ છે. પેઢીઓથી હજારો પોલ નાગરિકોનું ઘર બની રહેલું ગ્રેટન બ્રિટન ટુંક સમયમાં યુરોપિયન યુનિયનનું સભ્ય નહિ રહે. અમને તેનો ખેદ છે પરંતુ, અમે આ પ્રક્રિયાને આપણા બે દેશો માટે બંધન મજબુત બનાવવાની તક તરીકે નિહાળીએ છીએ.’
યુકેમાં ૧૦૧૬થી વોર્સોનું પ્રતિનિધિત્વ કરી રહેલા એમ્બેસેડર રેઝેગોસ્કીએ બીબીસી રેડિયો ૪ના ટુડે પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે પોલિશ નાગરિકોના માત્ર ૨૭ ટકાએ જ યુકેના સેટલ્ડ સ્ટેટસ માટે અરજી આપી છે, જેનું પ્રમાણ ઘણું ઓછું કહેવાય. તેમણે કહ્યું હતું કે સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરનારા ઈયુ નાગરિકોમાં ૪૨ ટકાને સમસ્યા ઉભી થઈ છે. ઘણાને પ્રી-સેટલ્ડ સ્ટેટસ મળ્યું છે. ઘણાં લોકોને ખબર નથી કે અહીં વર્ષોથી રહેતાં હોવાં છતાં તેમણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
કેટલાં પોલિશ નાગરિકો વતન પાછાં ફરશે તે પ્રશ્નના ઉત્તરમાં રાજદૂતે જણાવ્યું હતું કે આગાહી કરવી મુશ્કેલ છે. ગયા વર્ષે ૧૧૬,૦૦૦ લોકો દેશમાં પરત આવ્યાં હતાં. હજુ એક મિલિયન જેટલાં પોલિશ નાગરિકો યુકેમાં છે.