લંડનઃ લેસ્ટરમાં થતી દીવાળીની ઉજવણી માટે અપાતા ભંડોળમાં મેયર સર પીટર સોલ્સબીએ કાપ મૂક્યો હોવાના આરોપો મેયર દ્વારા નકારી કઢાયાં છે. એક ઓનલાઇન પીટિશનના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે, આ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. પીટિશનમાં એવો દાવો કરાયો હતો કે સ્થાનિક દુકાનદારો દ્વારા નાણા એકઠાં કરવામાં નહીં આવે ત્યાં સુધી દીવાળીની ઉજવણી કરાશે નહીં. પરંતુ સર પીટર સોલ્સબીએ જણાવ્યું હતું કે, ઉજવણીઓને આર્થિક સહાય આપવાના મુદ્દે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભવિષ્યમાં કેવા પ્રકારની ઉજવણીઓ કરાશે તેનો પણ નિર્ણય લેવાયો નથી.
સોલ્સબીએ જણાવ્યું હતું કે, દીવાળીની ઉજવણી માટે ભંડોળ એકઠું કરવા હું સ્થાનિક બિઝનેસો અને સંભવિત સ્પોન્સરો સાથે મળીને કામ કરી રહ્યો છું. લેસ્ટરમાં દર વર્ષે દીવાળીની ઉજવણી માટે 2.5 લાખ પાઉન્ડની ફાળવણી હવે મુશ્કેલ બની રહી છે. કાઉન્સિલ અત્યારે આર્થિક સંકડામણ વેઠી રહી છે તેથી ભંડોળ માટે વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી બની રહી છે. આ વર્ષના બજેટ અનુસાર કાઉન્સિલને તેની પાયાની જરૂરીયાતો માટે પણ ઇમર્જન્સી ભંડોળમાંથી વ્યવસ્થા કરવી પડશે. કાઉન્સિલ સેક્શન 114 અંતર્ગત નાદારી નોંધાવવાની નોબત પણ આવી શકે છે.
જોકે મેયરે આશ્વાસન આપ્યું હતું કે, દીવાળીમાં શહેરમાં કરાતી લાઇટિંગ અને ડેકોરેશનનો કોઇ સવાલ જ નથી પરંતુ જો વધુ ભંડોળ એકઠું નહીં થાય તો લાઇટિંગ અને ડેકોરેશન તથા દીવાળીના દિવસની ઉજવણી પર જોખમ આવી શકે છે. જો કે મને આશા છે કે આપણે ભંડોળ એકઠું કરી ઉજવણી કરી શકીશું. દીવાળીની ઉજવણી રદ કરવાની હાલપુરતી કોઇ યોજના નથી. ઉજવણી રદ ન થાય તે માટે અમારે વધારાનું ભંડોળ એકઠું કરવું પડશે.
દીવાળીની ઉજવણી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશુઃ રાજેશ અગ્રવાલ
લેસ્ટર ઇસ્ટના લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલે આ મામલે તાજેતરમાં મેયર સોલ્સબી સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાઉન્સિલ આર્થિક સંકડામણ વેઠી રહી છે ત્યારે હિન્દુ સમુદાયને દીવાળીની ઉજવણી અંગે ચિંતા છે. જો પુરતું ભંડોળ નહીં હોય તો ઉજવણી પર અસર પડી શકે છે. હું આ મુદ્દે સમુદાયના લોકો, બિઝનેસો અને કાઉન્સિલો સાથે મળીને કામ કરીશ જેથી પુરતું ભંડોળ એકઠું કરી શકાય. ફક્ત લેસ્ટર જ નહીં પરંતુ સંખ્યાબંધ કાઉન્સિલો આર્થિક સંકડામણનો સામનો કરી રહી છે.