લંડનઃ બેદરકારી અને ભયજનક રીતે સાયકલ ચલાવવાથી થનારા મોત અથવા તો ગંભીર ઇજાને હવે અપરાધ ગણવા સરકાર સંમત થઇ છે. આ માટે કાયદામાં સુધારો કરાશે. આ અંતર્ગત ભયજનક સાયકલ ચલાવવાના કારણે થનારા મોત માટે સાયકલ સવારને 14 વર્ષ સુધીની કેદની જોગવાઇ કરાશે. ટોરી સાંસદ ઇયાન ડંકન દ્વારા આ માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ કહે છે કે ભયજનક રીતે સાયકલ ચલાવનારાઓને જવાબદાર ગણવા જોઇએ. તેમણે આ માટે ક્રિમિનલ જસ્ટિસ લોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
હાઉસ ઓફ કોમન્સમાં સર ઇયાને જણાવ્યું હતું કે, મારો પ્રસ્તાવ સાયકલ સવારો વિરુદ્ધ નથી. સાયકલ ચલાવનારા જવાબદારીપુર્વક સાયકલ ચલાવે તે આપણે સુનિશ્ચિત કરવું જોઇએ. સર ઇયાને આ અંગે મેથ્યૂ બ્રિગ્સના પત્નીનું ઉદાહરણ આપ્યું હતું. 2016માં લંડનમાં એક સાયકલ સવારે ટક્કર મારતાં તેમની પત્નીનું માથામાં ઇજા થવાના કારણે મોત થયું હતું. પરંતુ મેથ્યૂ બ્રિગ્સ સાયકલ સવાર સામે કોઇ કાનૂની પગલાં લઇ શક્યાં નહોતાં. કોર્ટમાં જજે પણ કહ્યું હતું કે, આ માટે કાયદામાં સુધારો કરવાની જરૂર છે.