લંડનઃ ભારતમાં અપરાધ કરી યુકેમાં આશ્રય લઇ રહેલા ભાગેડુઓના પ્રત્યર્પણ સંબંધિત વિનંતીઓને પ્રાથમિકતા આપવા અને પરસ્પર કાયદાકીય સહાય સંધિ અંતર્ગત પ્રત્યર્પણની કાર્યવાહી ઝડપી બનાવવા ભારત અને યુકે વચ્ચે મંત્રણા થઇ હતી.
વિજય માલ્યા, નીરવ મોદી, સંજય ભંડારી, ખાલિસ્તાની અલગતાવાદીઓ અને આતંકવાદના સમર્થકો હાલ યુકેમાં આશ્રય લઇ રહ્યાં છે અને તેમના પ્રત્યર્પણ માટે ભારતની એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. જનરલ સ્ટીફન કાવાનાઘ સહિત યુકેનું ઉચ્ચ પ્રતિનિધિમંડળ આ મુદ્દા પર ચર્ચા કરવા તાજેતરમાં જ સીબીઆઇ મુખ્યમથકની મુલાકાતે પહોંચ્યું હતું. સીબીઆઇના ડિરેક્ટર પ્રવીણ સૂદ સહિત અન્ય સીનિયર અધિકારીઓએ યુકેના પ્રતિનિધિમંડળ સાથે વ્યાપક ચર્ચાઓ કરી હતી. જેમાં ભાગેડુ અપરાધીઓના પ્રત્યર્પણ ઉપરાંત અપરાધીઓ અંગેની ગુપ્તચર માહિતીની આપ-લે, આર્થિક અપરાધો, સુનિયોજિત અપરાધો, આતંકવાદ, સાયબર ક્રાઇમ અને અન્ય પરંપરાગત ધમકીઓનો સમાવેશ થાય છે.
સીબીઆઇએ જણાવ્યું હતું કે, યુકેના પ્રતિનિધિમંડળની મુલાકાત આંતરરાષ્ટ્રીય અપરાધો સામે લડવા ભારત અને યુકે વચ્ચેનો સહકાર મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે.