મુંબઇઃ દુનિયાભરના શેરબજારોની નજર હાલ યુએસ ફેડની બેઠકના મુકાબલે બ્રિટનના રેફરન્ડમ ઉપર મંડાઈ છે. યુરોપિયન યુનિયન સાથે રહેવું કે પછી તેનાથી છેડો ફાડવો એ મુદ્દે બ્રિટનમાં જનમત લેવાઇ રહ્યો છે. બ્રિટિશ પાઉન્ડની વોલેટીલિટી કે વધઘટનું પ્રમાણ વધતું રહીને અત્યારે ર૦૦૯ પછીનીઊંચી સપાટીએ પહોંચી ગયું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં લંડનનો ફુત્સી ઈન્ડેક્સ માંડ સવા ટકો ઘટયો છે. સામે સ્ટોક્સ યુરોપ-૬૦૦ ઇન્ડેક્સ ૭.૫ ટકાથીય વધુ નીચે આવી ગયો છે. રિસ્ક-મોડેલિંગ બિઝનેસમાં પ્રવૃત એક્ઝિઓમા ઈન્ફો નામની એક રિસર્ચ ફર્મ માને છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી વિદાય લેશે તો તાત્કાલિક પરિણામ તરીકે યુરોઝોનના શેરબજારો ર૪ ટકા જેટલા ઘટી શકે છે! જેનું મૂલ્ય પાઉન્ડમાં અંકિત (પાઉન્ડ ડિનોમિનેશન) છે તેવી એસેટ્સની વેલ્યુ ૧૦ ટકા સુધી નીચે જવાની ભીતિ છે. બોન્ડ માર્કેટમાં ખાસ્સી મોટી ઉથલપાથલ જોવા મળશે.
આની સાથોસાથ યુરોઝોનમાં હાથ ધરાયેલા સ્ટીમ્યુલસ પેકેજની સાર્થકતા ૫ણ જોખમાશે. મોટા ભાગનો વર્ગ માને છે કે બ્રિટન છેડો નહિ ફાડે, પરંતુ બ્રિટન ખરેખર વિદાય લે તો શું? એનો સ્પષ્ટ જવાબ બહુ ઓછા લોકો પાસે છે.