લંડનઃ બ્લેકપુલ સાઉથ સંસદીય બેઠકની પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે જાહેર થયેલા પરિણામોમાં લેબર પાર્ટીના ક્રિસ વેબ 10,825 મત મેળવીને 7,607 મતની સરસાઇથી વિજેતા બન્યા હતા. ક્રિસ વેબના ટોરી પ્રતિસ્પર્ધી ડેવિડ જોન્સને 3218 અને રિફોર્મ યુકેના ઉમેદવાર માર્ક બુચરને ટોરી ઉમેદવારથી ફક્ત 117 મત ઓછા મળ્યાં હતાં. પેટાચૂંટણીમાં લેબર પાર્ટીને 58.9 ટકા જ્યારે રિફોર્મ યુકેને 16.9 ટકા મત હાંસલ થયાં હતાં.
બ્લેકપુલ સાઉથની પેટાચૂંટણીમાં મળેલા વિજય બાદ લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે બ્લેકપુલ સાઉથનો વિજય આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટીની વિજયની દિશામાં એક મહાકાય પગલું છે. લેબર પાર્ટી સંસદની ચૂંટણીનો પડકાર ઝીલવા સક્ષમ છે. અમે ઇચ્છીએ છીએ કે વડાપ્રધાન સુનાક સંસદની ચૂંટણીનું આયોજન કરે. પેટાચૂંટણીના પરિણામે દર્શાવી દીધું છે કે દેશ હવે બદલાવ ઇચ્છે છે. અમે ચૂંટણી ઇચ્છીએ છીએ. અમે દેશને પ્રગતિ તરફ આગળ લઇ જવા માગીએ છીએ.