લંડનઃ યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળવા સાથે ઈયુના બજેટમાં મોટો ખાડો પડ્યો છે. ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ્સ, ડેનમાર્ક અને સ્વીડને તો ગરીબ પ્રદેશોને મદદ કરવા, ક્લાઈમેટ ચેન્જના પડકાર સામે લડવા અને બજેટમાં પૂરવણી કરવાના ઈયુના એક ટ્રિલિયન યુરોની સાત વર્ષની યોજનામાં સાથ આપવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે. બ્રિટન ઈયુમાંથી બહાર નીકળ્યું તેના કારણે સંગઠનના બજેટમાં ૭૫ બિલિયન યુરો (૬૩ બિલિયન પાઉન્ડ)ની ઘટ પડી છે.
બ્રસેલ્સમાં ઈયુના ૨૭ સભ્ય દેશો વચ્ચે બ્રેક્ઝિટ પછી પ્રથમ બજેટ ચર્ચા મડાગાંઠ અને કડવાશ સાથે પૂર્ણ થઈ હતી. ઈયુના ચાર ધનિક દેશો ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ્સ, ડેનમાર્ક અને સ્વીડને બ્રેક્ઝિટના કારણે સર્જાયેલી ૭૫ બિલિયન યુરો (૬૩ બિલિયન પાઉન્ડ)ની ઘટનો ભાર પોતાના શિરે લેવાનો ઈનકાર કરી દીધો હતો.
સભ્ય દેશો ખર્ચ બાબતે સહમત થઈ શક્યા નથી. આસમાને જતાં બજેટથી ચિંતિત જર્મની ક્લાઈમેટ ચેન્જ માટે વધુ નાણા ખર્ચવા ઈચ્છે છે જ્યારે ફ્રાન્સ સંયુક્ત સુરક્ષા માટે વધુ નાણા માગે છે. બીજી તરફ, ગરીબ સભ્ય દેશો તેમને મળતી સહાયમાં કાપ ન મૂકાય તે માટે મક્કમ છે. ગરીબ દેશો ૧.૩ ટકા ભંડોળ માગી રહ્યા છે જે શક્ય જણાતું નથી. ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ્સ, ડેનમાર્ક અને સ્વીડન બજેટની ખાધ પૂરવા વધુ નાણા આપવા તૈયાર નથી. ઈયુ દ્વારા ૨૦૨૧-૨૦૨૭ના ગાળા માટે સંયુક્ત જીડીપીના ૧.૦૮ ટકા નાણાની માગણી કરવામાં આવી છે પરંતુ, ચાર ધનિક દેશો વર્તમાન એક ટકાની ફાળવણીથી આગળ વધવા માગતા નથી. ફ્રાન્સ સહિતના દેશો બ્રેક્ઝિટથી પડેલી ખોટ સરભર કરવા ખર્ચમાં ઘટાડા માટે પણ તૈયાર નથી. જો આ વર્ષના અંત સુધીમાં કોઈ સમજૂતી શક્ય ન બને તો મોટા ભાગના પ્રોજેક્ટ્સ બંધ કરી દેવાની ફરજ પડી શકે છે.