લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે સ્વીકાર્યું છે કે બ્રેક્ઝિટના કારણે યુકે માટે યુરોપમાં નિકાસો મુશ્કેલ બની છે. ચાન્સેલરે કહ્યું હતું કે યુકેના બિઝનેસીસ સામે નવું રેડ ટેપિઝમ મોટું કારણ છે જેનાથી અન્ય અર્થતંત્રોના નિકાસકારોની સરખામણીએ તેમના પરફોર્મન્સને નુકસાન પહોંચ્યું છે. સુનાકે 2016માં યુરોપિયન યુનિયન છોડવાની તરફેણ કરી હતી.
ચાન્સેલરે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટના કારણે લોકોએ યુરોપમાં માલસામાન મોકલવા શું કરવું તેના નવા અંકુશો ઉભા થયા છે. આના પરિણામે યુકેના નિકાસકારો અન્ય દેશોની સરખામણીએ પાછા પડે છે. યુકેના સૌથી મોટા બિઝનેસ પાર્ટનર ઈયુ સાથે વેપારી સંબંધો બદલાવાથી વેપારપ્રવાહો પર તેની અસરો થવાની જ હતી. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે .યુકે ઓછી વેપારતીવ્રતાની ઈકોનોમી બની છે અને અન્ય G7 દેશોની સરખામણીએ તેની જીડીપીમાં વેપારનો હિસ્સો 2.5 ગણો ઘટી ગયો છે. બ્રેક્ઝિટના કારણે દેશના સૌથી મોટા વેપાર પાર્ટનર સાથે વેપાર કરવો ખર્ચાળ બન્યો છે. યુકેએ બ્રેક્ઝિટ સાથે ઈયુનું સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયન છોડવું પડ્યું છે અને બિઝનેસીસ યુરોપીય દેશો સાથે અગાઉની જેમ સરળતાથી વેપાર કરી શકતા નથી. વિવિધ પ્રકારના ચેકિંગ અને પેપરવર્કથી સમય વધારે જાય છે. માલની આયાતોમાં પણ પેપરવર્ક નડે છે.
ટ્રેઝરી સિલેક્ટ કમિટીના સાંસદો સમક્ષ સુનાકે જણાવ્યું હતું કે ઈયુ છોડવાથી યુકેના વેપાર દેખાવને કેટલી અસર થઈ છે તેનું નિર્ણાયક તારણ કાઢવું હજું કવેળાનું છે અને તેમનું મંત્રાલય અસરોનો અભ્યાસ કરી રહ્યું છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે બ્રેક્ઝિટના કારણે યુરોપ ખંડમાં ગ્રાહકોને માલસામાન મોકલવાનું યુકે બિઝનેસીસ માટે વધુ મુશ્કેલ બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અન્ય દેશો સાથે વેપારસોદા ઈયુ છોડવાનો સૌથી મોટો લાભ હશે પરંતુ, તે રાતોરાત નહિ મળે.