લંડનઃ બ્રિટન ઈયુ છોડવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર વેપારસોદાઓની શોધમાં યુકેના મિનિસ્ટરો દ્વારા સત્તાવાર વિદેશપ્રવાસો પાછળ ૧.૩ મિલિયન પાઉન્ડથી વધુનો પ્રવાસખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં વડા પ્રધાન થેરેસા મે દ્વારા ‘વાસ્તવિક ગ્લોબલ બ્રિટન’ના સર્જનનું વચન પણ અપાયું છે. ફોરેન ઓફિસે જૂન ૨૦૧૬ રેફરન્ડમ પછી મિનિસ્ટરોના પ્રવાસ બજેટને ૭૦ ટકાથી વધુની વૃદ્ધિ સાથે ૨૬૦,૦૦૦ પાઉન્ડ કર્યું છે. યુરોપની જવાબદારી હવે ફોરેન ઓફિસની રહી નથી ત્યારે પણ આ વધારો થયો છે. આ પ્રવાસોમાં ભારતના સૌથી વધુ પ્રવાસ કરાયા હતા અને વડા પ્રધાન થેરેસા મેના ભારતપ્રવાસનું બિલ સૌથી વધુ એટલે કે ૩૩૮,૭૬૩ પાઉન્ડનું હતું.
ડો. લિઆમ ફોક્સ અને તેમના મિનિસ્ટરોએ વેપારસોદાઓની તલાશમાં સમગ્ર વિશ્વ ખુંદી નાખ્યું છે અને નવા રચાયેલા ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડનું બિલ ૧૩૧,૦૦૦ પાઉન્ડનું થયું હતું. સમગ્ર સરકારની વાત કરીએ તો, યુએસએના ૨૫ અને ચીનના ૧૩ પ્રવાસ યોજાયા હતા. બીજી તરફ, ડિપાર્ટમેન્ટ ફોર એક્ઝિટિંગ ધ યુરોપિયન યુનિયન દ્વારા યુરોપ ખંડના પ્રવાસ પાછળ માત્ર ૪,૪૩૦ પાઉન્ડ ખર્ચવામાં આવ્યા હતા.
મોટા ભાગના લાંબા અંતરના પ્રવાસ બિઝનેસ ક્લાસમાં કરાયા હતા અને તેમાં અધિકારીઓના ખર્ચનો સમાવેશ થતો નથી. મોટા ભાગના કેબિનેટ મિનિસ્ટર્સ પ્રવાસમાં ઓછામાં ઓછાં ૩ સિવિલ સર્વન્ટ્સને સાથે રાખે છે. દરેક મિનિસ્ટરે રજિસ્ટર્ડ ટ્રિપ પાછળ આશરે ૩૨,૦૦૦ પાઉન્ડ ખર્ચ્યા હતા. ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ૧૫થી વધુ સ્થળોના ૪૫,૦૦૦ માઈલથી વધુના પ્રવાસ માટે ૮૮,૨૮૮ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. તેમના જુનિયર મિનિસ્ટર અને સાંસદ આલોક શર્માએ ૯૩,૦૦૦ માઈલથી વધુના પ્રવાસ માટે ૪૭,૭૭૧ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી ડો. લિઆમ ફોક્સે ભારત, યુએસ, યુએઈ અને સાઉથ અમેરિકાના પ્રવાસ પાછળ કુલ ૩૭,૩૪૫ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. ભારત સાથે બ્રેક્ઝિટ પછીના સંભવિત સોદાઓ ચર્ચવા ચાન્સેલર ફિલિપ હેમન્ડ અને એનર્જી મિનિસ્ટર ગ્રેગ ક્લાર્કે આ મહિનાના આરંભે ભારતની મુલાકાત લીધી હતી, જે માટે તેમનો પ્રવાસખર્ચ અનુક્રમે ૨૯,૩૧૧ પાઉન્ડ અને ૨૯,૧૦૯ પાઉન્ડ હતો. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ મિનિસ્ટર પ્રીતિ પટેલે ત્રણ મહિનામાં ૨૩,૦૮૫ પાઉન્ડ પ્રવાસ માટે ખર્ચ્યાં હતાં.
ડાઉનિંગ સ્ટ્રીટનું પ્રવાસબિલ સૌથી વધુ ૬૩૯,૦૦૦ પાઉન્ડનું હતું, જેમાંથી અડધોઅડધ બિલ ૩૩૮,૭૬૩ પાઉન્ડ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે વડા પ્રધાન થેરેસા મેએ નવેમ્બર ૨૦૧૬માં નવી દિલ્હી અને બેંગ્લોરનો પ્રવાસ કર્યો તેનું હતું.
લિબરલ ડેમોક્રેટ નેતા ટીમ ફેરોને જ્હોન્સન અને ડો. ફોક્સના ખર્ચની આકરી ટીકા કરી હતી, જ્યારે ટેક્સપેયર્સ એલાયન્સના કેમ્પેઈન મેનેજર હેરી ડેવિસે જણાવ્યું હતું કે આવા ખર્ચ પાછળ કોઈ કારણ હોય છે પરંતુ, તેમાં વાજબીપણું હોવું જોઈએ. આ મુદ્દે ફોરેન ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેના મિનિસ્ટર્સે પોતાની ફરજ નિભાવવા ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. તેમના પ્રવાસોનો મુખ્ય હેતુ વેપાર તકોને ઉત્તેજન આપવાની સાથોસાથ શાંતિની જાળવણી અને ત્રાસવાદના પરાજય માટે ભાગીદારીનું નિર્માણ કરવા માટેનો પણ હતો.