યુગાન્ડાના બિઝનેસ માંધાતા ડો. સુધીર રૂપારેલિયા વિરલ અને ઈશ્વરના કૃપાપાત્ર આત્મા છે. અમેરિકામાં કેલિફોર્નિયાની હોસ્પિટલમાં ટૂંકી માંદગી પછી ૬૧ વર્ષની વયે તેમનું મૃત્યુ થયાના સમાચાર એક ફેક ન્યૂઝ વેબસાઈટે આપ્યા પછી હવે તો તેમના માટે સ્વર્ગ અને પૃથ્વી બન્ને એક જ છે. આ ખોટા સમાચાર મુજબ ડો. રૂપારેલિયા એપલ ઈન્કોર્પોરેશનના આમંત્રણથી બિઝનેસ ટ્રીપ પર હતા. તેમાં એવું પણ જણાવાયું હતું કે તેમના અચાનક અવસાનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેમના પત્ની જ્યોત્સનાએ તેમના મૃતદેહને ઓટોપ્સી માટે મોકલી દેવાયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
આ મહાન વ્યક્તિની વિદાય બદલ વિશ્વ શોક વ્યક્ત કરવાની તૈયારીમાં હતું ત્યારે પોતાના પરિવાર સાથે ડિનર લઈ રહેલા ડો. રૂપારેલિયા આ તમાશો જોઈને મંદ મંદ હસી રહ્યા હતા. મને તેની ખાતરી કરાવવા માટે તેમના પુત્ર રાજીવે વોટ્સએપથી તરત જ વીડિયો ક્લીપ પણ મોકલી હતી.
યુગાન્ડાના એક ન્યૂઝ પોર્ટલે જણાવ્યું હતું કે આવી વેબસાઈટો વેબ ટ્રાફિક વધારવા અને પોતાની અસર ઉભી કરવા સોશિયલ મીડિયાના ઉપયોગથી ઈરાદાપૂર્વક અફવાઓ ફેલાવે છે, પ્રોપેગેન્ડા કરે છે અને સાચા સમાચાર હોય તેમ ખોટી માહિતી આપે છે. ફેક ન્યૂઝ વેબસાઈટ આર્થિક, રાજકીય અથવા અન્ય લાભ માટે વાચકોને મનોરંજન પૂરુ પાડવાને બદલે તેમને ગેરમાર્ગે દોરે છે.
કેટલાક હિંદુ માને છે કે મૃત્યુના ખોટા સમાચારથી જે તે માનવીનું આયુષ્ય વધીને લગભગ ૧૦૦ વર્ષનું થાય છે. એક ગુજરાતી સંત અમરદાસે લખ્યું છે, ‘ જેને રામ તણા રખવાળા, એને શું કરે જમ કાળા’ એટલે કે જેનું રક્ષણ સર્વશક્તિમાન દ્વારા કરતા હોય તેને મૃત્યુના દેવ ‘યમ’ પણ સ્પર્શી શકતા નથી.
હું ડો. રૂપારેલિયાને જુલાઈ, ૨૦૧૩માં પહેલી વખત મળ્યો હતો. હજુ પણ હું તેમની વિનમ્રતા, ઉમદા વ્યક્તિત્વ અને વતન આફ્રિકા પ્રત્યે તેમની દેશભક્તિથી અંજાયેલો છું. સુધીરભાઈને અમારા સલામ. ભગવાન આપના આત્માને સ્વર્ગ અને ધરતી બન્ને પર શાંતિ આપે.