લંડનઃ ચેપગ્રસ્ત લોહી ચડાવવાના કૌભાંડને છાવરવામાં એનએચએસ અને સરકારે કોઇ કસર બાકી રાખી નહોતી તેમ પબ્લિક ઇન્કવાયરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. એનએચએસના સૌથી બદતર સારવાર કૌભાંડમાં છેલ્લા પાંચ વર્ષથી તપાસ કરી રહેલી ઇન્કવાયરીના અધ્યક્ષ સર બ્રાયન લેન્ગસ્ટાફે જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી સત્ય છૂપાવી રાખવા માટે સરકારો, સરકારી અધિકારીઓ અને ડોક્ટરોએ મિલિભગત ચલાવી હતી. આ ભયાનક કૌભાંડ અટકાવી શકાયું હોત પરંતુ નિષ્ફળતાઓએ મોટી હોનારતને જન્મ આપ્યો હતો.
ઇન્ફેક્ટેડ બ્લડ સ્કેન્ડલના પીડિતોને વચગાળાનું વળતર આપવાની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે. પે માસ્ટર જનરલે જાહેરાત કરી હતી કે જે પીડિતો પ્રવર્તમાન બ્લડ સપોર્ટ સ્કીમમાં નોંધાયેલા છે તેમને વચગાળાના વળતર પેટે 90 દિવસમાં 2,10,000 પાઉન્ડનું વળતર અપાશે. વળતર યોજનામાં પીડિતોને એક સામટી રકમ સ્વીકારવાનો અથવા તો નિયમિત હપ્તામાં પેમેન્ટનો વિકલ્પ અપાશે.
ઇન્ફેક્ટેડ બ્લડ સ્કેન્ડલના પીડિતોના સગાં ઇન્ફેક્ટેડ બ્લડ કમ્પનસેશન ઓથોરિટીના માધ્યમથી તેમના પોતાના વળતર માટે દાવો કરી શકશે. પે માસ્ટર જનરલ જ્હોન ગ્લેને જણાવ્યું હતું કે, પીડિત માન્ય ઇન્ફેક્શન માટે સ્કીમમાં નોંધાયેલ હોય તો તેના સગાં વળતર માટે દાવો કરી શકશે. તેનો અર્થ એ થયો કે વાલીઓ, જીવનસાથીઓ, ભાઇ-બહેન, બાળકો કે જેમણે કેરર તરીકે ફરજ બજાવી હોય તેવો વળતર માટે દાવો કરી શકશે.
એચઆઇવી અને હિપેટાઇટિસથી ચેપગ્રસ્ત બ્લડ પ્રોડક્ટ્સ અપાવાના કારણે 1970થી 1998 વચ્ચે એચઆઇવી અને હિપેટાઇટિસનો ભોગ બનેલા 3000 કરતાં વધુ દર્દીનાં મોત થયાં હતાં. સર બ્રાયને જણાવ્યું હતું કે, આ કરૂણાંતિકા આકાર પામી હતી કારણ કે ડોક્ટરો અને એક પછી એક આવેલી સરકારોએ દર્દીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું નહોતું. ડોક્ટરોએ દર્દીઓ સાથે દગો કર્યો હતો. જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે પણ સત્તાવાળાઓના વર્તને પીડિતોની પીડાને વધુ જટિલ બનાવી દીધી હતી.
સર બ્રાયને જણાવ્યું હતું કે, આ કૌભાંડના પીડિતો અને તેમના પરિવારજનોને વળતર ચૂકવવા માટે તાત્કાલિક એક વળતર યોજના જાહેર કરવી જોઇએ. હવે સરકારે સત્તાવાર રીતે આ કૌભાંડની કબૂલાત કરી લેવી જોઇએ અન પીડિતોને યોગ્ય વળતર ચૂકવવું જોઇએ.
સર બ્રાયને એવી પણ ચેતવણી આપી હતી કે એવા ઘણા લોકો છે જેમને ચેપગ્રસ્ત લોહી ચડાવવામાં આવ્યું હોવાની જાણ જ નથી અને તેમનું કોઇ પ્રકારનું નિદાન પણ થયું નથી.
આ પાંચ કેટેગરીમાં વળતર ચૂકવાશે
- ઇન્ફેક્શનના કારણે થયેલી શારીરિકઅને માનસિક ઇજા માટે ઇન્જરી એવોર્ડ
- ઇન્ફેક્શનના કારણે સામાજિક રીતે એકલવાયા પડી ગયેલાની હતાશા માટે સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ
- પારિવારિક જીવન પર અસર થવા માટે ઓટોનોમી એવોર્ડ
- ભૂતકાળની અને ભવિષ્યની કેરરની જરૂરીયાત માટે કેર એવોર્ડ
- ઇન્ફેક્શનના કારણે થયેલા આર્થિક નુકસાન માટે ફાઇનાન્સિયલ લોસ એવોર્ડ
દેશ, સરકાર, એનએચએસ અને સિવિલ સર્વિસ માટે શરમજનક દિવસઃ સુનાક
લાખો લોકોને ચેપગ્રસ્ત લોહી ચડાવવાના મામલામાં વડાપ્રધાન રિશી સુનાકે માફી માગતા આ સ્કેન્ડલને રાષ્ટ્રીય જીવનના કેન્દ્રમાં દાયકા લાંબી નૈતિકતાની નિષ્ફળતા ગણાવ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ દિવસ બ્રિટિશ સરકાર, એનએચએસ, સિવિલ સર્વિસ અને એક પછી એક આવેલી સરકારોના મંત્રીઓ માટે અત્યંત શરમનો દિવસ છે. જોકે વડાપ્રધાન દ્વારા પીડિતોને વળતર માટે કોઇ જાહેરાત ન કરાતાં તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં પહેલીવાર પીડિતોને વળતર આપવાની ભલામણ કરાઇ હતી.