લંડન, બ્રસેલ્સઃ યુરોપિયન સંઘના વડા ડોનાલ્ડ ટસ્કે બ્રિટનને આગામી માર્ચથી શરુ થતાં બ્રેક્ઝિટ અંગે ફેર વિચારણા કરવા વિનંતી કરી હતી. બેક્ઝિટને વાસ્તવિક બનવામાં સમય ઓછો છે અને બ્રિટન કેવી રીતે પોતાનું ભાવિ નિહાળશે તે મુદ્દે સંઘના નેતાઓ વધુ વિગતોની રાહ જોઇ રહ્યા છે. ‘જો બ્રિટિશ સરકાર ઈયુ છોડવાના નિર્ણયને વળગી રહેશે તો, બ્રેક્ઝિટ હકીકત બની જશે અને જ્યાં સુધી બ્રિટન નિર્ણયમાં ફેરફાર નહિ કરે તો તેની તમામ નકારાત્મક અસરો શરુ થઇ જશે’, એમ ટસ્કે ફ્રાન્સમાં યુરોપિયન સંઘના સાસંદોને કહ્યું હતું.
યુરોપિયન સંઘના નેતાઓની શિખર પરિષદનું નેતૃત્વ અને તેમના વતી બોલી રહેલા ટસ્કે યુકે બ્રેક્ઝિટના રાજદૂત ડેવિડ ડેવિસને ટાંક્યા હતા જેમણે કહ્યું હતું કે, ‘જો લોકશાહી તેનો વિચાર ના બદલે તો એ લોકશાહી તરીકે મટી જાય છે.' અહીંયા આપણાં હદય બદલાયાં નથી. અમારાં દિલ આજે પણ ખુલ્લાં છે. યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-કલૌડ જંકરે ઉમેર્યું હતું કે ‘મને લાગે છે કે લંડનમાં અમારી વાત સ્પષ્ટ રીતે સમજાશે’.
૨૯ માર્ચ, ૨૦૧૯ના રોજ બ્રિટન યુરોપિયન સંઘમાંથી નીકળી જશે, પરંતુ કોઇપણ કરારને રદ કરવા માટે સંસદને સમય આપવા માટે એની વિદાય અને યુકે-ઈયુ વચ્ચેના ભાવિ સબંધોની ચર્ચા ઓકટોબર સુધીમાં પુરી કરવી પડશે. બ્રેક્ઝિટ વિદાયની મંત્રણાઓ દુ:ખદ રીતે ખૂબ જ મંદ ગતિએ ચાલી રહી છે, યુરોપિયન સંઘ બ્રિટન સાથે ભાવિ સબંધો અંગે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે આ સંબંધોને કેવી રીતે જોશે તેની વિગતો નેતાઓ ઇચ્છે છે.