લંડનઃ ઈયુ રેફરન્ડમ સંબંધિત અનિશ્ચિતતાને લીધે યુકેના અન્ય પ્રદેશોની સરખામણીએ લંડનમાં મકાનોના ભાવમાં કડાકો બોલાયો છે. લંડનમાં મકાનનો સરેરાશ ભાવ ગયા મહિને ૯૭૧ પાઉન્ડ (૦.૨ ટકા) ઘટીને ૬,૪૩,૧૧૭ પાઉન્ડ રહ્યો હતો. Rightmove's ના મંથલી હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ મુજબ રિચમન્ડ બરોમાં મકાનોના ભાવમાં ૧૦.૨ ટકા, જ્યારે કેન્સિંગ્ટન અને ચેલ્સીમાં ૯.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, આ ગાળામાં રાષ્ટ્રીય સ્તરે મકાનોના ભાવમાં સરેરાશ ૨,૩૨૦ પાઉન્ડ (૦.૮ ટકા)નો વધારો થયો હતો. તેનાથી માર્કેટમાં આવતી પ્રોપર્ટીનો ભાવ વધીને ૩,૧૦,૪૭૧ પાઉન્ડની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો.
આનાથી ઉલટું સધર્ક, લેમ્બેથ અને હેકનીમાં મકાનોના ભાવમાં પાંચ ટકાથી વધુનો વધારો થયો હતો. પરંતુ, શહેરની એકંદરે સ્થિતિ નેગેટિવ હતી. Rightmove'sના ડિરેક્ટર માઈલ્સ શીપસાઈડે જણાવ્યું હતું કે લંડનમાં પ્રોપર્ટીના વધતા ભાવથી આપણે ટેવાઈ ગયા છીએ. માર્કેટમાં વેચાણમાં આવતી પ્રોપર્ટીનો ભાવ છ વર્ષ પહેલા જે હતો તેના કરતા હજુ ૨,૨૮,૬૩૨ પાઉન્ડ ઉંચો છે.