બ્રેક્ઝિટનું ટાઈમટેબલ

Tuesday 24th January 2017 11:15 EST
 
 

ઈયુ છોડવા માટે બ્રિટિશ પ્રજાએ આપેલા જનમત પછી વડા પ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટ કાર્યવાહી માટે મક્કમ છે. છેલ્લે તો સુપ્રીમ કોર્ટે પણ પાર્લામેન્ટમાં કાયદો લાવ્યા વિના આગળ નહિ વધી શકાય તેવો ચુકાદો આપ્યા છતાં માર્ચ મહિનાના અંતે આર્ટિકલ-૫૦ અન્વયે બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભવા સરકારે તૈયારી આદરી છે, જે આ સાતેના ટાઈમટેબલ પરથી જાણી શકાય છે.

• માર્ચ ૨૦૧૭નો અંત- વડા પ્રધાન થેરેસા મે સંભવતઃ ૯ માર્ચની યુરોપિયન કાઉન્સિલની બેઠકમાં બ્રેક્ઝિટ માટે આર્ટિકલ-૫૦નો આરંભ કરાવી શકે છે. ઈયુની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી ૨૫ માર્ચે શરૂ થાય તે અગાઉ આ કરી દેવાશે.

• એપ્રિલ-મે ૨૦૧૭- યુકે આર્ટિકલ-૫૦ને ટ્રિગર કરે તેના ચાર-પાંચ સપ્તાહ પછી યુકે સિવાયના ૨૭ ઈયુ દેશોની શિખર પરિષદ યોજાશે.

• મે-જૂન ૨૦૧૭- ૨૭ ઈયુ દેશો દ્વારા સેટલમેન્ટ સંબંધે ગાઈડલાઈન્સ નિશ્ચિત કરાશે. વિચ્છેદ માટેની શરતોની યાદીમાં બ્રિટન માટે ૬૦ બિલિયન પાઉન્ડના બિલ સાથે નાણાકીય જવાબદારીઓ, આયર્લેન્ડ અને સ્પેન સાથે સરહદો, હસ્તક કરેલા અધિકારો તેમજ ક્લાઈમેટ ચેન્જના લક્ષ્યાંકો જેવી અન્ય જવાબદારીઓનો સમાવેશ કરાશે. વેપાર સંબંધિત વાતચીતો થઈ શકે તે અગાઉ બ્રિટનને સહમત થવા માટે શરતોની યાદી અપાવાની હોઈ આ સમય જોખમી બની રહેશે. જો શરતો યોગ્ય ન જણાય તો થેરેસા મે તેમણે આપેલી ધમકી મુજબ મંત્રણાઓમાંથી દૂર થઈ શકે છે.

• જૂન ૨૦૧૭ પછી- યુકે-ઈયુ વચ્ચે સંબંધ વિચ્છેદની શરતો પર સમજૂતી સધાય તો ઈયુ સાથે બ્રિટનના સંબંધો વિશે આખરી લક્ષ્ય સાથે મંત્રણાઓનો આરંભ થઈ શકશે. આ લક્ષ્ય ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પ્લસ’ (FTA+) હોય તેવી સર્વસંમતિ પ્રવર્તે છે. વેપારી મંત્રણાઓમાં બ્રિટન તબક્કાવાર સિંગલ માર્કેટથી સેક્ટર અનુસાર દૂર થાય તેની તારીખો અંગે સમજૂતી કરવામાં આવશે. ૨૦૧૯ સુધી આર્ટિકલ-૫૦ની મંત્રણાઓ પછી FTA+ સાધવા માટે વધુ મંત્રણાઓ શક્ય જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter