નવી દિલ્હીઃ બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ખસી જવાનો નિર્ણય કરતાં આર્થિક મોરચે સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા સંદર્ભે ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી ભારપૂર્વક કહે છે કે (સંભવિત અસરનો સામનો કરવા) અમે સજ્જ છીએ. તેમણે રેફરન્ડમના પરિણામ જાહેર થયા બાદ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક અસ્થિરતા માટે પહેલેથી જ સજ્જ છે. હાલમાં ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને હકારાત્મક દિશા તરફ આગળ વધી રહ્યું છે. અમે બ્રિટનના જનાદેશનું સન્માન કરીએ છીએ. બીજી તરફ, અમે આ જનાદેશથી ઊભી થનારી સ્થિતિ અને તેની અસરો અંગે પણ જાણીએ છીએ. અમને તેની ટૂંકી અને લાંબા ગાળાની અસરોનું અનુમાન છે. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારત મજબૂત રીતે મેક્રો-ઇકોનોમિક સ્ટેબિલિટી ધરાવે છે અને તેના પાયા ખૂબ જ મજબૂત છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજને બ્રેક્ઝિટના ચુકાદા બાદ કહ્યું હતું કે ભારતીય બેન્કિંગ ક્ષેત્ર મજબૂત સ્થિતિમાં છે. ઇયુમાંથી બ્રિટનની એક્ઝિટ અંગે તેમણે જણાવ્યું કે આ પગલાંથી ભારતનાં બજારો અને વિદેશી હૂંડિયામણ પર કેવી રીતે અસર થશે તેની જાણ છે અને આરબીઆઈ તમામ તૈયારીઓ સાથે સજ્જ છે. ક્યારેય પણ જરૂર જણાશે તો કરન્સી માર્કેટમાં પણ હસ્તક્ષેપ કરવામાં આવશે અને અન્ય કરન્સી સામે રૂપિયાનું ધોવાણ અટકાવાશે.
બ્રેક્ઝિટના નિર્ણયથી ભારતના વેપાર-ઉદ્યોગ પર કેવી સારી-માઠી અસર પડી શકે છે તે સંદર્ભે પ્રશ્નોત્તરી સ્વરૂપે અહીં કેટલીક માહિતી રજૂ કરી છેઃ
• ભારત બ્રિટન સાથે કેટલો વેપાર કરે છે?
ભારત માટે યુરોપિયન યુનિયન સૌથી મોટું એક્સ્પોર્ટ માર્કેટ રહ્યું છે. એકસ્પોર્ટનો ૧૫ ટકા ભાગ બ્રિટનના ફાળે જાય છે. ૨૦૧૫-૧૬માં ભારતે બ્રિટન સાથે ૯૪,૩૦૦ કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. ભારતમાં એફડીઆઈમાં બ્રિટન ૮ ટકા યોગદાન આપે છે.
• શું ભારત માટે વ્યાપારની સ્થિતિ મુશ્કેલ થશે?
૮૦૦ ભારતીય કંપનીઓ ઈયુમાં પ્રવેશવા માટે બ્રિટનનો રસ્તો અપનાવતી હતી. બ્રિટન હવે ઈયુથી અલગ થઈ રહ્યું છે ત્યારે ભારત અને યુરોપિયન યુનિયનના બીજા દેશો સાથે વેપાર કરવા માટે નવેસરથી જોડાણ કરવું પડશે. ચલણી નાણામાં ફેરફાર કરવા પડશે અને નવસેરથી જોડાણ થશે. કરન્સીનો વિવાદ હોવાને કારણે ક્રૂડ ઓઇલ અને અન્ય પદાર્થોનાં ખરીદવેચાણમાં જે મુશ્કેલી નડી રહી છે તેમાં વધારો થશે.
• ભારતની કરન્સી પર શું અસર થશે?
ભારતનો રૂપિયો ટૂંકા ગાળા માટે ગગડે તેવી શક્યતા છે. જો રૂપિયો ગગડશે તો ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારતે વધુ રકમ ચૂકવવી પડશે. સરકાર એકસાઇઝ ડ્યુટી નહીં ઘટાડે, પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે. ડોલર સામે રૂપિયો ઓગસ્ટ ૨૦૧૩માં તેના સૌથી નીચા સ્તર ૬૮.૮૫ પર પહોંચ્યો હતો. શુક્રવાર તે ૬૮.૨૦ થતાં રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઈ)એ ડોલરમાં વેચવાલી શરૂ કરતાં તેમાં રિકવરી જોવા મળી હતી. રૂપિયા પર ટૂંકા ગાળે દબાણ હેઠળ રહી શકે છે.
• ભારતનાં શેરબજાર પર શું અસર થશે?
શુક્રવારે બ્રેકઝિટનાં પરિણામો જાહેર થતાં જ ભારતનાં શેરબજારોમાં સેન્સેક્સમાં શરૂઆતમાં ૧,૦૦૦ પોઈન્ટથી વધુનો કડાકો થયો હતો. જોકે પછીથી ૪૦૦થી ૫૦૦ પોઇન્ટની રિકવરી જોવા મળી હતી. શેરબજારમાં ટૂંકા ગાળા માટે ઊથલપાથલ જોવા મળી શકે છે.
• ભારતીય કંપનીઓ પર શું અસર પડશે?
બ્રિટનમાં કારોબાર કરતી ભારતીય કંપનીઓએ હવે ઈયુના અન્ય દેશોમાં તેમની ઓફિસો ખોલીને કારોબાર કરવો પડશે. નવા કર્મચારીઓની ભરતીમાં સાવચેતી વર્તવી પડશે. બ્રિટનની નવી ઇમિગ્રેશ પોલિસી કેવી હશે તેના પર ભાવિ કારોબારનો આખો મદાર છે. બ્રિટનમાં કારોબાર કરતી તાતા મોટર્સ અને તાતા સ્ટીલના શેરના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. તાતા મોટર્સે હવે યુરોપના બાકીના દેશોમાં તેની કાર વેચવા માટે ટેક્સ અને ડ્યૂટી ચૂકવવા પડશે. બ્રિટનમાં ૮૦૦ જેટલી ભારતીય કંપનીઓ વેપાર કરે છે. હવે તેના કારોબાર પર વિપરીત અસરો થશે. આ કંપનીઓ બ્રિટનમાં ૧.૧૦ લાખ લોકોને રોજગારી આપી રહી છે. તાતા મોટર્સ, એરટેલ અને ભારતની ફાર્મા કંપનીઓએ હવે યુરોપિયન યુનિયનના અન્ય દેશોમાં વેપાર કરવા વધારાનો ટેક્સ અને ડ્યૂટી ભરવી પડશે.