લંડનઃ વડા પ્રધાન થેરેસા મેની સરકારે બ્રેક્ઝિટ બ્લૂ પ્રિન્ટમાં સંસદની સર્વોપરિતાના મુદ્દે હાઉસ ઓફ કોમન્સમાં ટોરી બળવાખોરીના પરિણામે પરાજય સહન કરવો પડ્યો છે. બ્રેક્ઝિટ અંગે અંતિમ સમજૂતી કે કરારના નિર્ણયો લેવાના મુદ્દે પાર્લામેન્ટને વધુ અધિકાર આપતા ટોરી બળવાખોરોના સુધારાને ૩૦૯ વિરુદ્ધ ૩૦૫ મતોથી પસાર કરાયો હતો. આ પછી, બ્રેક્ઝિટની આખરી તારીખ કાયદામાં મુકવાના મુદ્દે પરાજયનો સામનો ન કરવો તે માટે થેરેસા મેએ બળવાખોરો સાથે સમાધાન કરી લીધું છે. ટોરી બેકબેન્ચર્સ દ્વારા ઈયુ વિથ્ડ્રોઅલ બિલમાં વધુ એક સુધારો રજૂ કરાયો છે, જે મુજબ મિનિસ્ટર્સ જરુર લાગે તો તારીખને લંબાવી શકશે અને ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા આ સુધારો સ્વીકારી લેવાશે. સરકાર દ્વારા બ્રેક્ઝિટની તારીખ અને સમય ૨૯ માર્ચ ૨૦૧૯ની રાત્રે ૧૧.૦૦ કલાકનો રખાયો છે. સાંસદોએ કહ્યું હતું કે રજૂ થયેલી બ્લૂ પ્રિન્ટ મુજબ આગળ વધતાં યુરોપીય સંઘના સભ્યપદેથી વિદાય લેવાની કાર્યવાહી ભયમાં મુકાઈ શકે છે.
જૂન મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ બહુમતી ગુમાવી દીધા પછી થેરેસા મે સરકારને આ બીજો આંચકો મળ્યો છે. બ્લૂ પ્રિન્ટ પરનો સુધારો સંસદમાં પસાર થતાં જ થેરેસા મે સરકારને એક વધુ આંચકો લાગ્યો હતો.
બ્રિટિશ પાર્લામેન્ટે ‘યુરોપીય યુનિયન વિથ્ડ્રોઅલ બિલ’ પર ચર્ચા કરી હતી. આ ખરડો બ્રિટનમાં ૧૯૭૨માં પસાર થયેલા કાયદાનું સ્થાન લેશે. ૧૯૭૨માં ઘડાયેલો કાયદો બ્રિટનને યુરોપીય સંઘ સાથે રહેવા બાધ્ય કરતો હતો.આ ચર્ચા દરમિયાન કન્ઝર્વેટિવ પક્ષના બળવાખોર સાંસદો અને પૂર્વ એટર્ની જનરલ ડોમિનિક ગ્રીવે ખરડામાં સુધારો રજૂ કર્યો હતો. સાસંદોએ બ્રેક્ઝિટના અમલ માટે યુરોપીય સંઘ સાથે જે સમજૂતી થાય અને તેના પગલે જે કાયદો ઘડાય તેના પર અર્થપૂર્ણ મતદાનના અધિકારની માગણી કરી હતી. અર્થપૂર્ણ મતદાનનો મુદ્દો સંસદના બંને ગૃહોની ચર્ચાને અંતે આગળ પર સમાવવા પ્રયાસ થશે તેવી સરકારની સમજાવટ પણ નિષ્ફળ રહી હતી. સરકારે સાંસદો સમક્ષ ભીતિ વ્યક્ત કરી હતી કે સુધારાને પગલે બ્રેક્ઝિટ વાટાઘાટો હાથ ધરવામાં તે નબળી પડશે.
આ પરાજયનો અર્થ શું છે?
સરકારના પરાજયનો અર્થ એ છે કે પાર્લામેન્ટ હવે બ્રસેલ્સ સાથે થેરેસા મેની ફાઈનલ બ્રેક્ઝિટ સમજૂતીને ‘સ્વીકારવા કે ફગાવી દેવા’નું મતદાન કરી શકશે. જો સમજૂતી ફગાવી દેવાય તો બ્રિટન ઈયુ સાથે કોઈ ડીલ વિના જ બહાર નીકળી જશે. બળવાખોરોનો વિજય થવા છતાં તેઓ બ્રેક્ઝિટ અટકાવી શકશે નહિ તે પણ હકીકત છે. વધુમાં વધુ તેઓ તારીખ લંબાવવા દબાણ કરી શકશે. હજુ ઘણી ચર્ચા અને મતદાન પછી જાન્યુઆરીમાં બિલ વધુ ચકાસણી અને ફેરફાર અર્થે કોમન્સમાં આવશે. આ પછી તેને હાઉસ ઓફ લોર્ડ્સમાંથી પસાર થવાનું રહેશે.જોકે, બળવાખોરોને ભય છે કે આ મતદાન એટલું વિલંબથી આવશે કે તેમને બ્રેક્ઝિટના અર્થપૂર્ણ ઘડતરમાં આખરી અવાજ નહિ મળે. પાર્લામેન્ટમાં મતદાન મુદ્દે સાંસદો અને લોર્ડ્સને કોઈ પણ સમજૂતીમાં સુધારાની તક સાંપડશે. આમ કરીને તેઓ થેરેસા મેને ફરી મંત્રણના ટેબલ પર આવવા ફરજ પાડી શકશે.
થેરેસાને હરાવવા ૧૧ બંડખોર પૂરતા છે
મતદાન અગાઉ જ ત્રણ બળવાખોરને પોતાના પક્ષે લાવવા ભારે ધમપછાડા કરવા છતાં થેરેસા મે પરાજય ખાળી શક્યાં ન હતાં. ૧૧ ટોરી બળવાખોરોમાં ડોમિનિક ગ્રીવ, હેઈદી એલન, કેન ક્લાર્ક, નિકી મોર્ગન, અન્ના સોબ્રી, સારાહ વોલાસ્ટન, બોબ નેઈલ, સ્ટીફન હેમન્ડ, ઓલિવર હીલ્ડ, એન્ટોઈનેટે સેન્ડબાક અને જોનાથનજાનોગ્લીનો સમાવેશ થાય છે. ૧૨મા બળવાખોર જ્હોન સ્ટીવન્સને હા અને ના એમ બન્ને તરફ મતદાન કરતા તેમને ગેરહાજર ગણવામાં આવ્યા હતા.